અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષાની મોટી ચૂક, કર્મચારીએ રન-વે પર મોબાઈલમાં શૂટિંગ ઉતાર્યું

અદાવાદ એરપોર્ટનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એરપોર્ટનો એક કર્મચારી રન-વે પર ઊભેલા વિમાનોની આગળ ચાલતો-ચાલતો શટલિયા રિક્ષાચાલકોની જેમ બૂમો પાડીને મુસાફરોને બોલાવી રહ્યો છે

અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષાની મોટી ચૂક, કર્મચારીએ રન-વે પર મોબાઈલમાં શૂટિંગ ઉતાર્યું

અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાની મોટી ચૂક સામે આવી છે. એરપોર્ટના જ એક કર્મચારીએ રન-વે પર ઊભેલા વિમાનોની આગળ ચાલતા-ચાલતા શૂટિંગ કર્યું છે. જેમાં તેનો અન્ય સાથી કર્મચારી પણ ભાગ લઈ રહ્યો છે. 

અમદાવાદ એરપોર્ટના વાયરલ થયેલા આ વીડિયોમાં એરપોર્ટનો કર્મચારી રન-વે પર ઊભેલા વિમાનો તરફ ઈશારા કરીને શટલિયા રીક્ષાચાલકની જેમ મુસાફરોને બોલાવી રહ્યો છે. કર્મચારીઓને એરપોર્ટ ટર્મિનલ પર મોબાઈલ લઈ જવાની મંજુરી નથી તેમ છતાં આ કર્મચારી મોબાઈલ લઈને છેક રન-વે સુધી કેવી રીતે પહોંચી ગયો તે ચિંતાજનક બાબત બને છે. 

આટલું જ નહીં તેણે રન-વે પર પોતાના સાથી કર્મચારીની મદદથી એક વીડિયો પણ ઉતાર્યો છે અને તેને વાયરલ કર્યો છે. વીડિયોમાં જે બે કર્મચારી જોવા મળી રહ્યા છે તેમાં બોલી રહેલા કર્મચારીની પાછળ એક ઈન્ડિયાનું વિમાન ઊભેલું દેખાય છે તો તેની સાથે વાત કરવા આવી રહેલા કર્મચારીને પાછળ એમિરાટ્સનું વિમાન ઊભેલું દેખાઈ રહ્યું છે. 

આ વીડિયોમાં કર્મચારી વિમાન તરફ ઈશારો કરીને શટલિયા રીક્ષાચાલકની જેમ મુસાફરોને બોલાવતાં બૂમો પાડી રહ્યો છે કે, 
"ચલો ભાઈ... ચલો... નારોલ.. જુહાપુરા.. સાણંદ.. સાણંદ.. વટવા...
ચલો દાણીલીમડા.. દાણીલીમડા....".

કર્મચારી આવી બુમો પાડતો હોય છે ત્યાં તેનો સાથી કર્મચારી તેની પાસે આવે છે અને પુછે છે કે, " અરે ભાઈ, શાહીબાગ જાના હૈ". જેના જવાબમાં પેલો કર્મચારી બીજા વિમાન તરફ ઈશારો કરીને જણાવે છે કે, "ભાઈ, યહાં નહીં, વો શટલ તો વહાં ભરા રહી હૈ... વહાં જાઓ..". પેલો કર્મચારી આગળ જઈને ફરી પુછે છે કે, "ભાઈ, સ્પેશિયલ મેં નહીં ચલોગે."

કર્મચારી તેના તરફ ના પાડવાનો ઈશારો કરીને ફરીથી બૂમો પાડે છે, "ચલો ભાઈ વટવા.. વટવા.. ચલો 10-10 રૂપયે, ચલો 10-10 રૂપયે..."

10 રૂપિયામાં વિમાનની મુસાફરી કરાવી રહેલા આ કર્મચારી અંગે જ્યારે એરપોર્ટની સુરક્ષા એજન્સીને પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, તેમના જાણમાં આવી કોઈ ઘટના આવી નથી. તેઓ વાયરલ થયેલા આ વીડિયોની ચકાસણી કરશે અને કર્મચારીને શોધીને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news