ચીકીની પ્રસાદી ખરેખર કોના ખિસ્સામાં જઈ રહી છે, ઋષિકેશે ફેરવી તોળ્યું તો નીતિન પટેલની એન્ટ્રી

Ambaji Temple Mohanthal Controversy : અંબાજી પરિસરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થતાં આ પ્રસાદ બનાવવા માટે સંકળાયેલી ૩૦૦થી વધુ મહિલાઓની રોજગારી છીનવાઇ ગઇ છે. દર વર્ષે મોહનથાળના બે કરોડથી વધુ પેકેટ વેચાતા હતા અને મંદિર ટ્રસ્ટને ૨૦ કરોડની આવક થતી હતી. હવે આ મહિલાઓને રોજગારી કોણ આપશે તે મોટો સવાલ

ચીકીની પ્રસાદી ખરેખર કોના ખિસ્સામાં જઈ રહી છે, ઋષિકેશે ફેરવી તોળ્યું તો નીતિન પટેલની એન્ટ્રી

Ambaji Temple Mohanthal Controversy : ગુજરાતમાં અંબાજી મંદિરનો પ્રસાદ ભાજપના ગળાનો ગાળિયો બની રહ્યો છે. મોહનથાળ સાથે લોકોની આસ્થા જોડાયેલી હોવાથી ભાજપના નેતાઓના નિવેદનો ભાજપને જ નુક્સાન કરી રહ્યાં છે. ભાજપ આ સળગતા મામલામાં હાથ દઝાડી રહી છે, પણ આ ચીક્કીથી કોને ફાયદો થઈ રહ્યો છે એ હજુ પણ સવાલ છે. મંદિરમાં કરોડો રૂપિયાનું દાન આવી રહ્યું છે. મંદિર ટ્ર્સ્ટ માટે પ્રસાદમાંથી થનારી આવક એ નજીવી છે. આસ્થા સાથે જોડાયેલો વિષય હોવાથી મંદિર ટ્રસ્ટ પણ સારી રીતે જાણે છે આમ છતાં કોના ફાયદા માટે આ મનસ્વી નિર્ણયો લેવાઈ રહી છે એ ભક્તોમાં પણ ચર્ચાનો વિષય છે. ભાજપના નેતાઓ આ મામલે ખુલાસા કરી ચૂક્યા છે કે ચિકી સાથે અમારે કોઈ લેવાદેવા નથી આમ છતાં વિવાદ વધી રહ્યો છે. બની શકે કે આ મામલો છેક પીએમ સુધી જાય કારણ કે અંબાજી મંદિર વિશ્વ પ્રખ્યાત છે. 

કોના ફાયદા માટે ચીકીનો પ્રસાદ આવશે
ગુજરાતમાં અંબાજી મંદિરનો મોહનથાળ હાલમાં ટોક ઓફ ધી ટાઉન છે. અંબાજી મંદિરમાં મોહનથાળની પ્રસાદ બંધ કરીને ફરજિયાત રીતે ચિક્કીનો પ્રસાદ શરૂ કરાયો છે. આ ચીકી માત્ર ૮થી ૧૦ રૂપિયામાં પડતર કિંમતની હોવા છત્તા શ્રધ્ધાળુઓ પાસેથી ૨૫ રૂપિયાની ઉઘાડી લૂંટ થઈ રહી છે. આ મુદ્દો ચારેકોર ગાજી રહ્યો છે. લોકો આક્રોશ સાથે કહે છે કે, મા અંબાને વર્ષોથી જે મોહનથાળનો પ્રસાદ ચઢાવાય છે એ પ્રસાદનું ઘણુ જ મહત્વ છે. અમારી આસ્થા જોડાયેલી છે. અમે લોકોએ કે અન્ય કોઈએ પણ પ્રસાદી બદલવાની માગણી કરી નહોતી. આમ છતાં મોહનથાળને બંધ કરીને ચિક્કીનો પ્રસાદ ચાલુ કરીને પ્રસાદીનું પણ વ્યાપારીકરણ કરાઈ રહ્યું છે. લોકોની લાગણી વચ્ચે વાત એવી વહેતી થઈ છે કે, કોઈ મંત્રી કે નેતાના નજીકના વ્યક્તિને ફાયદો કરાવવા ચીક્કીનો પ્રસાદ લવાયો છે. 

300 મહિલાઓની રોજગારી છીનવાશે
અંબાજી પરિસરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થતાં આ પ્રસાદ બનાવવા માટે સંકળાયેલી ૩૦૦થી વધુ મહિલાઓની રોજગારી છીનવાઇ ગઇ છે. દર વર્ષે મોહનથાળના બે કરોડથી વધુ પેકેટ વેચાતા હતા અને મંદિર ટ્રસ્ટને ૨૦ કરોડની આવક થતી હતી. હવે આ મહિલાઓને રોજગારી કોણ આપશે તે મોટો સવાલ છે. આ મામલે નીતિન પટેલે એમ કહ્યુ કે, આ મામલો  શ્રધ્ધાળુઓ અને મંદિર ટ્રસ્ટ વચ્ચેનો છે, પરંતુ મને આશા છે કે સરકાર કોઇ યોગ્ય સમાધાન કાઢશે. નીતિન પટેલના આ નિવેદને બધાને ચોંકાવી દીધા છે. સરકારે તો જાહેર કરી દીધું છે, પછી નીતિન પટેલ સમાધાનની વાત કેમ કરી રહ્યા છે? નીતિન પટેલના આ નિવેદનને કારણે ભાજપના કેટલાંક નેતાઓમાં ખુશી જોવા મળી છે. કારણકે તેઓનું માનવું છે કે અંબાજી મંદિરના પ્રસાદ વિવાદને કારણે ભાજપને નુકશાન થઇ રહ્યું છે. 

દાંતાના રાજવી નારાજ
મોહનથાળ પ્રસાદ મુદ્દે દાંતાના રાજવી નારાજ થયા છે અને હાઇકોર્ટના દ્વાર ખખડાવે તેવી પણ સંભાવના છે. જેમને Tweet કરીને મહાપ્રસાદ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મધ્યસ્થી કરવા રજૂઆત કરી હતી. એટલું જ નહીં, આ પ્રકરણ મુદ્દે હાઇકોર્ટમાં જવાની ય તૈયારી કરી છે. આ મામલે રોષ સતત વધી રહ્યો છે. તેઓ સ્પષ્ટ માને છે કે, અંબાજી મંદિરમાં પરંપરા બંધ કરવી અયોગ્ય છે. 

‘ચીક્કીનો પ્રસાદ જ ચાલશે’ કહેનાર ઋષિકેશે ફેરવી તોળ્યું
મોહનથાળનો પ્રસાદ બંધ કરાયા બાદ રાજકીય પક્ષો, સંસ્થાઓ, દાંતાના મહારાજા ઉપરાંત ભક્તો પણ રોષે ભરાયા છે અને મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ અગાઉ ચિક્કીના વખાણ કરનાર રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અંબાજી પ્રસાદને લઈ વધુ એક નિવેદન આપ્યું છે. અગાઉના નિવેદનમાં ચિક્કીના વખાણ કરનાર ઋષિકેશ પટેલે નવું નિવેદન કરતા કહ્યું કે, ‘ચિક્કીનો પ્રસાદ કરવાનો નિર્ણય મંદિર પ્રશાસનનો છે અને મંદિર જ એનો નિર્ણય લેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news