એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં દર્દી સાથે ભેદભાવ, ગરીબોને નથી મળી રહી શબવાહિનીની સુવિધા
Ahmedabad Civil Hospital : એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં ચાલી રહ્યું છે ખાનગીરાજ... સિવિલ હોસ્પિટલ મોતનો મલાજો જાળવવામાં નિષ્ફળ... કોના પાપે રાજ્યની સામાન્ય જનતાને સ્વજનની ડેડબોડી લઈ જવા શબવાહિની નથી મળતી? શબવાહિની VIP સેવામાં વ્યસ્ત હોવાને લઇ સ્વજનોને મળે છે જવાબ
Trending Photos
Ahmedabad News સપના શર્મા/અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલ કે જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં આવે છે. અહીં માત્ર રાજ્યના જ નાગરિકો નહીં પરંતુ અન્ય રાજ્યના દર્દીઓ પણ સારવાર લેવા આવે છે. ગુજરાત સરકાર દ્વારા સૌથી મોટી હોસ્પિટલ અને આધુનિક સેવાના દાવા અહીં કરવામાં આવે છે. પરંતુ આ દવાઓ પોકળ સાબિત થાય છે જ્યારે પોસ્ટમોર્ટમ રૂમ બહારના દ્રશ્યો સામે આવે છે.
પોસ્ટ મોર્ટમ રૂમ બહાર કાયમ ખાનગી એમ્બ્યુલન્સનો ખડકલો જોવા મળે છે. સામાન્ય રીતે દર્દીના મૃત્યુ બાદ સ્વજનોએ ડેડબોડી લઈ જવી હોય તો સિવિલ હોસ્પિટલ એ શબવાહિનીની સુવિધા કરી આપવી જોઈએ. પરંતુ સિવિલ હોસ્પિટલમાં આ માટે ખાનગી રાજ ચાલી રહ્યું છે. અહીં સ્વજનોને શબવાહિની નથી મળતી. એક તરફ પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યાનું દુઃખ, બીજી તરફ આવી દુઃખદ પરિસ્થિતિમાં પણ ડેડબોડી ઘરે પરત લઈ જવા માટે સાતથી આઠ હજાર રૂપિયા ચૂકવવા પડે છે.
સિવિલ હોસ્પિટલની મોટી બેદરકારીનો અનુભવ લીંબડીના એક પરિવારને થયો છે. મકવાણા પરિવારના સ્વજનનું મોત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું. જ્યારે ડેડબોડી લઈ જવાની વાત આવે ત્યારે પોસ્ટમોર્ટમ રૂમથી તેમને પાવતી પણ આપવામાં આવી. પોસ્ટમોર્ટમ રૂમમાંથી જવાબ આપવામાં આવ્યો કે આ પાવતી દેખાડતા સિવિલ હોસ્પિટલમાંથી શબવાહિની તેમને મળી જશે. જ્યારે સ્વજનો શબવાહિની માટે સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરે છે ત્યારે તેમને જવાબ આપવામાં આવે છે કે શબવાહિની vip સેવામાં વ્યસ્ત છે.
zee 24 કલાક સાથે મૃતકના સંબંધીએ વાતચીત કરતા જણાવ્યું કે તેમની આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે તેઓ ખાનગી વાહન કરી ડેડબોડી ઘરે લઈ જઈ શકે. તેમણે શબવાહિની માટે સિવિલ હોસ્પિટલનો સંપર્ક કર્યો પણ તેમને શબવાહિની ના મળી.
શબવાહિની માટે વારંવાર સિવિલ હોસ્પિટલમાં રજૂઆત કરવા છતાં તેમને શબવાહિની ન મળતા અંતે તેમણે ખાનગી એમ્બ્યુલન્સની મદદ લેવી પડી. આર્થિક સ્થિતિ ન હોવા છતાં તેમણે સાડા ચાર હજાર રૂપિયા ચૂકવવા પડ્યા.
આમ, સિવિલ હોસ્પિટલમાં શબવાહિની અને એમ્બ્યુલન્સ તમામની સુવિધાઓ ઉપલબ્ધ છે. પરંતુ કોની દેખરેખ હેઠળ સામાન્ય જનતા ને નથી મળી રહી તે સૌથી મોટો સવાલ છે? ઘટનાની વાસ્તવિકતા જાણવા માટે અમે દર્દી બનીને પણ સિવિલના સંબંધિત વ્યક્તિનો ટેલીફોનિક નંબર ઉપર સંપર્ક કર્યો. ડેડબોડી જામનગર લઈ જવી છે અને શબવાહિની જોઈએ છે તેવી રજૂઆત કરી જોકે જવાબમાં શબવાહિની સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી તેવો જવાબ મળ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે