AMC દ્વારા આયોજિત સાતમા રાષ્ટ્રીય પુસ્તકમેળાનું મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ઉદ્ઘાટન

30 નવેમ્બર સુધી ચાલનારા પુસ્તકમેળામાં 200થી વધુ સ્ટોલ, નગરજનોને આકર્ષવા માટે સરદાર પટેલની પ્રતિમા અને સરદાર સરોવર ડેમની પ્રતિકૃતિ મુકવામાં આવી, મુખ્યમંત્રીની હાજરી હોવા છતાં લોકો અને ભાજપના ધારાસભ્યો-કોર્પોરેટરોની પાંખી હાજરી કાર્યક્રમ દરમ્યાન ચર્ચાનો વિષય રહી

AMC દ્વારા આયોજિત સાતમા રાષ્ટ્રીય પુસ્તકમેળાનું મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ઉદ્ઘાટન

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત સાતમા રાષ્ટ્રીય પુસ્તકમેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, સતત ૬ વર્ષથી આ પુસ્તક મેળાને મળી રહેલી સફળતાએ પૂરવાર કર્યું છે કે, ગુજરાતીઓ ફક્ત લક્ષ્મીના આરાધક જ નહીં પરંતુ સરસ્વતીના ઉપાસક પણ છે. મુખ્ય મંત્રીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે, "રાજ્યના દરેક ગામ, શાળા અને હોસ્પિટલોમાં પણ પુસ્તક અને પુસ્તકાલય બનવા જોઇએ. પુસ્તકો લોકોની ઇચ્છા, જિજ્ઞાસા, આતુરતા વગેરેની તૃપ્તિ કરી મનનો ખોરાક બને છે. જે ઘરમાં પુસ્તક ન હોય તે ઘર સ્મશાનવત છે. પુસ્તકો વાચકને પ્રેરણા, વિચાર, ઉત્સાહ, ઉમંગ અને દિશા આપતા હોય છે. આજના આધુનિક યુગમાં સારા ગુરૂ મળવા મુશ્કેલ છે ત્યારે પુસ્તકો દ્વારા જ સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો." 

તેમણે વધુમાં જણાવ્યું કે, " સારા પુસ્તકો સમાજની સાંસ્કૃતિક પ્રગતિ કરાવે છે, તો વ્યક્તિગત જીવનમાં તે દિશા આપનારું પ્રેરક બળ બની રહે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પહેલાં કોર્પોરેશનો ફક્ત નળ, પાણી, ગટર વ્યવસ્થા જેવી ભૌતિક સુવિધાઓ ઊભી કરતા હતા. પરંતુ આજે લોકોને આત્મિક સુખ અને હ્દયનો આનંદ મળે તેવા પુસ્તક મેળાનું પણ આયોજન કરે છે તે અભિનંદનને પાત્ર છે." મુખ્યમંત્રીએ પુસ્તક મેળાના વિવિધ વિભાગોની મુલાકાત લઇ પુસ્તક વિશેને જાણકારી પણ મેળવી હતી. 

જોકે, કાર્યક્રમ દરમ્યાન સ્ટેજ ઉપર અને પ્રેક્ષક ગેલેરીમાં હોદ્દેદારો અને લોકોની ગેરહાજરી ઉડીને આંખે વળગે તેમ હતી. મુખ્ય સ્ટેજ પર ભાજપના 3 ધારાસભ્યો સિવાય મોટાભાગના કોર્પોરેટરો ગેરહાજર હતા. શહેર પ્રમુખ જગદીશ પંચાલ, ભુપેન્દ્ર પટેલ, રાકેશ શાહ, સુરેશ પટેલ, અરવિંદ પટેલ, પ્રદીપ પરમાર સહિતના ધારાસભ્યોની ગેરહાજરી ઊડીને આંખે વળગતી હતી. મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવા છતાં પણ લોકોની પાંખી હાજરીને જોતાં સંખ્યા બતાવવા માટે તંત્રને પોતાના જ કર્મચારીઓને બેસાડવાની ફરજ પડી હતી. ત્યારે પ્રાસંગીક વાતચીત બાદ મુખ્યમંત્રીને તેમના કાર્યક્રમમાં ભાજપના જ હોદ્દેદારોની ગેરહાજરી અંગે પુછવામાં આવતા તેમણે સંગઠનની ગેરહાજરી અંગે બચાવ કર્યો હતો. 

અમદાવાદના મેયર શ્રીમતી બિજલબેન પટેલે જણાવ્યું કે, "અમદાવાદનો રાષ્ટ્રીય પુસ્તકમેળો ફક્ત પુસ્તકોના વેચાણને બદલે સાહિત્યનું સરનામું બની ચૂક્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂઆત કરાવેલ આ પુસ્તક મેળો જુદા જુદા સાહત્યકારો સાથે વાચકોના મિલાપનું માધ્યમ બની ચૂક્યો છે." 

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નેહરાએ જણાવ્યું કે, "નગરજનો દ્વારા પુસ્તક મેળાને સતત વ્યાપક પ્રતિસાદ અને આવકાર મળી રહ્યો છે. આ પ્રતિસાદના કારણે પુસ્તક મેળો અમદાવાદ ઉપરાંત રાજ્યના સાહિત્ય રસિકોમાં લોકપ્રિય બન્યો છે." 

એએમસી દ્વારા સતત સાતમાં વર્ષે આયોજીત કરાયેલા પુસ્તકમેળામાં 200 જેટલા વિવિધ પ્રકાશકોના સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે. પુસ્તકમેળામાં તમામ પ્રકારના પુસ્તકોનો ખજાનો મળી રહે છે. સાથે જ પુસ્તકમેળમાં પ્રવેશતા સરદાર સરોવર ડેમની પ્રતિકૃતી અને સરદાર પટેલની પ્રતિમા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. આ ઉપરાંત, ગીરના સિંહો અને દાંડીકૂચની પ્રતિકૃતી પણ લોકોને આકર્ષી રહી છે. 

આ પુસ્તક મેળામાં બાળકો માટે અને રાઇટીંગ સ્કીલ માટેના અલગ સેમિનાર હોલ રાખ્યા છે. તો મુખ્ય ઓડિટોરીયમમાં દરરોજ આજે ૭ થી ૧૦ સુધી કવિ-સાહિત્યકારોના વિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ પુસ્તક મેળો આગામી તા. ૩૦મી નવેમ્બર, ૨૦૧૮ સુધી યોજાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news