આ શાળામાં એડમિશન માટે એક પણ રૂપિયો ડોનેશન આપવો પડતું નથી, માત્ર જરૂર હોય છે જન્મકુંડળીની...

આજના સમયમાં તમામ માતા-પિતાને તેનું બાળક ભવિષ્યમાં શું કરશે તેની ચિંતા સતાવતી હોય છે. માતા-પિતાની આ ચિંતા લાખો રૂપિયાના ખર્ચે તેમના બાળકોને દેશવિદેશની પ્રખ્યાત સંસ્થાઓ તથા યુનિવર્સિટીઓમાં મોકલવા મજબૂર કરે છે. એવામાં આજે આપને એક એવી સ્કુલની મુલાકાત કરાવીશું, જેમાં પ્રવેશ માટે લાખો રૂપિયાની જરૂર નથી, પરંતું અહીં તમારા બાળકની સફળ થવાની ખાતરી મળે છે. પણ અહીં બાળકના પ્રવેશ માટે જન્મકુંડળી આપવાનો રિવાજ છે. તમારું બાળક આ સ્કૂલમાં અભ્યાસ કરશે કે નહીં તે નક્કી કરે છે તમારી આપેલી જન્મની કુંડળી...
આ શાળામાં એડમિશન માટે એક પણ રૂપિયો ડોનેશન આપવો પડતું નથી, માત્ર જરૂર હોય છે જન્મકુંડળીની...

અતુલ તિવારી/અમદાવાદ :આજના સમયમાં તમામ માતા-પિતાને તેનું બાળક ભવિષ્યમાં શું કરશે તેની ચિંતા સતાવતી હોય છે. માતા-પિતાની આ ચિંતા લાખો રૂપિયાના ખર્ચે તેમના બાળકોને દેશવિદેશની પ્રખ્યાત સંસ્થાઓ તથા યુનિવર્સિટીઓમાં મોકલવા મજબૂર કરે છે. એવામાં આજે આપને એક એવી સ્કુલની મુલાકાત કરાવીશું, જેમાં પ્રવેશ માટે લાખો રૂપિયાની જરૂર નથી, પરંતું અહીં તમારા બાળકની સફળ થવાની ખાતરી મળે છે. પણ અહીં બાળકના પ્રવેશ માટે જન્મકુંડળી આપવાનો રિવાજ છે. તમારું બાળક આ સ્કૂલમાં અભ્યાસ કરશે કે નહીં તે નક્કી કરે છે તમારી આપેલી જન્મની કુંડળી...

અહીં જન્મ કુંડળીના સહારે વિદ્યાર્થીને પ્રવેશ મળે છે તેવું જાણીને કદાચ તમને નવાઈ લાગશે પરંતુ આ વાત સત્ય છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળામાં બાળક અભ્યાસ કરશે કે નહિ તે બાળકની જન્મ કુંડળી પરથી નક્કી કરવામાં આવે છે. બાળકની જન્મ કુંડળીમાં રહેલા ગ્રહોની સ્થિતિના આધારે તેનામાં અભ્યાસ યોગ છે કે નહીં તે જોવામાં આવે છે. સ્કૂલમાં પ્રવેશ માટે બાળકની કુંડળીમાં યશ અને કીર્તિના યોગ હોવા જરૂરી છે. સ્કુલના સંચાલક અકીલ ઉત્તમભાઈ શાહ જણાવે છે કે, જન્મ કુંડળીના આધારે પ્રવેશ આપવાની પાછળ પ્રાચીન શિક્ષા પ્રણાલી જે નષ્ટ થઈ છે તેને પુન: જીવિત કરવાનો છે. આજથી અનેક વર્ષો પહેલા નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠમાં જે કળાઓ શીખવવામાં આવતી હતી, બાળકોને તે કળા શીખવવાનો આ સ્કૂલનો લક્ષ્ય છે. આ હેતુથી ફોર્મ સાથે બાળકની કુંડળી જોવામાં આવે છે અને 15 દિવસના ટ્રાયલ દરમિયાન બાળકની વાણી, વ્યવહાર, પ્રતિભા જોવામાં આવે છે.

રાજ્યભરમાં અનેક મોટી સ્કુલ, કેમ્પસ, યુનિવર્સીટીઓ, હાઈટેક સ્કુલ, કમ્પ્યુટર લેબ આવેલી છે. જ્યાં પ્રવેશ માટે લાંબુલચક વેઈટિંગ લિસ્ટ પણ જોવા મળે છે અને બાળકના પ્રવેશ માટે માતા-પિતા લાખો રૂપિયા ડોનેશન અને ફી પેટે ખર્ચવા તૈયાર હોય છે. પરંતુ અમદાવાદની હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ માટે માત્ર એક ફોર્મ ભરવાનું રહે છે અને આ ફોર્મ સાથે બાળકના જન્મની કુંડળી જોડવી ફરજિયાત છે. જન્મ કુંડળી જોયા બાદ બાળકને પ્રવેશ માટે બોલવવામાં આવે છે અને 15 દિવસ માટે બાળકનો ટ્રાયલ પણ લેવામાં આવે છે. જો તમામ રીતે બાળક પ્રવેશ માટે યોગ્ય સાબિત થાય તો માત્ર 3 હજાર રૂપિયા ફી પેટે વાલી પાસેથી લેવામાં આવે છે. પરંતુ આ 15 દિવસમાં બાળક કેટલું પ્રતિભાશાળી છે તેનો ખ્યાલ આવતો નથી. આવામાં બાળકમાં વિદ્યાયોગ, કલાયોગ છે કે નહિ, વિદ્યાર્થી કયા ક્ષેત્રમાં આગળ વધી શકશે, કયા વિષયમાં વિદ્યાર્થીની રૂચિ છે તે કુંડળીના સહારે નક્કી કરવામાં આવે છે. અહીં બાળકની કુંડળીમાં વિદ્યાભ્યાસ માટેના ગ્રહો, ગુરુ અને બુધનો શુભ સંબંધ, બુદ્ધિ સ્થાનમાં રહેલા ગ્રહોની સ્થિતિ, બાળકમાં યશ કિર્તીનો યોગ જોવામાં આવે છે.

બોલિવુડના મહાનાયકને અપાયો સર્વોચ્ચ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર

રાજ્યના શિક્ષણ વિભાગ સાથે કોઈ જોડાણ ન ધરાવતી હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળામાં સ્કૂલમાં કોઈ નિશ્ચિત અભ્યાસક્રમ નથી. છતાય અહીં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસનો દાવો કરવામાં આવે છે. સ્કુલની વેબસાઈટના હોમ પેજ પર સ્પષ્ટ લખ્યું છે કે, 'અનર્થકારી આધુનિક શિક્ષા કા પ્રભાવશાળી વિકલ્પ...' વેબસાઈટ પર જોઈએ તો અનેક હસ્તીઓ સાથે બાળકોના ફોટો જોવા મળે છે. એ જોઇને એકવાર થાય કે અહીંના બાળકોએ ખરેખર પ્રતિભાવાન હશે. 10 બાળકોથી શરૂ થયેલી સફર આજે આ સ્કૂલમાં 100 વિદ્યાર્થીઓ સુધી જઈ પહોંચી છે. પ્રવેશ માટે 400 વિદ્યાર્થીનું વેઈટિંગ લિસ્ટ છે. 7 વર્ષથી લઈને 12 વર્ષ સુધીના બાળકને અહીં પ્રવેશ આપવામાં આવે છે. ત્યારબાદ 10 - 12 વર્ષ સુધી બાળકને અભ્યાસ કરાવવામાં આવે છે.

અહીં અભ્યાસ કરતા બાળકોને અલગ અલગ 45 જેટલી કળાઓનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ અંગે વાત કરતા સંચાલક અકીલ ઉત્તમભાઈ શાહ જણાવે છે કે, પહેલાના સમયમાં પુરુષોની 72 કળા અને મહિલાઓની 64 કળાની અવધારણા હતી. જેમાંથી રિસર્ચ અને અભ્યાસ કરીને બાળકોને વેદ, મલખમ, જ્યોતિષ શાસ્ત્ર, આયુર્વેદ, ભાષા, ગણિત, વૈદિક ગણિત, યોગા, કરાટે, જિમ્નાસ્ટિક, કુસ્તી, સંગીત, વ્યાકરણ, ધર્મશાસ્ત્ર, ચિત્રકલા, એકાઉન્ટ, ઘોડેસવારી, લોકનૃત્ય, ગાયન, ન્યાય શાસ્ત્ર, વાસ્તુ શાસ્ત્ર, મીડ બ્રેઈન, અભિનય, ઈતિહાસ, ભૂગોળ, માર્શલ આર્ટ, હસ્તકળા, કુસ્તી સહીત અનેક વિદ્યાઓનું ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે. અહીં જમીન પર લીપણ જોવા મળે છે અને ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવે છે. બાળકોને દવા પણ ગુરુકુળમાંથી જ પૂરી પાડવામાં આવે છે.

કેટલાક વિદેશના વિદ્યાર્થીઓ સહિત દેશના 16 જેટલા જુદા જુદા રાજ્યોમાંથી અહીં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ અભ્યાસ બાદ અહીંથી બાળકને કોઈ ડિગ્રી આપવામાં આવતી નથી. આ સ્કુલનું માનવું છે કે ડિગ્રી હોવાથી કોઈ પ્રતિભાવાન છે તે કહેવું અથવા સમજવું યોગ્ય નથી. તેમ છતાં આ વર્ષથી સ્કુલના 35 જેટલા વિદ્યાર્થીઓ ભારત સરકાર દ્વારા માન્ય એવી NIUS સંસ્થાની ધોરણ 10ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે. જેના માટે બાળકો હાલ તૈયારી કરી રહ્યા છે. જોકે જેની પાસે ડિગ્રી નથી તેવા વૈદિક ગણિતના જાણકાર વિદ્યાર્થીઓ લાખો-કરોડોનો હિસાબ મોઢે કરી આપે છે. તમે જે તારીખ બોલો વિદ્યાર્થી તે દિવસનો વાર કહી બતાવે છે.

ડિગ્રી ન આપવા છતાં બાળકનું ભવિષ્ય શું એ સવાલ જરૂર ઉભો થાય છે ત્યારે પોતાના બાળકોની ઉપલબ્ધિ ગણાવતા સંચાલક કહે છે કે, અહીંથી જો કોઈ એક કળા પણ બાળક ઊંડાણપૂર્વક શીખી લે તો તેને કોઈ ડિગ્રીની આવશ્યકતા રહેતી નથી. તેમના બાળકોએ ડિગ્રી વગર અનેક કીર્તિમાન સ્થાપિત કર્યા છે. અહીંના વિદ્યાર્થી તુષારની વાત કરીએ તો તે વૈદિક ગણિતની સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી 5300 વિદ્યાર્થીમાંથી પ્રથમ આવ્યો. રાષ્ટ્રીય સ્તરે તે જ સ્પર્ધામાં 4300 બાળકોમાં પણ પ્રથમ આવ્યો. ત્યારબાદ વિશ્વસ્તરની સ્પર્ધામાં ઈન્ડોનેશિયાના જાકાર્તા ભાગ લેવા પહોંચ્યા, જ્યાં તેણે વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો અને ત્યાં પણ પ્રથમ સ્થાને રહ્યો. ખુદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પોતે આ બાળકની મુલાકાત લઈને તેણે સન્માનિત કર્યો હતો. આ સિવાય સફળતાના સંદર્ભમાં પોતાનું ઉદાહરણ આપે છે, શાશ્વત નામના વિદ્યાર્થી સહીત અનેક સફળ વિદ્યાર્થીઓ વિશે તેઓ જણાવે છે. તો છેલ્લા 40 વર્ષથી દર વર્ષે યોજાતી અને જાકીર હુસૈન જેવા મહારથીઓ જેમાં પોતાનો જલાવો બતાવે છે, તેવા સપ્તકમાં માત્ર 11 વર્ષીય અધીશ શાહ જલ તરંગની પ્રસ્તુતિ કરતો નજરે પડશે.  

આ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યા બાદ અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીને દિવાળીની 25 અને ઉનાળામાં 1 મહિનાની રજા આપવામાં આવે છે. આ સિવાય મહિનામાં માત્ર 1 દિવસ વિદ્યાર્થી તેના માતા-પિતા સાથે મુલાકાત કરી શકે છે. વહેલી સવારે 5 વાગે વિદ્યાર્થીને ઉઠવાનું રહે છે અને તેનાં અભ્યાસ સહિત અલગ અલગ પ્રવૃત્તિ દિવસભર ચાલે છે અને રાત્રે 9.30 કલાકે તેનો દિવસ પૂર્ણ થાય છે. દિવસ દરમિયાન બાળક અભ્યાસ અને જુદી જુદી કળાઓ સિવાય પોતે ચૂલ્હા પર ભોજન બનાવવાથી લઈ, લીપણ કરતા પણ શીખે છે. બાળક પોતે એકબીજાને ભોજન પીરસે છે અને પિત્તળ તેમજ કાંસના વાસણમાં જ ભોજન ગ્રહણ કરે છે. બાળકોને શુદ્ધ ગાયનું ઘી અને દૂધ આપવામાં આવે છે. બાળકો જમીન પર બેસીને અભ્યાસ કરે છે અને જમીન પર જ સૂએ છે. બાળકો વીર પુરુષો, નેતાઓ સહીત અનેક પ્રકારના ચિત્રો બનાવે છે.

લાખો રૂપિયા ખર્ચ્યા બાદ પણ બાળક ડિગ્રીના જોરે સફળ થશે કે નહીં તેની કોઈ શાળા ખાતરી લેતી નથી. પરંતુ જન્મ કુંડળીના સહારે પ્રવેશ આપતી આ શાળા બાળકના સફળ ભવિષ્યની ખાતરી આપે છે. બાળકની કુંડળીમાં રહેલા શુભ ગ્રહો મુજબ બાળકને કયા વિષયમાં ક્યા ક્ષેત્રમાં યશ અને કીર્તિ મળશે તે મુજબ તેનો અભ્યાસક્રમ બનાવીને તેનું ભવિષ્ય સફળ બનાવવાની ખાતરી આપવામાં આવે છે. જીવનમાં માત્ર ભણતર નહિ, પરંતુ ગણતર કેટલું જરૂરી છે તેનો અર્થ અહીં જાણવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news