Bharuch: હત્યા કર્યા બાદ લાશના ટુકડા લઇને ફરતા રહ્યા 3 બાંગ્લાદેશી હત્યારા, ભારતીય હોવાનાં ડુપ્લીકેટ પુરાવા મળ્યાં
Trending Photos
ભરૂચ : અંકલેશ્વરમાં છેલ્લા ત્રણ દિવસથી સૂટકેસમાંથી માનવ અંગોના ટુકડા મળવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ હત્યાનું કારણ પણ ચોંકાવનારુ સામે આવ્યુ છે, અને આરોપીઓને મોકલાયા છે બાંગ્લાદેશ. ભરૂચના અંકલેશ્વરના અમરતપુરા અને સારંગપુર રેલવે ટ્રેક પાસેથી 3 દિવસમાં 3 ટ્રાવેલ બેગમાંથી હત્યા કરી કાપી દેવાયેલી હાલતમાં માનવ અંગો મળ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ માનવઅંગો પુરુષના હોવાની જાણ થઈ અને બસ શહેરમાં ચર્ચા જગાવનારા અને પોલીસ માટે કોયડા સમાન મર્ડર મિસ્ટ્રીને ઉકેલવા પોલીસે તપાસ હાથ ધરી. અંતે માત્ર 2 દિવસમાં જ આ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાઈ ગયો છે. સાથે જ ગેરકાયદે ઘૂસણખોરી પરથી પણ પડદો હટી ગયો છે.
પોલીસે આ હત્યાને અંજામ આપનારી બાંગ્લાદેશી મહિલા સહિત 3 બાંગ્લાદેશી અને રિક્ષાચાલકની ધરપકડ કરી છે. આ કેસમાં બાંગ્લાદેશી આરોપીઓએ ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી હતી અને તેમની આ ઘૂસણખોરીનો રાઝ મૃતક જાણતો હોવાથી વારંવાર બ્લેકમેલ કરતો અને તેથી જ આ ફિલ્મી સ્ટોરી જેમ હત્યાને અંજામ આપ્યો હતો.
બાંગ્લાદેશીઓ અમદાવાદ, ભરૂચ, સુરત, અંકલેશ્વર જેવા શહેરોમાં ગેરકાયેદે વસવાટ કરતા હતાં. અને તેમને અકબર નામનો વ્યક્તિ જે મૂળ બાંગ્લાદેશી હતો અને અમદાવાદના ચંડોળા તળાવ ઈસનપુરમાં રહેતો હતો. અકબર ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને જઈને પોલીસથી પકડાવી ડિપોર્ટ કરાવી દેવાની ધમકી આપતો હતો. અને બાદમાં બ્લેકમેલ કરી રૂપિયા પડાવતો હતો. એક વ્યક્તિને તો અમદાવાદના હવેલી પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનામાં પકડાવી પણ દીધો હતો.
અકબરની આ પ્રવૃત્તિથી કંટાળેલા ત્રણેય બાંગ્લાદેશીઓએ અંતે તેને રસ્તા પરથી હટાવી દેવા માટે કાવતરુ ઘડ્યું. જેમાં રિક્ષા ડ્રાઈવર નૌશાદને પણ સામેલ કર્યો હતો. આરોપીઓએ અકબરને અંકલેશ્વર બોલાવી ઉંઘની ગોળીઓ પીવડાવી બેભાન કરી દીધો. અને ઓશિકાથી મોઢુ દબાવી હત્યા કરી બાદમાં તીક્ષ્ણ હથિયાર વડે મૃતદેહના ટુકડા કરી પોલિથિનમાં ભરી અંકલેશ્વરની અવાવરુ જગ્યાએ ફેંકી નાસી ગયા હતાં.
પોલીસે અમરતપુરા અને સારંગપુર રેલવે ટ્રેક પાસેથી મેળવી 3 ટ્રાવેલ બેગ અને બેગમાં ભરેલા માનવ અંગોને એક પછી એક એમ 2 દિવસમાં કબજે કરી તપાસ બાદ આ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. સાથે જ આરોપીઓની પૂછપરછમાં અન્ય ત્રણ બાંગ્લાદેશી જે ગેરકાયદે રહેતા હતાં તેનું પણ નામ સામે આવતાં તે લોકોને પણ દબોચી લીધા છે. ચોંકાવનારી વાત તો એ છે કે આરોપીઓ પાસેથી ભારતીય નાગરિકતાના આધારા-પુરાવા પણ મળતા પોલીસ ચોંકી ઉઠી છે. પોલીસ અકબરનું કપાયેલુ માથુ ક્યા છે તેને શોધવાની દિશામાં પણ તપાસ કરી રહી છે. આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલો સામાન અને ગુનામાં વપરાયેલી રિક્ષા કબજે કરી છે, સાથે જ આરોપીઓને ગેરકાયદે ઘૂસણખોરી કરવા બદલ ફરી બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની તૈયારી પણ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે