ભાજપની પ્રથમ પેપરલેસ કારોબારી કેવડિયામાં યોજાશે, SOU ના સાનિધ્યમાં ભાજપનું મિશન 2022 માટે મંથન
Trending Photos
બ્રિજેશ દોશી/અમદાવાદ : મિશન 2022ને ધ્યાનમાં રાખીને પ્રદેશ ભાજપની કારોબારી બેઠક 1થી 3 સપ્ટેમ્બર દરમિયાન કેવડિયામાં મળશે. જેમાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ વિશેષ ઉપસ્થિત રહેશે. 1થી 3 સપ્ટેમ્બર દરમિયાન કેવડિયા કોલોની ખાતે યોજાનારી પ્રદેશ કારોબારીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરી બિરદાવતા ઠરાવો પસાર થશે તો સાથે જ મિશન 2022ને ધ્યાનમાં રાખીને રાજકીય ઠરાવો પણ કરાશે. આ ઉપરાંત આગામી દિવસોમાં પક્ષના કાર્યક્રમો અંગે ચર્ચા થશે અને મિશન 2022નો રોડમેપ પણ નક્કી થશે. ભાજપ અધ્યક્ષ બન્યા બાદ સી આર પાટીલની આ બીજી કારોબારી યોજવા જઈ રહી છે. જે વિસ્તૃત કારોબારી છે અને તેમાં પ્રદેશના તમામ હોદેદારો સહિત 600થી વધુ આગેવાનો હાજર રહેશે. પહેલી કારોબારી કોરોનાના કારણે વર્ચ્યુઅલ યોજવામાં આવી હતી.
પ્રદેશ કાર્યાલયથી પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના હોદેદારો જોડાયા હતા. હવે કોરોનાના કેસો ઘટવાના કારણે પ્રત્યક્ષ કારોબારી મળવા જઈ રહી છે. જેમાં તમામ કારોબારી સભ્યો ઉપરાંત હોદેદારો પણ હાજર રહેશે. કેન્દ્ર સરકારના નવનિયુક્ત મંત્રીઓ ભૂપેન્દ્ર યાદવ, પરસોત્તમ રૂપાલા, દર્શનાબેન જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને ડૉ.મહેન્દ્ર મુંજપરા પણ આ બેઠકમાં હાજર રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો પણ ભાગ લેશ. આ કારોબારીનો મુખ્ય ઉદ્દેશ મિશન 2022ની તૈયારીઓનો રહેશે અને ડિજીટલ ભાજપના મિશનને સાકાર કરતા સંકલ્પ તરીકે તમામ કારોબારી સભ્યોને ટેબલેટ અપાશે. જેમાં પક્ષની તમામ વિગતો, કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓ અંગેની માહિતી પણ રહેશે.
તમામ સભ્યો ડિજીટલી પક્ષ સાથે સંપર્કમાં રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. 1 સપ્ટેમ્બરે તમામ કારોબારી સભ્યોનું આગમન થશે, ઈ રજીસ્ટ્રેશન અને ટેબલેટ વિતરણ થશે અને સાંજે તેઓ સાંસ્કૃતિક કાર્યક્રમ માણશે. 2 સપ્ટેમ્બરે કારોબારી બેઠકમાં અભિનંદન પ્રસ્તાવ, રાજકીય ઠરાવો પસાર થશે. જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહનું સંબોધન રહેશે, પ્રદેશ પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ સંબોધન કરશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પોતાની સરકારની કામગીરી અંગે વાત કરશે. તો ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પોતાના એક વર્ષના કાર્યકાળ અંગેની વાત કરશે.
તમામ નેતાઓ મિશન 2022ના સંકલ્પને સફળ બનાવવાના રોડમેપ પર પણ વાત કરશે. આ ઉપરાંત પક્ષના આગામી કાર્યક્રમો અંગે તમામ કારોબારી સભ્યોને માર્ગદર્શન અપાશે. તો 3 સપ્ટેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને ત્યારબાદ કારોબારીનું સમાપન થશે. કેવડિયા કોલોનીમાં કારોબારી યોજવાનો મુખ્ય હેતું સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રચાર પ્રસારનો પણ છે કારણકે પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટને વૈશ્વિક સ્તરે ખ્યાતિ મળ્યા બાદ પક્ષના તમામ સભ્યો પણ આ પ્રોજેક્ટની ફરી મુલાકાત લેશે.
AHMEDABAD માં બેઠો હતો આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટરનો માસ્ટર માઇન્ડ, ફિલ્મોને ટક્કર મારે તેવું જીવન
3 સપ્ટેમ્બરે કારોબારીના સમાપન પહેલા રક્ષામંત્રી સહિતના કેન્દ્રીય મંત્રીઓ, પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત તમામ સભ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. કેવડિયાને પ્રધાનમંત્રી ઇલેક્ટ્રીક વાહનોયુક્ત સીટી બનાવવા માગે છે ત્યારે આ વખતે ભાજપના પદાધિકારીઓ પોતાની ખાનગી કાર લઈને નહીં આવે પરંતુ તમામને ટ્રેન કે બસથી કેવડિયા પહોંચવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સીધા હેલીકોપ્ટરથી ત્યાં પહોંચશે. તમામ પદાધિકારીઓ અને સભ્યો ત્યાં બસથી જ ફરશે અને ઇલેક્ટ્રીક વાહનોનો જ ઉપયોગ કરશે. જેથી કેવડિયામાં વાહનોના ટ્રાફિકની પરેશાની ન રહે અને પ્રદુષણ પણ ન ફેલાય. આમ મિશન 2022ના લક્ષ્ય સાથે ભાજપની કારોબારી બેઠક SOUના સાનિધ્યમાં યોજાશે જ્યાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના 182 બેઠકો જીતવાના રોડમેપ અંગે મંથન થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે