જસદણ પેટાચૂંટણીનો ચકરાવો: અવસર નાકીયાએ જાહેર કરી સંપત્તિની વિગતો

જસદણ બેઠક પરની પેટા ચૂંટણીમાં કોળી નેતાનો ગુરૂ ચેલાનો જંગ ફાઇનલ થઇ ગયો છે. આ સાથે ઢોલ નગારા અને 1 કિમી લાંબી જનમેદની સાથે અવસર નાકીયાએ આજે ઉમેદવારી પત્ર ભર્યું છે.

જસદણ પેટાચૂંટણીનો ચકરાવો: અવસર નાકીયાએ જાહેર કરી સંપત્તિની વિગતો

અમદાવાદ: જસદણ વિધાનસભા પેટા ચૂંટણીનું ઉમેદવારી પત્ર ભરવાની આજે છેલ્લી તારીખ હતી. ત્યારે રવિવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અવસર નાકિયાનું નામ જાહેર કહ્યું હતું. આ સાથે જ જસદણ બેઠક પરની પેટા ચૂંટણીમાં કોળી નેતાનો ગુરૂ ચેલાનો જંગ ફાઇનલ થઇ ગયો છે. આ સાથે ઢોલ નગારા અને 1 કિમી લાંબી જનમેદની સાથે અવસર નાકીયાએ આજે ઉમેદવારી પત્ર ભર્યું છે. ત્યારે જસદણ પેટા ચૂંટણી મામલે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ જે સોંગધનામામાં વિગતો જણાવી હતી તે સામે આવી છે.

જસદણ પેટા ચૂંટણી મામલે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ જે સોંગધનામામાં વિગતો જણાવી તે સામે આવી છે. જેમાં અવસર નાકીયાએ 40.67 લાખ અને તેના પત્નીના નામે 6.76 લાખની સંપતી દર્શાવી છે. જસદણ બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર અવસર કાનજીભાઈ નાકીયાએ પોતાની જંગમ મિલકત રૂ.5,67,278 દર્શાવી છે. સ્થાવર મિલકત રૂ.33 લાખ જણાવી છે. જ્યારે રોકડ રૂ. 2 લાખ મળી કુલ રૂ. 40 લાખ 67 હજાર 278ની સંપત્તિ પોતાના સોગંદનામાં દર્શાવી છે.

જ્યારે તેમનાં પત્ની ગીતાબેન અવસરભાઈ નાકીયાના નામે જંગમ મિલકત રૂ.3,51,674 દર્શાવાઇ છે. જેમાં દાગીનામાં 100 ગ્રામ સોનાનાં દાગીના રૂ. ૩ લાખ, રોકડ રૂ. 25 હજાર મળી કુલ રૂ. 6,74,674ની મિલકત દર્શાવી છે. તો બીજી બાજુ જસદણ બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર અવસર નાકીયા વિરુદ્ધ જસદણ મામલતદાર કચેરીમાં તોડફોડ કરવાનાં ગુનામાં આઈપીસી કલમ 143 તથા પ્રીવેન્સેન ઓફ પબ્લિક પ્રોપર્ટી એક્ટ કલમ ૩ મુજબનો ગુનો નોંધાયેલ છે.

સાથીઓ આવ્યા આમને-સામને
અવસર નાકિયા કંવરજી બાવળિયાના એક સમયના સાથી હતા. તેમને રાજકારણમાં કુંવરજી બાવળિયા લાવ્યા હતા. તેમની વિંછીયા અને જસદણ પંથકમાં સારી પકડ છે. અવસર નાકિયાની કોળી સમાજ અને અન્ય સમાજ પર સારી પકડ જોતા કોંગ્રેસ ઉમેદવારના તરીકે તેમને મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકારણમાં આવ્યા પહેલા અવસર નાકિયા રીક્ષા ચલાવતા હતા. તેમનો જન્મ 4 જુલાઇ 1972ના રોજ આસલપુર ગામમાં થયો હતો. તેમને સંતાનમાં 1 છોકરો અને 5 છોકરીઓ છે.

ભાજપ કોંગ્રેસ વચ્ચે થશે નાકની લડાઇ
ઉલ્લેખનિય છે કે, જસદણ પેટા ચૂંટણી ભાજપ કોંગ્રેસ માટે નાકની લડાઇ બની છે. ભાજપ અહીં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા ઇચ્છે છે તો કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવાની ફિરાકમાં છે. ભાજપ કોંગ્રેસ બંનેએ જીત માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. જેમાં કોંગ્રેસે આ વખતે મોટો નિર્ણય લીધો છે અને માઇક્રો પ્લાનિંગ કર્યું છે. કોંગ્રેસ દ્વારા ધારાસભ્યો સહિત મોટા નેતાઓને જિલ્લા પંચાયત બેઠક અને ગામડાઓની જવાબદારી સોંપવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news