વિદેશ જવા માટે GREની પરીક્ષામાં સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ, 500 લોકો ગેરકાયદેસર પહોંચી ગયા વિદેશ!

વિદેશ જવાની ઘેલછામાં લોકો ગેરકાયદેસર રસ્તા પણ ખુબ અપનાવી રહ્યાં છે. કેટલાક લોકો એજન્ટ દ્વારા જુદા-જુદા દેશોમાં પહોંચીને અમેરિકા જેવા દેશમાં ગેરકાયદેસર રીતે ઘૂષણખોરી કરતા હોય છે, તો કેટલાક લોકો વિદેશ જવા માટે લેવામાં આવતી પરીક્ષા ખોટી રીતે પાસ કરતા હોય છે. આવા એક મોટા કૌભાંડનો ખુલાસો થયો છે. 
 

વિદેશ જવા માટે GREની પરીક્ષામાં સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ, 500 લોકો ગેરકાયદેસર પહોંચી ગયા વિદેશ!

ઉદય રંજન, અમદાવાદ:  ગુજરાતમાંથી વિદેશ જવાનો એક અલગ જ ક્રેઝ અત્યારે ચાલી રહ્યો છે. અમુક લોકો ગેરકયદેસર બોર્ડર પ્રવેશીને જઈ રહ્યાં છે. તો અમુક લોકો ગેરકાયદેસર પરીક્ષાઓ પાસ કરીને જાય છે. ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં વિદેશ અભ્યાસ કરવા જવા માટે આપવામાં આવતી જીઆરઈની પરીક્ષા પાસ કરવી ખુબ જ મહત્વની હોય છે, અને આ જ GRE પરીક્ષા પાસ કરાવવાનું એક મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે.  તેનો ખુલાસો અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચની તપાસમાં થયો છે. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી વિદેશ અભ્યાસ કરવા જવા માટે આપવામાં આવતી જીઆરઈની પરીક્ષામાં મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેનો ખુલાસો થયો છે. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમાં મહેશ્વરા બાલાનાગેન્દ્ર ચેરલા રેડ્ડી, ચંદ્રશેખર કરલપુડી સાગર હિરાણીનો સમાવેશ થાય છે. 

આ રીતે પાસ કરાવી આપતા પરીક્ષા
પોલીસના જણાવ્યા અનુસાર બાપુનગરના મૌલિક મકવાણા નામના યુવકને અભ્યાસ માટે અમેરિકા જવું હોવાથી તેને ગ્રેજ્યુએટ રેકોર્ડ એક્ઝામિનેશનની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. જેથી તેણે ગૂગલ પર સર્ચ કરતા વોઇસ ઇમિગ્રેશન ઇન્ડિયા નામની વેબસાઇટ મળી આવી હતી. ત્યારે આરોપીઓએ યુવકને જીઆરઇની પરીક્ષા પાસ કરવાનું કહીને સુરતની હોટલમાં બોલાવ્યો હતો. આ કૌભાંડને લઈને સાયબર ક્રાઇમને માહિતી મળતા સુરત રેડ કરીને આ ટોળકીના 3 સભ્યોને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીમાં ચંદ્રશેખર ઉર્ફે રાહુલ મુખ્ય સૂત્રધાર છે. બી.ટેક નો અભ્યાસ કરનારો આરોપી છેલ્લા 20 વર્ષથી વડોદરામાં રહે છે અને છેલ્લા એક વર્ષથી વિદેશમાં અભ્યાસ અર્થે જતા પહેલા પાસ કરવાની TOEFL તથા GREની પરીક્ષા પાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને હોટલમાં એક્ઝામ માટેનું સેટઅપ પૂરું પાડી ડમી માણસો રાખી પરીક્ષા પાસ કરાવતા હતા. ત્યારે એક એક વિદ્યાર્થી પાસેથી 70 હાજરથી લઇને 1 લાખ સુધીની રકમ મેળવતા હતા અને પરીક્ષા પાસ કરાવી આપતા હતા. 

કમિશનથી કરતા હતા ગોરખધંધા
અત્યાર સુધીમાં આરોપીઓએ અલગ અલગ એજન્ટો મારફતે 500થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા અપાવી છે. જેમાંથી આરોપી ચંદ્રશેખર એક વિદ્યાર્થી પાસેથી 35 હજાર કમિશન મેળવતા હતો. જ્યારે મહેશ્વરા રેડી નામનો આરોપી મૂળ આંધ્રપ્રદેશનો રહેવાસી છે અને બીએસસીનો અભ્યાસ કર્યો છે. બે મહિના પહેલાં જ આંધ્રપ્રદેશથી વડોદરા આવ્યો હતો. આ આરોપી વિદ્યાર્થીઓની ફી પોતાના google પે એકાઉન્ટમાં મેળવી જુદી જુદી હોટલમાં વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવતો હતો અને પોતાનો ચહેરો ન દેખાય તે રીતે વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષાના પ્રશ્નોના જવાબ ચંદ્રશેખર પાસેથી વોટ્સએપથી મેળવી લેપટોપ અને બ્લૂટૂથથી કનેક્ટ કરી ઓનલાઇન પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને જવાબ કહીને છેતરપિંડી કરતો હતો. આ આરોપી એક દિવસમાં બેથી ત્રણ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવતા હતા. અઠવાડિયામાં ત્રણ વખત પરીક્ષાનું આયોજન ગોઠવતા હતા. આ સેટઅપ માટે આરોપી મહેશ્વરા એક વિદ્યાર્થી દીઠ 4000 કમિશન મેળવતો હતો.

આ ઉપરાંત ત્રીજો આરોપી સાગર હિરાણીએ બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇન આઈટીનો અભ્યાસ કર્યો છે. 2020થી મોટા વરાછામાં વોઇસ ઈમિગ્રેશન નામથી ઓફિસ કરાવી સ્ટુડન્ટ વિઝા વિઝીટર વિઝાના કન્સલ્ટિંગનું કામ કરે છે અને છેલ્લા એક વર્ષથી જી.આર.ઈની પરીક્ષાનું રજિસ્ટ્રેશન કરાવી પરીક્ષા પાસ કરાવવાનું કામ કરે છે. તે એક વિદ્યાર્થી દીઠ પંદર હજાર કમિશન મેળવતો હતો. છેલ્લા એક વર્ષમાં 15 વિદ્યાર્થીઓને પરીક્ષા અપાવી છે. GREની પરીક્ષા પાસ કરાવવાના કૌભાંડમાં અનેક વિદ્યાર્થીઓ ગેરકાયદેસર વિદેશ પહોંચ્યા છે.સાયબર ક્રાઇમે આ વિદ્યાર્થીઓને ડેટા મેળવ્યા છે. યુએસએ, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં 500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગયા હોવાના ઘટસ્ફોટ થયો છે. સાયબર ક્રાઇમે પરીક્ષામાં ગેરરીતિ આચરવાના કૌભાંડમાં સાગર હિરાણી, મહેશ્વરા રેડ્ડી અને ચંદ્રશેખર ઉર્ફે રાહુલ સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે. તેમની પાસેથી 5 લેપટોપ, 3 સીપીયુ અને 7 મોબાઈલ કબજે કરીને GRE પરીક્ષાના પાસ કરવાના નેટર્વકમાં સંડોવાયેલા અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news