ભાજપના ખાનપુર કાર્યાલય પર નારાજ કાર્યકર્તાઓ ઉમટ્યા, ગૃહરાજ્ય મંત્રી ડેમેજ કન્ટ્રોલ કરવા દોડ્યા 

ભાજપના ખાનપુર કાર્યાલય પર નારાજ કાર્યકર્તાઓ ઉમટ્યા, ગૃહરાજ્ય મંત્રી ડેમેજ કન્ટ્રોલ કરવા દોડ્યા 
  • આઈ કે જાડેજાએ જણાવ્યું કે, 3 હજાર કરતા વધુ દાવેદારોમાંથી 192ની પસંદગી કરીએ એટલે ક્યાંક દુઃખ થવું સ્વાભાવિક છે
  • ખાનપુર કાર્યાલયમાં સવારથી મોટા સંખ્યા પોતાનો વિરોધ દર્શાવવા પહોંચી રહ્યાં છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપના પદાધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે

ઝી મીડિયા/બ્યૂરો :ભાજપે ગઈકાલે તમામ મહાનગરપાલિકાના પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યુઁ છે. આ લિસ્ટ જાહેર કરાયા બાદ લગભગ તમામ મહાનગરપાલિકામાં ભાજપને નારાજગી, વિરોધનો સામોનો કરવો પડ્યો છે. તો કેટલાક પાલિકામાં રાજીનામા અને પક્ષપલટાની કામગીરી પણ થઈ રહી છે. આવામાં અમદાવાદમાં અનેક કાર્યકર્તાઓની નારાજગી ભાજપે વહોરી લીધી છે. અમદાવાદના લિસ્ટમાં અનેક નવા ચહેરાઓને સ્થાન આપવામા આવ્યું છે. ત્યારે અમદાવાદમાં અનેક વોર્ડમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યાં છે. જેમાં ભાજપના ખાનપુરના કાર્યાલય ખાતે પણ નારાજ કાર્યકર્તાઓનું મોટું જૂથ પહોંચ્યું હતું. જેને પગલે રાજ્યગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ખાનપુર કાર્યાલયે દોડી આવ્યા છે અને ડેમેજ કન્ટ્રોલ કરવા માટે કવાયત હાથ ધરી રહ્યા છે. તો ભાજપના શહેર પ્રભારી આઈકે જાડેજાએ પણ નારાજ કાર્યકર્તાઓને મનાવવાના પ્રયાસો કર્યા હતા. 

પ્રદીપસિંહ તાત્કાલિક ખાનપુર પહોંચ્યા 
ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પહોંચ્યા ખાનપુર ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. તેમણે શહેર પ્રભારી આઈ કે જાડેજા અને શહેર પ્રમુખ જગદીશ પંચાલ સાથે મુલાકાત કરી હતી. તેમજ ઉમેદવારો જાહેર થયા બાદની સ્થિતિ અંગે ચર્ચા પણ કરી હતી. 

આ પણ વાંચો : દીકરાને ટિકિટ ન આપતા નારાજ થયા મધુ શ્રીવાસ્તવ, મોટી નવાજૂની કરવાના આપ્યા સંકેત

3 હજારમાંથી 192 ની પસંદગી કરી, એટલે દુખ થાય તે સ્વભાવિક છે 
તો ભાજપ શહેર પ્રભારી આઈ કે જાડેજાએ શહેર સંગઠનમાં નારાજગી અંગે જણાવ્યું કે, કેટલાક વિસ્તારોમાં કાર્યકરોને નારાજગી હશે, દુઃખ થયું હશે. 3 હજાર કરતા વધુ દાવેદારોમાંથી 192ની પસંદગી કરીએ એટલે ક્યાંક દુઃખ થવું સ્વાભાવિક છે. તમામ કાર્યકરોની વાત સાંભળવામાં આવી છે. તમામ સક્રિય કાર્યકરોને ટિકિટ આપી છે. ઉદ્યોગપતિ, શિક્ષકોથી લઈ રેંકડી ચલાવવાવાળા સુધીના બધાને ટિકિટ આપી છે. ક્યાંક કોઈ નારાજગી હશે પણ તમામ સાથે વાત કરી છે. સિનિયર કોર્પોરેટરોને પણ કાપ્યા નથી, તેમની સાથે પણ વાત કરી છે. કાર્યકરો અને આગેવાનોના દમ પર જ ચૂંટણી જીતીશું. અનામતના કારણે મોટા ફેરફારો થયા છે તેની નારાજગી હોઈ શકે છે. 

કાર્યકર્તાઓ પક્ષ છોડવાની ચીમકી આપી 
ખાનપુર કાર્યાલયમાં સવારથી મોટા સંખ્યા પોતાનો વિરોધ દર્શાવવા પહોંચી રહ્યાં છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપના પદાધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે, જેને લઈને ક્યાંય ને ક્યાંય એવું પણ લાગી રહ્યું છે કે કેટલાક કાર્યકતાઓ રાજીનામું આપીને બીજી પાર્ટીમાં પણ જોડાઈ શકે છે. અનેક કાર્યકરોએ બીજી પાર્ટીમાં જોડાવાની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદમાં એકપણ મુસ્લિમને ટિકિટ ન આપી હોવાથી ગોમતીપુર અને જમાલપુરના ભાજપના મુસ્લિમ કાર્યકર કાર્યાલય પહોંચ્યા હતા. આ કાર્યકરોએ ટિકિટ નહીં આપો તો રાજીનામું આપી બીજી પાર્ટીમાં જોડાવાની ચીમકી ઉચ્ચારી હતી. 

અનેક કાર્યકરોનો આક્ષેપ છે કે ભાજપે નવા ચહેરાને ટિકિટ આપી છે. ત્યારે અનેક લોકો આવીને આ અંગે ફરિયાદ કરી રહ્યાં છે. અમદાવાદમાં ગોતા, ચાંદખેડા, સાબરમતી અને નારણપુરાના કાર્યકરો સવારથી ખાનપુર કાર્યાલયે આવી પહોંચ્યા છે, જેમાં કેટલાક કાર્યકરોએ જણાવ્યું હતું કે અમારી વાતને ધ્યાનમાં લઇને કોઈ ફેરફાર કરે એવી અમારી માગ છે, પરંતુ કોઈ નિર્ણય નહિ લે તો અમે પણ આગળ પાર્ટી વિશે અમારો મત પણ બદલીશું. 

આ પણ વાંચો : સુરત ભાજપમાં ભડકો, નારાજગીના દોરમાં ટપોટપ રાજીનામા પડ્યાં

આ દુઃખ તો એક કે બે દિવસનું છે
અમદાવાદમાં ટિકિટ ફાળવણી મામલે રોષ પર ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતાં કહ્યું છે કે આ દુઃખ તો એક કે બે દિવસનું છે. પાર્ટીએ નવા કાર્યકર્તાઓને લાભ આપ્યો છે, તેઓ એટલી જ ધગશથી કામ કરશે.  સ્વાભાવિક છે કે પોતાનું મનગમતું ના થાય તો માણસને મનદુઃખ થાય પરંતુ નારાજ થયેલા કાર્યકર્તાઓ એ જ લગનથી કામે લાગી જશે.

ભાજપના ઉમેદવારો વિજય મુહૂર્ત ચૂક્યા 
ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ મહાનગર પાલિકાના ઘણા ઉમેદવાર આજનું વિજય મુહૂર્ત ચૂક્યા હતા. ભાજપ પ્રમુખે ૧૨.૩૯ એ તમામ ઉમેદવાર ફોર્મ ભરશે તેવો દાવો કર્યો હતો. પરંતુ અનેક ઉમેદવારો આ મુહૂર્તમાં ફોર્મ ભરી શક્યા ન હતા. સરદાર નગર, નરોડા, કુબેરનગર, સૈજપુર બોઘા, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપા નગર,  દરિયાપુર, ખાડિયા, જમાલપુર, અસારવા, શાહીબાગ, શાહપુરના એક પણ ઉમેદવાર સમયસર ફોર્મ ભરવા પહોંચી શક્યા ન હતા. આમ, ભાજપના અનેક ઉમેદવારો આજનું વિજય મુહૂર્ત ચૂક્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news