વિદેશ ભણવાના ખ્વાબ દેખાડતો મહાઠગ પકડાયો, વિદ્યાર્થીઓના લાખો રૂપિયા ચાઉ કરીને મુંબઈ ભાગી ગયો હતો
Trending Photos
- વલ્લભવિદ્યાનગરમાં સ્ટુડન્ટ વિઝા અપાવવાના બહાને અમિત પટેલે લાખોની ઠગાઈ કરી
- ચાર મહિનાથી ફરાર મહાઠગ અમિત પટેલ આખરે મુંબઈથી પકડાયો
બુરહાન પઠાણ/આણંદ :આણંદનાં વલ્લભવિદ્યાનગરમાં યોર ડ્રીમ્સ કન્સલટન્સીની ઓફિસ ખોલી વિદેશમાં અભ્યાસ કરવા માટે સ્ટુ઼ડન્ટ વિઝા (Visa) અને વિદેશની યુનિવર્સિટીમાં એડમિશન (admission) અપાવવાનાં બહાને છથી વધુ યુવાનો સાથે 34.22 લાખની છેતરપીંડી (fraud) કરાઈ હતી. જેના બાદ ઓફિસને તાળુ મારી ફરાર થઈ ગયેલા ઠગને વલ્લભવિદ્યાનગર પોલીસે મુંબઈથી ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.
યુવાધનમાં વિદેશ જવાની ઘેલછા ખૂબજ વધતી જાય છે. ત્યારે પેટલાદ તાલુકાનાં ઈસરામાં ગામનાં અમિત જશભાઈ પટેલે વલ્લભવિદ્યા નગરમાં ભાઈકાકા સ્ટેચ્યુ પાસે આવેલી વી સ્કવેર કોમ્પલેક્ષમાં ત્રીજા માળે યોર ડ્રીમ્સ કંન્સલટન્સીનાં નામે ઓફિસ ખોલી હતી અને સ્ટુડન્ટ વિઝા અપાવવાની જાહેરાતો કરી હતી. સુરતની મહિલાએ પોતાનાં પુત્રને લંડનમાં અભ્યાસ કરવા માટે સ્ટુડન્ટ વિઝા મેળવવા અમિત પટેલનો સંપર્ક સાધ્યો હતો. જેથી અમિત પટેલે મહિલા પાસેથી 9.96 લાખની રકમ લીધા હતી. તેના બાદ યુકેની યુનિવર્સિટીમાં પ્રવેશ માટેનાં બોગસ એડમિશન પત્રો, યુનિવર્સીટીમાં ભરેલી ફીની બોગસ પાવતીઓ આપી હતી. પરંતુ ત્યારબાદ મહિલાનાં પુત્રને સ્ટુડન્ટ વિઝા નહી અપાવતા મહિલાએ અમિત પટેલ પાસે રૂપિયા પરત આપવાની માંગ કરી હતી. જેના બાદ અમિત પટેલ પોતાની ઓફિસને તાળુ મારી પલાયન થઈ ગયો હતો. જેથી મહિલાએ વલ્લભવિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તપાસ કરતા અમિત પટેલે માત્ર સુરતની મહિલા સાથે જ નહિ, પરંતું અન્ય પાંચ વિદ્યાર્થીઓને પણ વિદેશમાં અભ્યાસ કરવા માટે સ્ટુડન્ટ વિઝા અપાવવાની લાલચ આપી ચુનો ચોપડયો હોવાનું ખૂલતા પોલીસ ચોંકી ઉઠી હતી. અમિત પટેલે મહિલા સહિત કુલ છ વ્યકિતઓ પાસેથી સ્ટુડન્ટ વિઝાનાં બહાને કુલ 34,22,565 રૂપિયાની ઠગાઈ કરી હોવાનું ખુલતા પોલીસે અમિત પટેલને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પરંતુ છેલ્લા ચાર માસથી અમિત પટેલ નાસતો ફરતો હતો. આ દરમિયાન પોલીસને અમિત પટેલ મુંબઈમાં સંતાયો હોવાનું લોકેશન મળ્યું હતું. જેથી પીઆઈ એલ.બી. ડાભીનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પીબી જાદવ પોલીસ સ્ટાફ સાથે મુંબઈ દોડી ગયા હતા અને આરોપી અમિત પટેલને ઝડપી પાડ્યો હતો.
પકડાયેલા મહા ઠગ અમિત પટેલે હજુ વધુ યુવાનો સાથે વિદેશ મોકલવાનાં બહાને છેતરપીંડી કરી હોવાનું પોલીસનુ અનુમાન છે. જેથી જે લોકો આ મહાઠગની છેતરપીંડીનો ભોગ બન્યા હોય તેઓએ વલ્લભવિદ્યાનગર પોલીસનો સંપર્ક સાધવા પોલીસે જણાવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે