CM ભૂપેન્દ્ર પટેલને મળ્યાં વર્લ્ડ બેન્ક પ્રેસિડન્ટ બાંગા, સરકારના આ પ્રોજેક્ટથી પ્રભાવિત, મળ્યું મોટું આમંત્રણ

વર્લ્ડ બેંકનાં પ્રમુખ અજય બાંગા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠક યોજાઈ હતી. ત્યારે મુખ્ય સચિવ રાજકુમાર, નાણાં વિભાગનાં અધિક મુખ્ય સચિવ સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 

 CM ભૂપેન્દ્ર પટેલને મળ્યાં વર્લ્ડ બેન્ક પ્રેસિડન્ટ બાંગા, સરકારના આ પ્રોજેક્ટથી પ્રભાવિત, મળ્યું મોટું આમંત્રણ

ઝી બ્યુરો/ગાંધીનગર: જી 20 સમિટ હેઠળની બેઠકો માટે આ સમૂહના દેશોનું પ્રતિનિધિ મંડળ ગુજરાતના પ્રવાસે આવ્યું છે. ત્યારે વિશ્વ બેન્કના પ્રમુખ અને અમેરિકાના નાણા મંત્રીએ રાજ્ય સરકારના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. બંનેએ શિક્ષકો તેમજ બાળકો સાથે ચર્ચા કરી હતી. વિદ્યા સમીક્ષા કેન્દ્રની કામગીરીના બંનેએ વખાણ કર્યા..

જી 20 સમિટની બેઠકોના ભાગ રૂપે દેશભરમાં જુદી જુદી જગ્યાએ બેઠકો યોજાઈ રહી છે. ત્યારે આ માટેની વધુ એક બેઠક માટે જી 20 દેશોનું પ્રતિનિધિ મંડળ ગુજરાતના પ્રવાસે છે. વિશ્વ બેન્કના પ્રમુખ અજય બાંગા અને અમેરિકાના નાણામંત્રી જેનેટ યેલન પણ આ પ્રતિનિધિ મંડળના આમંત્રિતો છે. ત્યારે બંનેએ ગાંધીનગરમાં આવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે રાજ્ય સરકારના મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળની કામગીરી જોઈ. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં થતા ઓનલાઈન રિયલ ટાઈમ મોનિટરિંગને પણ નજરોનજર નિહાળ્યું. બંનેને રાજ્ય સરકારનો આ પ્રોજેક્ટ ઘણો ગમ્યો. તેમણે પ્રોજેક્ટની પરિણામલક્ષી કામગીરીને વખાણી હતી.

વિશ્વ બેન્કના પ્રમુખ અજય બાંગાએ જણાવ્યું હતું કે, આ ફક્ત શિક્ષણને લગતો આઇડિયા નથી. ઘણા દેશો શિક્ષણ માટે ઘણું નવું કરતા હોય છે. ગુજરાતે સ્માર્ટ ક્લાસનો આઇડિયા પસંદ કર્યો છે. દરેક સ્કૂલમાં ઓછામાં ઓછા એક સ્માર્ટ ક્લાસનું અમલીકરણ અહીં થઈ રહ્યું છે. પણ ખરી બાબત ડેટા અને તેનું ટ્રેકિંગ છે. તેનાથી શિક્ષણને લગતી વાતચીત પરિણામલક્ષી બની છે. મને આ ગમ્યું છે, કેમ કે કામગીરીનું પરિણામ મેળવવું અમારું કામ છે. વિશ્વબેન્કમાં પોતાના કરદાતાઓના પૈસાથી યોગદાન આપનાર યુએસ અને ભારત સહિતના દેશો જ્યારે અમને ફંડ આપે છે, ત્યારે તેમનો હેતુ પરિણામ મેળવવાનો હોય છે, કેટલી દિકરીઓ શાળાએ ગઈ, તેમને શિક્ષણનો કેટલો લાભ મળ્યો. કેટલા લોકો સ્કિલ સેન્ટરમાં ગયા અને તેમને સારી નોકરી મળી. આ લોકોને કેટલા પૈસા ખર્ચ થયા તે જાણવામાં રસ નથી હોતો. મને અહીંની પરિણામલક્ષી કામગીરી ઘણી ગમી છે. મારા મતે તે અનુસરણ યોગ્ય છે.

વિશ્વ બેન્કે વિદ્યા સમીક્ષા કેન્દ્રને ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટિસ તરીકે જાહેર કરીને અન્ય દેશોને તેનું અનુકરણ કરવા માટે સલાહ આપી છે. જે આ પ્રોજેક્ટની સફળતા તરફ નિર્દેશ કરે છે. અજય બાંગા અને અમેરિકાના નાણા મંત્રી જેનેટ યેલને વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં બાળકો અને શિક્ષકો સાથે ચર્ચા કરી હતી. બાળકોએ યેલનને સવાલ પૂછતા તેમણે જવાબ પણ આપ્યા. આ દરમિયાન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફૂલ પાનશેરિયા પણ હાજર હતા.

વિદ્યા સમીક્ષા કેન્દ્રની કામગીરી જોઈએ તો અહીં શાળાઓમાં શિક્ષણકાર્યનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવે છે. અહીં ડેટાનું એકત્રિકરણ થાય છે. અહીં એક કરોડ 15 લાખ વિદ્યાર્થીઓ અને 4 લાખ શિક્ષકોની દરરોજ ઓનલાઈન હાજરી નોંધાય છે. આ સમગ્ર ડેટાના વિશ્લેષણના આધારે શિક્ષણ વ્યવસ્થાનું મૂલ્યાંકન અને સુધારા થાય છે. દેશમાં આ પ્રકારની કામગીરી સાથેનું આ પહેલું કેન્દ્ર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2022માં આ કેન્દ્રની મુલાકાત લીધી હતી.

મહત્વનું છે કે શિક્ષણ ક્ષેત્ર માટેના મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ માટે રાજ્ય સરકારે 6 વર્ષમાં 12 હજાર 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું નક્કી કર્યું છે, આમાંથી 8300 કરોડ રૂપિયાનું ફંડ વિશ્વ બેન્ક અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બેન્ક દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યની શાળાઓમાં 50 હજાર નવા વર્ગખંડોનું નિર્માણ, દોઢ લાખ વર્ગોમાં સ્માર્ટ ક્લાસની સુવિધા અને 20 હજાર નવી કોમ્પ્યુટર લેબ તૈયાર કરવાનો છે. આ જ કારણ છે કે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટથી રાજ્ય સરકારને ઘણી અપેક્ષાઓ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news