જસદણમાં અંધારપટ : ભાજપ શાસિત પાલિકાનો વિકાસ ડૂબ્યો, 5 કરોડ ન ચૂકવતાં વીજકનેક્શન કપાયું

Jasdan Municipality: ગુજરાતમાં ભાજપ શાસિત પાલિકાનો આજે વિકાસ ડૂબી ગયો છે. કુંવરજી બાવળિયાના મત વિસ્તારમાં આજે વીજળી ગુલ થઈ છે. PGVCLનું 5 કરોડનું બિલ ના ભરાતાં આજે તંત્રએ કનેક્શન કાપી નાખ્યું છે. શરમની વાત એ છેકે ભાજપ શાસિત પાલિકામાં આજથી અંધારપટને પગલે સત્તાધિશોની આબરૂના ધજાગરા થશે.

જસદણમાં અંધારપટ : ભાજપ શાસિત પાલિકાનો વિકાસ ડૂબ્યો, 5 કરોડ ન ચૂકવતાં વીજકનેક્શન કપાયું

નરેશ ભાલિયા, જસદણઃ  રાજકોટ જિલ્લાની જસદણ નગર પાલિકા ચર્ચામાં આવી ગઈ છે. જસદણ નગર પાલિકાએ લાખો રૂપિયાના લાઇટબિલની ચુકવણી ન કરતા જીપીવીસીએલ દ્વારા લાઇટનું કનેક્શન કાપી દેવામાં આવ્યું છે. એટલે કે આજે રાતથી જસદણ પાલિકામાં અંધારપટ છવાઈ જશે. જસદણના ચિતલિયા કુવા રોડ, લાતી પ્લોટ, આટકોટ રોડના કનેક્શન કાપી નાખવામાં આવ્યાં છે. નોંધનીય છે કે પીજીવીસીએલ દ્વારા જસદણ પાલિકાને બિલ ન ભરવાને લઈને નોટિસ ફટકારવામાં આવી હતી. 

પીજીવીસીએલે કરી કાર્યવાહી
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જસદણ પાલિકા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પીજીવીસીએલે લાઇટ બિલ બાકી હોવાને લઈને જસદણ પાલિકાને નોટિસ ફટકારી હતી. આ નોટિસ છતાં પાલિકા દ્વારા બિલ ભરવામાં આવ્યું નહીં. એટલે આજે પીજીવીસીએલ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા લાઇટના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. જસદણ પાલિકાનું 35 લાખ કરતા વધુનું બિલ બાકી છે. 

કેબિનેટ મંત્રીના વિસ્તારમાં જ કનેક્શન કપાયું
જસદણથી ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા આ શહેરમાંથી આવે છે. હવે કેબિનેટ મંત્રીના ગામમાં જ પાલિકા બિલ ન ભરી શકે અને લાઇટ કનેક્શન કપાઈ જાય એટલે ચર્ચા થવી સ્વાભાવિક છે. મહત્વનું છે કે પાલિકાને ઘણા સમયથી પીજીવીસીએલ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ શું પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે કોઈ કાર્યવાહી કરી નહીં. પાલિકા દ્વારા જનતા પાસે વેરો તો ઉઘરાવવામાં આવે છે પણ બિલ ભરવામાં આવતું નથી. બીજીતરફ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પણ પોતાના શહેરની પાલિકામાં શું ચાલી રહ્યું છે તેની કોઈ માહિતી નથી. આ પાલિકામાં પણ ભાજપનું શાસન છે. રાજ્યની સરકારમાં પણ ભાજપ છે. તેવામાં પીજીવીસીએલની કાર્યવાહી બાદ સતત સવાલ ઉઠી રહ્યાં છે. 

જસદણ શહેરમાં કુલ 7 વોર્ડ આવેલા છે. જેમાં અંદાજે 70 હજારથી વધુ લોકો વસવાટ કરી રહ્યાં છે. સાત વોર્ડમાં નિયમિત પાણી વિતરણ માટે પાલિકા દ્વારા ડેમમાંથી મોટર દ્વારા પાણી ખેંચી શહેરમાં આવેલી ટાંકીમાં લાવી ત્યાંથી દરેક વોર્ડમાં વિતરણ કરવામાં આવે છે. પાલિકાના વોટરવર્કસ શાખાનું છેલ્લા થોડા સમયથી બાકી ખેંચાતું આવતું વીજ બીલ હાલ રૂ.4 કરોડ વિસ લાખ જેવું વીજ બિલ બાકી છે તેમજ પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફીટ કરવામાં આવેલી સ્ટ્રીટલાઇટોનું બાકી બીલ રૂ.35.84.509 લાખ જેટલી રકમ બાકી છે. ત્યારે આટલી મોટી રકમ લાંબો સમય થવા છતાં ભરવામાં ન આવતા જસદણ PGVCL કચેરી બંને બાકી બીલની રકમ ભરવા અંગે પાલિકાતંત્રને નોટીસ પાઠવી છે. જેમાં જણાવ્યું છે કે પાલિકા દ્વારા બાકી વીજબીલની ભરપાઇ કરવામાં નહીં આવે તો PGVCL દ્વારા વોટરવર્કસ શાખાના વીજ જોડાણ તેમજ સ્ટ્રીટલાઇટોના કનેક્શનો કાપી નાંખવામાં આવશે તેવું PGVCL ના કાર્યપાલક ઈજનેર જણાવ્યું હતું.

આ અંગે જસદણના ચીફ ઓફિસર અશ્વિન વ્યાસ જણાવ્યું કે જસદણ નગરપાલિકાની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે વોટરવર્કસ શાખાનું બાકી વીજ બિલ અને સ્ટ્રીટ લાઈટનું વીજ બિલ હપ્તે હપ્તે ભરી આપશુ. જસદણના ચીફ ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું હતું કે જસદણ નગરપાલિકા વેરા વસુલાત ઓછી હોવાના કારણે વીજ સમયસર નથી ભરવામાં આવતું જેથી કરીને આગળના બે મહિનાની અંદરમાં ટીમો બનાવી વેરા વસુલાત ઝુંબેશ કરી પાલિકાનું વીજબિલ ભરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news