ગુજરાતમાં ત્રાટકેલા વાવાઝોડાએ ભાવનગરમાં ભારે તારાજી સર્જી! 36 ગામના લોકો હજું વીજ વિહોણા
ભાવનગર જિલ્લાના 36 જેટલા ગામો છેલ્લા 10 દિવસથી વીજ પુરવઠો નહિ મળતાં પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભાવનગર, ઘોઘા અને તળાજા તાલુકામાં જૂન માસ દરમ્યાન ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો હતો,
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લાના ઘોઘા, ભાવનગર અને તળાજા તાલુકાના 36 જેટલા ગામોના 51 ફીડર વાવાઝોડાની અસરથી હજું પણ પ્રભાવિત છે. વીજપોલ, ટિસી અને વાયરો તૂટી જતાં ખેતીવાડી વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને અનેક ટિસિ ભારે પવનના કારણે નમી ગયા છે. વાવણી થઈ ગયા બાદ વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોને પિયતની સમસ્યા, માલઢોર ને પીવડાવવા માટે પણ પાણી નથી. પીજીવીસીએલની સાત જેટલી ટીમો દ્વારા રીપેરીંગની કામગીરી હાથ ધરાઈ છે.
ભાવનગર જિલ્લાના 36 જેટલા ગામો છેલ્લા 10 દિવસથી વીજ પુરવઠો નહિ મળતાં પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભાવનગર, ઘોઘા અને તળાજા તાલુકામાં જૂન માસ દરમ્યાન ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો હતો, કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને તો નુકસાન થયું જ હતું, સાથે ભારે પવનના કારણે અનેક ગામોમાં વીજ વાયરો તૂટી પડ્યા હતા, તેમજ વીજપોલને પણ વ્યાપક નુકસાન થયું હતું, ઉપરથી બીપોર જોય વાવાઝોડાએ પણ દરિયાકાંઠા વિસ્તારના અનેક વિસ્તારોમાં તારાજી સર્જી હતી, વહીવટી તંત્રના આગોતરા આયોજનના કારણે જાનમાલને ખૂબ ઓછું નુકસાન થયું હતું.
પરંતુ વાવાઝોડાએ વીજપોલ, વાયરો અને વીજ ટીસીને ખૂબ નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે મામસા સબ ડિવિઝન હેઠળ આવતા 36 જેટલા ગામોના 51 જેટલા ફિડરો બંધ કરી પીજીવીસીએલ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ઓછું માનવબળ અને મોટાભાગના કર્મચારીઓને અન્ય જિલ્લામાં જ્યાં વાવાઝોડાના કારણે વધુ નુકસાન થયું હોય ત્યાં કામગીરી માટે મોકલવામાં આવતા અહીંની કામગીરી ખોરવાઈ ગઈ છે.
છેલ્લા દસ દિવસથી તણસા અને આજુબાજુના અનેક ગામોમાં ખેતીવાડી વિસ્તારોમાં લાઈટ નહિ મળતા આગોતરા વાવેતર કરનાર ખેડૂતોનો પાક પિયત વગર સુકાઈ રહ્યો છે, વીજ પુરવઠો નહિ મળતા માલઢોર પણ તરસ્યા રહે છે, અગાઉ અનેક વખત ફિડરો ને વિભાજિત કરી આપવા રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્રના બહેરા કાને એ રજૂઆત પાયા વિહોણી સાબિત થઈ છે, એક જ લાઇન માથી તમામ ફીડર માં વીજ પુરવઠો આપવામાં આવતો હોવાથી નાની મોટી સમસ્યા સર્જાય ત્યારે તમામ વિસ્તારોમાં કલાકો લાઈટ જતી રહે છે, માટે ફીડર ને વિભાજિત કરવામાં આવે તો હાલ જે 3-4 કલાક વીજ પુરવઠો મળે છે તેની જગ્યાએ 7-8 કલાક ખેડૂતોને લાભ મળી શકે.
જિલ્લાના ભાવનગર, ઘોઘા અને તળાજા તાલુકાના 36 ગામોમાં 51 ફીડર માથી 4 ઝોનમાં કુલ 18 હજાર ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જેમાં 8 HT ફીડર, 8 ઇન્ડસ્ટ્રીયલ ફીડર, 10 જ્યોતિગ્રામ ફીડર અને 25 ખેતીવાડી ફીડર માથી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જેમાં પ્રથમ નિયમ મુજબ જ્યોતિગ્રામ ફીડર ને પ્રથમ ક્રમાંકે વીજ સપ્લાય આપવો પડે છે જેના કારણે તેને પ્રાથમિકતા આપવી પડે છે.
બાદમાં ક્રમશ HT ફીડર, ઇન્ડસ્ટ્રીયલ ફીડર અને અંતે ખેતીવાડી ફીડર ને વીજ પુરવઠો મળે છે. હાલ સાત જેટલી ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. મોટાભાગનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. અને બાકી છે એ પણ ઝડપથી પૂર્ણ કરી દેવામાં આવશે, વીજ કરંટ ના કારણે કોઈ જાનમાલ નું નુકસાન ના થાય એ પણ ધ્યાન રાખવું એટલુજ જરૂરી હોય ચોકસાઈ પૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે