હવે અમદાવાદમાં વસ્તી નિયંત્રણ! AMC સંચાલિત હોસ્પિટલોમાં માત્ર બે પ્રસૂતિ ફ્રી, ત્રીજી ડિલિવરી માટે ચુકવવો પડશે ચાર્જ

આ ઠરાવ અત્યાર સુધી માત્ર વીએસ હોસ્પિટલ પૂરતો મર્યાદિત હતો. પરંતુ હવે તેને સમગ્ર શહેરમાં કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને પ્રસૃતિગૃહમાં લાગૂ કરવામાં આવશે. 
 

હવે અમદાવાદમાં વસ્તી નિયંત્રણ! AMC સંચાલિત હોસ્પિટલોમાં માત્ર બે પ્રસૂતિ ફ્રી, ત્રીજી ડિલિવરી માટે ચુકવવો પડશે ચાર્જ

અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વસ્તી નિયંત્રણની નીતિ જાહેર કર્યા બાદ હવે તેની અન્ય રાજ્યોમાં પણ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાએ વસ્તી નિયંત્રણોના ઠરાવોનો અમલ શરૂ કરાવવા માટે કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને પ્રસૂતિગૃહોમાં બે બાળકો સુધી હવે ફ્રી ડિલિવરી કરાવી આપવામાં આવશે. જો કોઈ મહિલાને ત્રીજું બાળખ થશે તો તેનો ચાર્જ લેવામાં આવશે. આ અંગે શાસક પક્ષના નેતાએ કહ્યુ કે, ભાજપ દ્વારા વસ્તી નિયંત્રણ મામલે વિચારણા શરૂ કરવામાં આવી છે. 

જૂના ઠરાવનો અમલ કરાવાશે
મહત્વનું છે કે અમદાવાદમાં કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલ માટે 1987માં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તે સમયે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો તે પ્રમાણે બે બાળક સુધી સરકાર ખર્ચ ભોગવશે અને બાદમાં નસબંધી કરાવે તો તેનો ખર્ચ પણ આપશે. આ ઠરાવને હવે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને પ્રસૂતિગૃહોમાં લાગુ કરવા માટે આગામી દિવસોમાં સ્ટેન્ડિંગ કમિટીમાં લાવવામાં આવશે અને તેને મંજૂરી આપી નિયમ લાગૂ કરવામાં આવશે. આ અંગે ZEE 24 Kalak સાથે વાત કરતા શાસક પક્ષ નેતા ભાસ્કર ભટ્ટે જણાવ્યુ કે, કોર્પોરેશન સંચાલિત અન્ય હોસ્પિટલમાં પણ આ નિર્ણય લાગુ કરવામાં આવશે. 

ત્રીજા બાળકનો જન્મ થશે તો ડિલિવરી ચાર્જ આપવો પડશે
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે શાસક પક્ષની નજર હવે વસ્તી નિયંત્રણ પર છે. ભાસ્કર ભટ્ટે કહ્યુ કે, શહેરમાં સતત વસ્તી વધી રહી છે. કોર્પોરેશનની સેવાઓ બધાને મળે તેવું આયોજન છે. આ સાથે તેમણે કહ્યું કે, હવે વસ્તી નિયંત્રણ કરવાનો સમય આવી ગયો છે. કોર્પોરેશનનો આ ઠરાવ પાસ થશે તો શહેરમાં આવેલી શારદાબેન, એલજી, વીએસ હોસ્પિટલ અને પ્રસૃતિગૃહમાં હવે બે બાળકોને મફત ડિલિવરી કરાવી આપવામાં આવશે. જો કોઈ ત્રીજી ડિલિવરી માટે અહીં જશે તો તેની પાસેથી ચાર્જ લેવામાં આવશે. 

કોર્પોરેશનની તમામ હોસ્પિટલો અને પ્રસૂતિગૃહોમાં લાગુ થશે ઠરાવ
આ ઠરાવ અત્યાર સુધી માત્ર વીએસ હોસ્પિટલ પૂરતો મર્યાદિત હતો. પરંતુ હવે તેને સમગ્ર શહેરમાં કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને પ્રસૃતિગૃહમાં લાગૂ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news