'મહાદેવથી મોટું કોઇ ન હોય...' સ્વામી. સંતે કરેલી ટિપ્પણી પર કથાકાર ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ આપી આકરી પ્રતિક્રિયા
મોરબીમાં કોરોનાના દિવંગતત્વોના મોક્ષાર્થે યોજાયેલ કથામાં ભાઈશ્રીએ સ્વામિનારાયણ સંતોને આડેહાથે લીધા હતા. તેમણે ભગવાન શંકર વિશે ટીપ્પણી કરનારા સંતોને સુધરી જવા માટે ચેતવણી આપી છે.
Trending Photos
રાજકોટ: રાજ્યમાં હમણાંથી અનેક સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને મહાદેવ વિશે નિવેદનો આપવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, હિન્દુ દેવી-દેવતાઓ અંગે ટિપ્પણી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે સનાતન ધર્મના લોકો, સંતો અને કથાકાર દ્વારા નિવેદનની ટીકા કરવામાં આવી રહી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ આપેલા નિવેદનને લઇને કથાકાર ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ માર્મિક ટકોર કરી છે.
મોરબીમાં કોરોનાના દિવંગતત્વોના મોક્ષાર્થે યોજાયેલ કથામાં ભાઈશ્રીએ સ્વામિનારાયણ સંતોને આડેહાથે લીધા હતા. તેમણે ભગવાન શંકર વિશે ટીપ્પણી કરનારા સંતોને સુધરી જવા માટે ચેતવણી આપી છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની હાજરીમાં ભાઈશ્રીએ ભોળાનાથ વિશે બોલનારા સંતોને ચેતવણી આપી હતી અને સાધુ સમાજને ટાંકીને કહ્યુ હતુ કે, જો સાધુઓ વિફર્યા... કહીને આવી ટીપ્પણીઓ રોકવા જણાવ્યુ હતું.
કથાકાર રમેશ ઓઝાએ વ્યાસપીઠ પરથી આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, મહાદેવથી મોટું કોઇ ન હોય. સનાતન ધર્મનું વાતાવરણ ન બગાડવું જોઇએ. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ આવા નિવેદનોનો વિરોધ કરવો જોઇએ. સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો જ એક ભાગ છે, પણ જે ખોટું ચિતરાયું છે, લખાયું છે તેને દુર કરવું જોઇએ. તમારા ધર્મમાં શ્રદ્ધા રાખો પરંતુ બીજાને નીચા દેખાડીને નહિ.
કથાકાર ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ વધુમાં જણાવ્યું હતું કે, મહાદેવની ટિપ્પણીથી ખૂબ જ વ્યથિત થયો છું. આનંદ સાગર સ્વામીની ટિપ્પણી અંગે વિરોધ કરો. હું પ્રાર્થના કરું છું, પ્રણામ કરું છું, અનુરોધ કરું છું. તમે સૌ સંપ્રદાયના સંતો તેમનો વિરોધ કરો. કેટલાકે વિરોધ કર્યો તેને હું વંદન કરું છું. આવું બોલાઇ રહ્યું છે તેનું કારણ છે કે, કેટલાક ચોપડા ચીતરાયા છે આવા, કૃપા કરીને આવા ચોપડાને કાઢો, તે ખોટા ચીતરાઇ ગયા છે.
રમેશભાઈ ઓઝાએ કહ્યું હતું કે, કોઈનું દિલ દુભાઈ તેવું ન કરીએ અને દરેક સંતો સનાતન ધર્મના અંગો છે અને સંપ્રદાયો સનાતન ધર્મની સમૃદ્ધિ છે પરંતુ સાંપ્રદાયિક સ્ંકિર્ણતા સનાતન ધર્મ માટે નુકશાનકારક સાબિત થશે તેવી સદભાવના પૂર્વક મે અપીલ કરલે છે. આજે ભાઇશ્રી દ્વારા સનાતન ધર્મને નુકશાન કરવા માટે જે રીતે તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે તેને ધ્યાનમાં રાખીને આકરી ટીકા કરી હતી અને તેઓએ કહ્યું હતું કે, બધા જ સાધુ પુરુષો સારું જ કામ કરે છે ત્યારે કોઈને ઉતારી પાડવાની પ્રવૃતિ કોઈએ ન કરવી જોઈએ અને પરસપર સહયોગ તથા સંગઠનથી કામ કરવામાં આવશે તો સનાતન ધર્મ વધુ મજબૂત બનશે. આજે હું જેમ દૂભયો છું. તેમ હજારો અને લાખો દુભાયા છે. તેવા સમયે વાતાવરણ ન બગડે તે માટે મેં વ્યાસપીઠેથી સદભાવના પૂર્વક મેં અપીલ કરેલ છે.
ઉલ્લેખનીય છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોના સનાતન દેવી દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરતા અન્ય કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થપેલા વીડિયોને લઈને કેટલાક દિવસથી લોકો ગુસ્સે ભરાયા છે. આનંદ સાગર સ્વામીનો વિરોધ હજુ પણ ચાલી રહ્યો છે.સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વાયરલ થયેલા અપમાનજક વીડિયોને લઇ આજે ગઢડામાં ફરિયાદ નોંધવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે