સ્કૂલમાંથી નીકળેલો માનવ રેલવે સ્ટેશન પર કેવી રીતે પહોંચ્યો, મદદ કરનાર એ મુંગો શખ્સ કોણ છે?

Ahmedabad School Kid Missing : 40 કલાકની શોધખોળ બાદ મળી આવ્યો... અમદાવાદની રઘુવીર સ્કૂલમાંથી ગુમ થયેલો વિદ્યાર્થી કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળ્યો

સ્કૂલમાંથી નીકળેલો માનવ રેલવે સ્ટેશન પર કેવી રીતે પહોંચ્યો, મદદ કરનાર એ મુંગો શખ્સ કોણ છે?

Ahmedabad Missing School Student અતુલ તિવારી/અમદાવાદ : અમદાવાદના ઠક્કર બાપાનગર વિસ્તારમાં આવેલી રઘુવીર સ્કૂલનાં ધોરણ નવમાં અભ્યાસ કરતો ગુમ થયેલો વિદ્યાર્થી ગઈકાલે મોડી રાત્રે એક વાગે કાલુપુર રેલવે સ્ટેશન ઉપરથી મળી આવ્યો. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર ઉપરથી વિદ્યાર્થી બદલાયેલા કપડામાં મળી આવતા અનેક સવાલ પેદા થયા છે. પરંતુ બાળક સુરક્ષિત મળી આવતા માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો છે.

અમદાવાદ રેલવે સ્ટેશન પરથી મળી આવેલું બાળક જે સમયે રઘુવીર વિદ્યાવિહાર સ્કૂલમાંથી ગુમ થયું હતું, તે સમયે વિદ્યાર્થી સ્કૂલ ડ્રેસમાં દરવાજાની બહાર જતો નજરે પડ્યો હતો. પરંતુ રેલવે સ્ટેશન ઉપરથી મળી આવેલો વિદ્યાર્થી જુદા જ કપડામાં મળી આવતા અનેક સવાલ પેદા થયા. સુરક્ષિત મળી આવેલા વિદ્યાર્થી સાથે જ્યારે અમે વાત કરી ત્યારે વિદ્યાર્થીએ કહ્યું કે જે સમયે તે સ્કૂલની અંદર આંકડા ઉપર બેઠો હતો, તે સમયે તેની પાસેથી પસાર થઈ રહેલા વ્યકિતએ તેને પોતાની પાસે બહારની તરફ આવવા માટે કહ્યું અને ઇશારો કરીને પોતાની તરફ બોલાવ્યો હતો. આ અજાણી વ્યક્તિએ બોલાવતા વિદ્યાર્થી બાંકડા પરથી ઉભો થઈ તેની પાછળ ગયો અને એ અજાણી વ્યક્તિત્વ દ્વારા તેને લાલ બસમાં બેસાડીને લઈ જવામાં આવ્યો હતો. આ બાળક રેલવે સ્ટેશન કેવી રીતે પહોંચ્યું એ અંગે વિદ્યાર્થીએ પોતાને કાઈ જાણ ન હોવાનું રટણ કર્યું. જો કે એ અજાણી વ્યક્તિ તેને રેલ્વે સ્ટેશન સુધી લઈ ગઈ હોવાની વિદ્યાર્થીએ વાત કહી. એ અજાણી વ્યકિતએ ધોતી પહેરી હતી અને હાથમાં લાકડી હતી તે પ્રકારનું વિદ્યાર્થીએ નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો : 

બે દિવસ સુધી રેલવે સ્ટેશન ઉપર શું કર્યું તે અંગે પૂછવામાં આવતા વિદ્યાર્થીએ કહ્યું કે જે વ્યક્તિ તેને લઈ ગયો હતો તેણે તેને જમાડ્યો પણ હતો. બટાકાનું શાક અને રોટલી પોતે જમ્યાનું તેણે નિવેદન આપ્યું છે. વિદ્યાર્થીએ કહ્યું કે, જ્યારે એ અજાણી વ્યક્તિ તેને રેલ્વે સ્ટેશન સુધી લઈ ગયો, તે વખતે એક મૂંગા વ્યક્તિએ તે વ્યક્તિ સાથે ન જવા આ ઇશારો કરીને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ વિદ્યાર્થીએ કહ્યું કે તે સમયે પોતે કાંઈ સમજી શક્યો નહીં અને આખરે એ વ્યક્તિ રેલવે સ્ટેશન ઉપર આ બાળકને લઈને પહોંચ્યું હતું. બાળકે કહ્યું કે રેલવે સ્ટેશન ઉપર પણ તેની કોઈએ મદદ કરી ન હતી.

બાળકના માતા પિતાએ કહ્યું કે, એક મૂંગા વ્યક્તિએ તેમનું બાળક રેલ્વે સ્ટેશન તરફ ગયું હોવાની માહિતી તેમના સગાને આપી હતી અને પોલીસ સાથે તેઓ રેલ્વે સ્ટેશન ઉપર પહોંચ્યા હતા. તેમનું બાળક પ્લેટફોર્મ નંબર 4 ઉપરથી મળી આવ્યું હતું. જે સમયે આ બાળક રેલ્વે સ્ટેશન ઉપરથી મળી આવ્યું ત્યારે તે સંપૂર્ણ ભાનમાં ન હોવાનું પણ વાલીએ જણાવ્યું હતું અને બાળકને ઊંચકીને તેઓ ઘરે લાવ્યા હતા. તે સમયે વિદ્યાર્થી સાથે શું થયું તે અંગે તેને કાઈ ખબર ના હોવાની વાત માતા-પિતાએ કહી હતી.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા રઘુવીર વિદ્યાવિહારમાં ભણતો આ વિદ્યાર્થી પોતે સ્કૂલ દ્વારા આપવામાં આવેલું એસાઇમેન્ટ કર્યા વિના આવ્યો હતો અને અન્ય વિદ્યાર્થીના એસાઇમેન્ટ પર પોતાનું નામ લખી શિક્ષકને રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પકડાઈ જતા શિક્ષકે તેને પ્રિન્સિપલ પાસે રજૂ કરતા તેના વાલીને આ અંગે જાણ કરાઇ હતી. તેના પિતાને સ્કૂલે બોલાવવામાં આવ્યો હતો. તેના પિતા આવે ત્યાં સુધી તેને ઓફિસ બહાર રહેલા બાંકડા પર બેસવા માટે જાણ કરાઈ હતી. ત્યારબાદ સ્કૂલના સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું તે મુજબ બાંકડા પરથી વિદ્યાર્થી અચાનક જ સ્કૂલની બહાર ચાલ્યો ગયો હતો. ઘરે નાં આવેલા વિદ્યાર્થીની વાલી દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી અને આખરે સ્કૂલ ઉપર વાલીઓએ હલ્લાબોલ મચાવ્યો હતો. આખરે વિદ્યાર્થી ગુમ થયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news