CM ભૂપેન્દ્ર પટેલે ખોલ્યો પટારો, ગુજરાતના વિકાસ માટે આ કામોને આપી સૈદ્ધાંતિક મંજૂરી

Gandhinagar News: ગાંધીનગરને રૂ. 5.11 કરોડ સુડા-સુરતને 36.69 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. સુરત મહાનગરમાં 8 ફલાય ઓવર નિર્માણ માટે 390 કરોડ રૂપિયાની રિવાઇઝ્ડ દરખાસ્તને મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

CM ભૂપેન્દ્ર પટેલે ખોલ્યો પટારો, ગુજરાતના વિકાસ માટે આ કામોને આપી સૈદ્ધાંતિક મંજૂરી

ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યમાં શહેરી જનસુખાકારીને વેગ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસતા નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિથી ઇઝ ઓફ લિવીંગને વેગ આપવાની નેમ રાખી છે. ગાંધીનગર અને સુરત મહાનગરને ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અન્વયે 41.80 કરોડ રૂપિયાના વિકાસ કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગાંધીનગરને રૂ. 5.11 કરોડ સુડા-સુરતને 36.69 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. સુરત મહાનગરમાં 8 ફલાય ઓવર નિર્માણ માટે 390 કરોડ રૂપિયાની રિવાઇઝ્ડ દરખાસ્તને મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ સંદર્ભમાં તેમણે મહાનગરોના આઉટગ્રોથ વિસ્તારમાં વિકાસ કામો તથા શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં જન સુવિધા વૃદ્ધિના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાંટ ફાળવણીનો ઉદાત્ત અભિગમ અપનાવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાને આઉટગ્રોથ યોજનામાં રૂ. 5 કરોડ 11 લાખના કામો હાથ ધરવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 

ગાંધીનગર મહાનગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ માફરતે રજૂ કરેલી આ અંગેની દરખાસ્ત તેમણે મંજૂર કરી છે. મુખ્યમંત્રીએ આપેલી આ સૈદ્ધાંતિક અનુમતિને પરિણામે હવે ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ભાઇજીપૂરા, અમીયાપૂરા, રાયસણ, રાંદેસણ, કોલવડા તેમજ અન્ય ગામોમાં પાણી પૂરવઠો પૂરો પાડવા પાણીની ઊંચી ટાંકી બનાવવાનું કામ હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત સુરત શહેરી વિકાસ સત્તામંડળ સુડા એ ગુજરાત શહેરી વિકાસ મિશન મારફતે રજુ કરેલી તળાવ વિકાસના 10 જેટલા કામોની રૂપિયા 36.69 કરોડની દરખાસ્તને પણ અનુમોદન આપ્યું છે. 

સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા બોર્ડની મંજૂરી મેળવવાની તેમજ આ કામોનું થર્ડ પાર્ટી ઇન્સપેકશન કરાવવાનું રહેશે એવું પણ નિર્ધારીત કરવામાં આવ્યું છે. એટલું જ નહિ, સુરત મહાનગરના દિન-પ્રતિદિન વધી રહેલા ટ્રાફિક ભારણના યોગ્ય સંચાલન માટે મુખ્યમંત્રીએ સુરત મહાનગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ મારફત રજુ કરેલી 8 ફલાય ઓવર નિર્માણની 390 કરોડ રૂપિયાની રિવાઇઝ્ડ દરખાસ્તને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news