માથુ ચકરાઇ જાય તેવી સુંદર અંજલીથી રહેજો સાવધાન! નહી તો ખાવાનાં પણ ફાંફા પડી જશે
Trending Photos
* આંબલીયા ગામના યુવાન સાથે અમદાવાદની યુવતીએ લગ્ન કરી છેતરપીંડી કરી
* લગ્ન કરીને યુવતી સાત દિવસમાં પલાયન થઈ ગઈ હતી
* લગ્નનું નાટક કરી યુવાન પાસેથી સાડા ત્રણ લાખ પડાવ્યા
* તાલુકા પોલીસે યુવતી સહીત પાંચ લોકોની ધરપકડ કરી
જૂનાગઢ : લગ્ન ઈચ્છુક યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો બહાર આવ્યો છે, જૂનાગઢ પોલીસે એક લુંટેરી દુલ્હનને ઝડપી લીધી છે. જૂનાગઢના યુવક સાથે લગ્ન કરી અમદાવાદની યુવતી રૂપીયા લઈ નાસી છુટી હતી, જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામના યુવાન સાથે અમદાવાદની યુવતીએ લગ્નનું નાટક કરી યુવાન પાસેથી સાડા ત્રણ લાખ પડાવ્યા હતા. સાત દિવસમાં યુવતી પલાયન થઈ ગઈ હતી, પોતાની સાથે છેતરપીંડી થયાનું માલુમ પડતાં યુવાને પોલીસ ફરીયાદ કરી હતી. જૂનાગઢ તાલુકા પોલીસે યુવતી સહીત પાંચ લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ તાલુકાના આંબલિયા ગામે ખેતીકામ કરતા લગ્ન ઈચ્છુક યુવાન સતિષભાઈ પટોળીયાને આરોપી ભરત રાજગોર, મુન્નાભાઈ ઉર્ફે અનિરૂધ્ધ ગોહિલ અને તેના પત્ની દ્વારા લગ્ન કરવા હોય તો એક કન્યા અમારા ધ્યાનમાં છે અને લગ્ન માટે ત્રણ લાખનો ખર્ચ થશે તેમ કહીને ભગવતી નામની યુવતી સાથે આર્યસમાજમાં લગ્ન કરાવી યુવતીની માતા ધનુબેન અને સાળા શ્યામ માધવલાલ તિવારીએ રૂપીયા લઈ, યુવતીને સોનાના દાગીના અપાવી દીધા હતા. લગ્નના એક અઠવાડીયા બાદ થોડા દિવસ પિયર જવાનું બહાનું કરીને આરોપીઓ યુવતીને લઈને પલાયન થઈ ગયા હતા.થોડા દિવસો વિતી ગયા બાદ ભોગ બનનાર યુવાને ફોન કરતાં આરોપીઓએ એવો જવાબ આપ્યો કે હવે યુવતી તમારે ત્યાં નહીં આવે અને ધમકી આપી ફોન બંધ કરી દીધો હતો. આમ યુવાનને પોતાની સાથે લગ્નના બહાને અંદાજે સાડા ત્રણ લાખ રૂપીયાની છેતરપીંડી થઈ હોવાનું માલુમ પડતાં તેણે જૂનાગઢના તાલુકા પોલીસ સ્ટેશનમાં યુવતી ભગવતી સહીત પાંચ લોકો સામે ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદને લઈને તાલુકા પોલીસ સ્ટેશનના પી. એસ.આઈ. એસ.એન. સગારકા સહીતના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોકેટ કોપ એપ્લીકેશનમાં આરોપીની વિગત સર્ચ કરતાં માલુમ પડ્યું કે ભરત રાજગોર અને તેની પત્ની તથા અનિરૂધ્ધ ગોહિલ આ પ્રકારના લગ્ન કરાવી આપવાના એજન્ટ તરીકે કામ કરે છે. આ વિગતને આધારે પોલીસે ભરત અને તેની પત્ની અરૂણાબેનને રાજકોટ થી ઝડપી લીધા હતા. ઝડપાયેલા એજન્ટ દંપત્તિની પૂછપરછમાં ગુન્હાની કબુલાત કરવામાં આવી પરંતુ હજુ મુખ્ય આરોપી પહોંચની બહાર હતા. પોલીસે યુવતી સહીતના મુખ્ય આરોપીઓને ઝડપી લેવા ટ્રેપ ગોઠવી અને યુવતી ભગવતી કે જેનું સાચું નામ અંજલી હતું, તેની માતા હંસાબેન ઉર્ફે ધનુબેન વાઘેલા અને મુન્નાભાઈ ઉર્ફે અનિરૂધ્ધ ગોહિલને પણ રાજકોટ બોલાવીને તેની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી ભરત અને તેની પત્ની અરૂણાબેન તથા અનિરૂધ્ધસિંહ ગોહિલ એજન્ટ તરીકે કામ કરતાં, આરોપી હંસાબેન મુખ્ય સુત્રધાર છે અને પોતાની દિકરીના લગ્ન કરાવીને પિયરમાં જવાને બહાને રૂપીયા લઈ ઘરે આવી જવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. આરોપીઓએ આ અગાઉ પણ આજ રીતે છેતરપીંડીના ચાર ગુન્હા આચર્યાની કબુલાત આપી હતી. ઝડપાયેલા આરોપી પૈકી ભરત અગાઉ પણ આવા જ એક ગુન્હામાં ઝડપાય ચુક્યો હતો. જ્યારે અનિરૂધ્ધ ગોહિલ આજ પ્રકારના એક ગુન્હામાં અને મારામારી સહીતના કુલ પાંચ ગુન્હામાં ભૂતકાળમાં ઝડપાઈ ચુક્યો હતો. તમામ ઝડપાયેલા આરોપીઓ આંતર જીલ્લા આરોપી હોય અને આ પ્રકારના છેતરપીંડીંના અગાઉ કેટલાં ગુન્હા કર્યા છે કે કેમ, આ પ્રકારના ગુન્હામાં આ ટોળકી સિવાય કોઈ ગેંગ કામ કરે છે કે કેમ અને આરોપીઓ નામ બદલાવીને ગુન્હો આચરતાં હોય અન્ય કોઈ ટોળકી પણ સક્રીય છે કે કેમ તે સમગ્ર બાબતોને લઈને પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે.
ઝડપાયેલા આરોપીઓ...
* ભરત મહેતા - ઉ.વ. 52 રહે. મુળ મોણવેલ, તા. ધારી. જી. અમરેલી હાલ પોપટપરા, રાજકોટ
* અરૂણાબેન મહેતા - ઉ.વ. 52 મુળ મોણવેલ, તા. ધારી. જી. અમરેલી હાલ પોપટપરા, રાજકોટ
* અંજલી ઉર્ફે ભગવતી ઉર્ફે ભાગ્યવતી ઉર્ફે ચકો પ્રકાશસિંહ વાઘેલા ઉ.વ. 21 રહે. છારાનગર અમદાવાદ
* હંસાબેન ઉર્ફે ધનુબેન ઉર્ફે નેહાબેન પ્રકાશસિંહ વાઘેલા ઉ.વ. 50 રહે. છારાનગર, અમદાવાદ
* અનિરૂધ્ધસિંહ ઉર્ફે મુન્નો ખુમાનસિંહ ગોહિલ ઉ.વ. 40 રહે. ઉખારલા તા. ઘોઘા, જી. ભાવનગર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે