દોઢ લાખથી વધુ ગરીબ બાળકોનું પેટ ઠારનાર કર્મચારીઓના ખુદના જ બાળકો ભૂખ્યા!
વડોદરામાં પણ અક્ષય પાત્ર સંસ્થાને શહેર જિલ્લાની તમામ શાળાઓમાં બાળકોને સમયસર ભોજન પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી છે. પરંતુ આ સંસ્થામાં ચાલતી લાલિયાવાડીને કારણે દોઢ લાખથી વધુ બાળકોની થાળી સુધી આજે ભોજન પોહોચ્યું નથી.
Trending Photos
હાર્દિક દીક્ષિત/વડોદરા: શહેર અને જિલ્લાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા એક લાખથી વધુ ગરીબ પરિવારના બાળકોને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે. સંસ્થા અને કર્મચારીઓ વચ્ચેની લડાઈમાં હવે આ ગરીબ બાળકોનું પેટ કોન ઠારશે તે એક મોટો સવાલ છે.
આર્થિક રીતે નબળા એટલે કે ગરીબી રેખા નીચે આવતા પરિવારનું એક સપનું હોય છે કે તેમનું બાળક ભણીગણીને પરિવારનું નામ રોશન કરે. પોતાની આર્થિક સ્થિતિ સામે લાચાર આવા વાલીઓ મોંઘીદાટ શાળામાં પોતાના બાળકને ન ભણાવી શકવાના કારણે સરકારી શાળાના દ્વાર ખટખટાવતા હોય છે. સરકાર દ્વારા પણ આવા ગરીબ બાળકોના ભણતર સાથે તેમના સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવતું હોય છે. જેથી જ રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ સરકારી શાળાઓમાં બાળકો માટે મધ્યાહન ભોજનની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
વડોદરામાં પણ અક્ષય પાત્ર સંસ્થાને શહેર જિલ્લાની તમામ શાળાઓમાં બાળકોને સમયસર ભોજન પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી છે. પરંતુ આ સંસ્થામાં ચાલતી લાલિયાવાડીને કારણે દોઢ લાખથી વધુ બાળકોની થાળી સુધી આજે ભોજન પોહોચ્યું નથી.
અક્ષય પાત્ર સંસ્થામાં કામ કરતા 300થી વધુ કર્મચારીઓ વર્ષ 2010થી પોતાના હક્ક માટે લડત ચલાવી રહ્યા છે. સમયસર પગાર ન મળવા છતાં આ તમામ કર્મચારીઓ નિષ્ઠા પૂર્વક પોતાની ફરજ બજાવતા આવ્યા છે. સરકારી શાળામાં ભણતા ગરીબ ઘરના બાળકો ભોજનથી વંચિત ન રહે અને આ તમામ બાળકોને સમયસર ભોજન મળે તેના માટે આ કર્મચારીઓએ પોતાની કામગીરીમાં કોઈ કચાસ છોડી નથી.
આજે હડતાળ પર ઉતરેલા કેટલાક કર્મચારીઓએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે અક્ષય પાત્ર સંસ્થા દ્વારા કર્મચારીઓ સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. સંસ્થા દ્વારા સમયસર પગાર ચૂકવવા માટે પણ આનાકાની કરવામાં આવે છે. તો સાથે જ જાહેર રજાના દિવસે પણ કામ પર બોલાવી 12 કલાકથી વધુ કામ કરાવી યેનકેન રીતે કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે. જેના કારણે આજે કર્મચારીઓએ હડતાળનો માર્ગ અપનાવવો પડ્યો છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર તેમજ જિલ્લામાં સરકારી વેબસાઇટના આંકડા મુજબ નાની મોટી થઈને કુલ 1066 શાળાઓ આવેલી છે, જેમાં 135765 જેટલા ગરીબ ઘરના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ તમામ વિદ્યાર્થીઓ રાજ્ય સરકારની મધ્યાહન ભોજન સેવાની લાભ લે છે ત્યારે સંસ્થાના પાપે મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલા 300થી વધુ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જતાં વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે