UP બાદ ગુજરાત ભાજપના રાજકારણમાં ગરમાવો, BJP પ્રદેશ પ્રભારી સરકાર અને સંગઠનના હોદેદારો સાથે કરશે બેઠક
ઉત્તરપ્રદેશ ભાજપના રાજકીય ઘમાસાણ બાદ હવે ગુજરાત ભાજપના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોરોનાની બીજી લહેરમાં સરકાર સામે લોકોમાં દેખાયેલા રોષ અને નારાજગી બાદ કોરોના કેસો ઘટવાની સાથે જ રાજકીય ઘટનાઓ વધી રહી છે
Trending Photos
બ્રિજેશ દોશી/ અમદાવાદ: ઉત્તરપ્રદેશ ભાજપના રાજકીય ઘમાસાણ બાદ હવે ગુજરાત ભાજપના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોરોનાની બીજી લહેરમાં સરકાર સામે લોકોમાં દેખાયેલા રોષ અને નારાજગી બાદ કોરોના કેસો ઘટવાની સાથે જ રાજકીય ઘટનાઓ વધી રહી છે. લાંબા સમય બાદ ભાજપના પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ શુક્રવારથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવવાના છે જ્યાં તેઓ સરકાર અને સંગઠનના હોદેદારો સાથે બેઠક કરશે. જેમાં ભાજપ પ્રભારી કોરોનાની બીજી લહેર બાદની સ્થિતિની સમીક્ષા અને રાજકીય સમીક્ષા પણ કરશે.
સામાન્ય રીતે સંગઠન અને સરકારની કામગીરી અંગે નેતાઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરાશે અને નેતાઓ પાસેથી કામગીરી અને રાજકીય સ્થિતિ અંગે અભિપ્રાય પણ લેવામાં આવશે. પ્રદેશ પ્રભારીના પ્રવાસ બાદ 15 જૂને ભાજપ વિધાનસભા પક્ષની પણ બેઠક મળશે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પણ હાજર રહેશે. તમામ ધારાસભ્યોને આ બેઠકમાં હાજર રહેવા માટે જાણ કરવામાં આવી છે.
સરકારી સૂત્રોના દાવા પ્રમાણે કોરોનાની બીજી લહેરની સમીક્ષા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. ધારાસભ્યોને નડેલા પ્રશ્નો અને તેમના વિસ્તારમાં સરકારે કરેલી કામગીરી અંગે ચર્ચા થશે. મારુ ગામ કોરોના મુક્તના સંકલ્પને સાકાર કરવા ધારાસભ્યોને માર્ગદર્શન અપાશે. સરકારી સૂત્રોના દાવા પ્રમાણે આ બેઠક કોરોનાની સમીક્ષા અને સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવાનું આગોતરું આયોજન કરાશે તો સાથે જ તૌકતે વાવાઝોડાએ સર્જેલી તારાજીની પણ સમીક્ષા થશે અને રાજ્ય સરકારે કેન્દ્રને કરેલી રજુઆતથી ધારાસભ્યોને માહિતગાર કરાશે.
સરકારના એજન્ડા પ્રમાણે બેઠકનો રાજકીય હેતુ સરકારની છબી સુધારવાનો અને ધારાસભ્યોને સક્રિય કરવાનો છે. કોરોનાની બીજી લહેરમાં જે રીતે લોકોમાં નારાજગી અને રોષ છે જેને ખાળવા હવે ધારાસભ્યોને મેદાનમાં ઉતારવામાં આવશે. સરકારી વ્યવસ્થાની ત્રુટીઓથી જે સમસ્યાઓ ઉભી થઇ હતી અને તેનાથી સરકારની છબી બગડી હોવાનો સ્વીકાર ખુદ ભાજપના નેતાઓ અંદરખાને કરી રહ્યા છે. ત્યારે હવે ધારાસભ્યોને સરકારની કામગીરી બતાવીને આ રોષ ઠારવાનો પ્રયાસ થશે.
આ પણ વાંચો:- કોરોના કાળમાં મા-કાર્ડ અંગે આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય, જાણો શું કહ્યું DyCM નીતિન પટેલે
બીજી લહેર દરમિયાન ભાજપ સંગઠનના ઘણા લોકોને ધારાસભ્યોની નિષ્ક્રિયતાનો અનુભવ થયો હતો જેની રજુઆત પણ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને પણ કરવામાં આવી હતી. જે રીતે સરકાર અને સંગઠનની સ્થિતિ છે તેમાં આ બેઠકને ડેમેજ કંટ્રોલની ભૂમિકામાં જોવાઈ રહી છે. ધારાસભ્યોની વાત સાંભળીને તેમને આગામી ચૂંટણીઓ પહેલા સક્રિય કરવાનો રાજકીય ઉદ્દેશ પણ આ બેઠકમાં સિદ્ધ થશે. એક જ સપ્તાહમાં ભાજપના પ્રદેશ પ્રભારીની મુલાકાત અને ત્યારબાદ ધારાસભ્ય દળની બેઠકે રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે