સાયન્સ સિટીમાં જે અમદાવાદી વિદ્યાર્થીઓનો રોબોટ મૂકાયો, તમામને મળ્યું ઈનામ

સાયન્સ સિટીમાં જે અમદાવાદી વિદ્યાર્થીઓનો રોબોટ મૂકાયો, તમામને મળ્યું ઈનામ
  • આ રોબો એસ્કેવેટર તૈયાર કરનાર તન પટેલ, પાર્થ પટેલ, જૈમીન કોલડિયા, મિહિર મિસ્ત્રી, અભિનવ રાજપૂતે તૈયાર કર્યો છે
  • વિદ્યાર્થીઓએ બનાવેલું 'રોબો એસ્કેવેટર' ને જોયા બાદ તેને સાયન્સ સિટી ખાતે આવેલી રોબોટિક ગેલેરીમાં સ્થાન આપવાનું નક્કી કરાયું

અતુલ તિવારી/અમદાવાદ :થોડા સમય પહેલા સીએમ વિજય રુપાણીએ અમદાવાદના સાયન્સ સિટી (science city) માં આવેલા રોબોટિક ગેલેરીની મુલાકાત લીધી હતી. આ રોબોટિક (robot) ગેલેરીમાં જુદા જુદા પ્રકારના કામ કરી શકતા રોબોટ મૂકવામાં આવ્યા છે. જેમાં એક 'રોબો એસ્કેવેટર'નો સમાવેશ થાય છે. આ 'રોબો એસ્કેવેટર' બનાવનાર 5 વિદ્યાર્થીઓને 1-1 લાખ રૂપિયાના ચેક ઈનામરૂપે ગુજકોસ્ટ તરફથી આપવામાં આવ્યા છે.

ગુજકોસ્ટ દ્વારા વર્ષ 2019 માં રોબોફેસ્ટ 1.0 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે જુદી જુદી કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા રોબોટ્સ બનાવવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં અમદાવાદ (Ahmedabad) માં આવેલી આંબાવાડી પોલિટેકનિકમાં ICના છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા 5 વિદ્યાર્થીઓએ રોબો એસ્કેવેટર તૈયાર કરીને મોકલ્યું હતું. વિદ્યાર્થીઓએ બનાવેલું 'રોબો એસ્કેવેટર' ને જોયા બાદ તેને સાયન્સ સિટી ખાતે આવેલી રોબોટિક ગેલેરીમાં સ્થાન આપવાનું નક્કી કરાયું છે. આ રોબો એસ્કેવેટર તળાવમાં જમીન ખોદવાનું કામ કરે છે. જેમાં એક કેમેરો પણ ફીટ કરવામાં આવ્યો છે. રોબોટમાં સમય અને જગ્યા સેટ કરી દીધા બાદ જાતે જ તે નિશ્ચિત જગ્યામાં ખોદકામ કરી નાખે છે. આ રોબોટના સંચાલન માટે પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ થતો નથી, આ રોબો એસ્કેવેટર બેટરીથી કાર્ય કરે છે. જેનું સંચાલન એપ્લિકેશનની દ્વારા મોબાઈલના માધ્યમથી કરી શકાય છે. આ રોબોની બેટરી એકવાર ચાર્જ થયા બાદ લગભગ 2 થી 3 કલાક જેટલું કાર્ય કરી શકે છે. 

આ રોબો એસ્કેવેટર તૈયાર કરનાર તન પટેલ, પાર્થ પટેલ, જૈમીન કોલડિયા, મિહિર મિસ્ત્રી, અભિનવ રાજપૂતને ગુજકોસ્ટ તરફથી પહેલીવાર રૂપિયા અપાયા હોય તેવું પણ નથી. ગુજકોસ્ટ તરફથી જ આ પાંચેય વિદ્યાર્થીઓને શરૂઆતમાં 50 હજાર રૂપિયા ત્યારબાદ 2 લાખ રૂપિયા પ્રોત્સાહનરૂપે આપવામાં આવ્યા હતા. હવે ફરી એકવાર ગુજકોસ્ટ દ્વારા પ્રત્યેક વિદ્યાર્થીને 1-1 લાખ રૂપિયા એમ કુલ 5 લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યા છે. હાલ આ વિદ્યાર્થીઓ તેમના જુનિયર વિદ્યાર્થીઓને રોબોફેસ્ટ 2.0 માં ભાગ લેવા માટે તૈયાર કરાઈ રહેલા રોબોટ બનાવવામાં પણ મદદરૂપ થઈ રહ્યા છે.  

No description available.

આ પાંચેય વિદ્યાર્થીઓ જ્યારે ICના કોર્સમાં ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા હતા, ત્યારે રોબોફેસ્ટ 1.0 સ્પર્ધામાં ભાગ લેવા માટે રોબોટ બનાવાનું નક્કી કર્યું અને રોબો એસ્કેવેટર બનાવ્યું. જેના કામકાજને જોતા તેને સાયન્સ સિટીમાં આવેલી રોબોટિક ગેલેરીમાં મૂકવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન ભવિષ્યમાં પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે થાય તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news