બાળક ચોર ગેંગ મામલોઃ અફવાએ અમદાવાદમાં લીધો એક મહિલાનો ભોગ, પોલીસે કહ્યું અફવા ફેલાવનાર સામે નોંધાશે ગુનો
શહેરમાં બાળકો ઉઠાવી જવાની અનેક ઘટનાઓ બને છે. ત્યારે મહિલાઓને માર મારતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Trending Photos
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી બાળકોને ઉપાડી જતી ગેંગ સક્રિય થઈ હોવાની અફવાઓ સોશિયલ મીડિયામાં ફેલાઈ હતી. દ્વારકા, સુરત, અમદાવાદ, જેવા શહેરોમાં આવી અફવાઓ ફેલાવવામાં આવી હતી. આ ઘટનાને કારણે નિર્દોષ લોકોને પણ તેનું ભોગ બનવાનો વારો આવે છે. આવી જ એક ઘટના અમદાવાદના વાડજમાં બની છે. જેથી એક મહિલાનો જીવ ગયો છે.
શહેરમાં બાળકો ઉઠાવી જવાની અનેક ઘટનાઓ બને છે. ત્યારે મહિલાઓને માર મારતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વાડજ વિસ્તારનો હોવાની ચર્ચા થઈ રહી છે. બાળકોને ઉઠાવી જવાની શંકાના આધારે મહિલા ગેંગને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. જેમાં સારવાર દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું છે. આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. તો વાડજ પોલીસ આ મામલે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી શકે છે. આ પહેલાં વાડજ પોલીસે આ વીડિયોને અફવા ગણાવી હોવાની વાત સામે આવી હતી.
શહેરમાં આ ઘટના બન્યા બાદ બાળકોને ઉઠાવી જતી ટોળકીની અફવા મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સૂચના બહાર પાડી છે અને સ્થાનિક પોલીસ ઈન્સ્પેક્ટરને પેટ્રોલિંગ કરવા આદેશ આપ્યા છે. સાથે જ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાવા મૌખિક સુચના અપાઈ છે. પોલીસે એક સૂચના બહાર પાડીને કહ્યું કે છે કે આવી કોઈ ટોળકી અમદાવાદ શહેરમાં નથી. તેથી કોઈએ ખોટી અફવા ફેલાવવી નહીં અને જો કોઈ આવી ખોટી અફવા ફેલાવશે તો તેની સામે ગુનો નોંધાશે. તો પોલીસે બાળકોને બહાર નીકળો ત્યારે સાચવવા પણ સૂચના આપી છે. પોલીસે કહ્યું કે હાલ સોશિયલ મીડિયામાં જે પ્રકારના વીડિયો વાઈરલ થયા છે તેવી કોઈ હકીકત શહેરમાં નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે