બર્ડફ્લૂ: સાવલીનાં કાગડાઓનાં રિપોર્ટ પોઝિટિવ, સાવલીની પોલિટરી બહાર વેચવા પર પ્રતિબંધ

બર્ડફ્લૂ: સાવલીનાં કાગડાઓનાં રિપોર્ટ પોઝિટિવ, સાવલીની પોલિટરી બહાર વેચવા પર પ્રતિબંધ

* વડોદરાના વસંતપુરા ખાતે 30 કાગડાના એક સાથે મોત, જે પૈકી 5 સેમ્પલ મોકલાયા તે પોઝિટિવ
* સાવલીની પોલ્ટ્રી પ્રોડક્ટ બહાર વેચવા પર પ્રતિબંધ, સાવચેતી રાખવા માટે સુચના અપાઇ
* વસંતપુરાની આસપાસનો 1 કિ.મી વિસ્તાર પ્રતિબંધિત કરવામાં આવે તેવી શક્યતાએ છે

વડોદરા : રાજ્યમાં જૂનાગઢ જિલ્લાના માણાવદર અને સુરત જિલ્લાના બારડોલીના મઢી બાદ હવે બર્ડ ફ્લૂનો ત્રીજો કેસ વડોદરાના સાવલીમાં નોંધાયા છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વસંતપુરા ગામમાં 30 કાગડાના ટપોટપ મોત બાદ 5 સેમ્પલ ભોપાલ ખાતે મોકલી અપાયા હતા. જ્યાં 3 કાગડાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેના પગલે પશુપાલન, વન તથા અન્ય તંત્રની ટીમો દોડતી થઇ છે. ઉચ્ચ અધિકારીઓ સહિતનાં સંબંધિત સ્ટાફ સાથે કલેક્ટરે તત્કાલ મીટિંગ બોલાવી છે. સાવચેતીનાં તમામ જરૂરી પગલા લેવા માટે સુચના આપી છે. 

સાવલી તાલુકાના વસંતપુરા ગામમાં ગુરૂવારે સાંજે 30 જેટલા કાગડાઓનાં ભેદી રીતે મોત થયા હતા. જેથી બર્ડફ્લુના કારણે જ આટલા પક્ષીઓનાં મોત થયા હોવાનું સ્થાનિકો માની રહ્યા હતા. જે ભય હવે સાચો ઠર્યો છે. ગ્રામજનોએ આ કાગડાઓને એકઠા કરીને તેના પર મીઠુ ભભરાવીને દાટી દીધા હતા. પશુપાલન અને વન વિભાગને પણ આ અંગે જાણ કરાઇ હતી. સ્થાનિક ટીમ દ્વારા કાગડાઓના સેમ્પલ લઇ લેવાયા હતા. જે સેમ્પલ ભોપાલ ખાતે તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 

વડોદરા જિલ્લા પશુપાલન નાયબ નિયામક ડૉ.પ્રકાશ દરજીએ જણાવ્યું કે, વડોદરા જિલ્લાના વસંતપુરા ગામમાં વેરાઇ માતાના મંદિરની બાજુમાં 30 જેટલા કાગડાનાં મોત થયા હતા. ટીમ દ્વારા સેમ્પલ લઇને ભોપાલ હાઇસિક્યોરિટી એનિમલ ડિજીઝ લેબમાં મોકલી અપાયા હતા. જેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જો કે હવે કરજણ તાલુકાના કિયા ગામમાં મળેલા કબુતર અને વડોદરાના રિલાયન્સ ટાઉનશિપમાંથી મળેલા મોરના સેમ્પલ પણ તપાસ માટે ભોપાલ મોકલી અપાશે. આ ઉપરાંત સાવલીના પોલ્ટ્રી ફાર્મો પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. હવે આ પોલ્ટ્રીફાર્મની વસ્તુઓ બહાર જઇ શકશે નહી. વસંતપુરાની આસપાસનો એક કિલોમીટર વિસ્તાર પ્રતિબંધિત જાહેર કરાય તેવી શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news