કોંગ્રેસનો સરકાર પર પ્રહાર, પર્યાવરણના ભોગે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો માટે રેડ કાર્પેટ પાથરી છે

સાબરમતી નદીમાં દરરોજનું ૧૨૫ એમએલડી એટલે કે ૧૨ કરોડ ૫૦ લાખ લીટર અન-ટ્રીટેડ પાણી ઠલવાતા પ્રદુષિત થાય છે.

કોંગ્રેસનો સરકાર પર પ્રહાર, પર્યાવરણના ભોગે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો માટે રેડ કાર્પેટ પાથરી છે

ગૌરવ પટેલ/ અમદાવાદ: ગુજરાતની 96 નગર પાલિકાઓમાં ગટર વ્યવસ્થા નથી અને 155 નગર પાલિકાઓમાં ઘન કચરાનું પૃથ્થકરણ કરવામાં આવતુ નથી. ગુજરાત કાંગ્રેસે કેગના અહેવાલનો આધાર લઇ આ આક્ષેપ કર્યો કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે કેગના વર્ષ ૨૦૧૭ અહેવાલ મુજબ ૮ મહાનગરપાલિકાઓ પૈકી ૩ પાસે ઘન કચરા પર પ્રક્રિયા કરવાની કોઈ સુવિધા નથી અને ૪ મહાનગરપાલિકાઓ પાસે ઘનકચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની કોઈ સુવિધા નથી. સાથે જ સાબરમતી નદીમાં ઠલવાતા પ્રદુષણ યુકત પાણી અંગે કહ્યું કે નદીમાં દરરોજ ૧૨ કરોડ ૫૦ લાખ લીટર અન-ટ્રીટેડ પાણી ઠલવાઈ છે.

કેગના અહેવાલને આધાર બનાવતાં કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે ગુજરાતમાં પાણી પ્રદુષણ નિયંત્રણ ધારો-૧૯૭૪ હવા પ્રદુષણ નિયંત્રણ ધારો-૧૯૮૧ અને પર્યાવરણ સંરક્ષણ ધારા-૧૯૮૬નું મહંદઅંશે અમલીકરણ થતું  ન હોવાથી ગુજરાતના નાગરીકો ભોગ બની રહ્યા છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના વર્ષ ૨૦૧૫-૨૦૧૬ના અહેવાલ મુજબ સાબરમતી નદી અમદાવાદ શહેરમાં પ્રવેશે તે પહેલાં હાંસોલ બ્રિજ ખાતે બીઓડી(બાયોકેમીકેલ ઓકસીજન ડિમાન્ડ)ની માત્રા ૨.૬ છે અને સીઓડી(કેમીકલ ઓક્સીજન ડિમાન્ડ)ની માત્રા ૨૩ છે. 

સાબરમતીનું પાણી હાંસોલથી અમદાવાદ શહેર પાસ થઇ અને મિરોલી ગામ પહોંચી ત્યારે બીઓડી ૨.૬ માંથી ૪૭.૦૫ અને સીઓડીની માત્રા ૨૩ થી વધીને ૧૭૦ થઇ જાય છે એટલે કે બીઓડીમાં ૧૯ ગણો વધારો થાય છે અને સીઓડીની માત્રામાં ૭.૫ ગણો વધારો થાય છે. જને લઇને હાંસોલ બ્રિજ ખાતે પાણીની ગુણવત્તાઓ બી ગ્રેડ અને પાણીનો રંગ આછો વાદળી હોય છે તે મિરોલી ગામ અને વૌઠા ખાતે પહોંચતા પાણીની ગુણવત્તા સી ગ્રેડ અને રંગ લીલો થઇ જાય છે.

અમદાવાદની જીઆઇડીસીમાં કેમીકલ ઉદ્યોગોનો વિકાસ થયો હોવાથી તેના નિકાલ માટે ખાસ વ્યવસ્થાના ભાગ રૂપે નરોડાથી લઇને સાબરમતી સુધીની ૨૭ કિ.મી. લાંબી મેગા પાઈપલાઈન નાંખવામાં આવી જેનો ઉપયોગ  જેનો ઉપયોગ માત્ર ઈન્ડસ્ટ્રીયલ એફલ્યુએન્ટ માટે જ કરવાનો હતો પરંતુ તેમાં ઘણા ડોમેસ્ટીક જોડાણો પણ અપાયા છે. આ લાઈનમાં વારંવાર ઓવરફલો તથા ભંગાણ થાય છે.

કોંગ્રેસ પ્રવક્તાએ સવાલ કર્યો કે ઓઢવ મેગા લાઈનમાં તો એફલ્યુએન્ટ નોર્મ્સમાં આવે છે. પરંતુ એએમસીની ડોમેસ્ટીક તથા સ્ટોર્મ વોટર ડ્રેઈન ઉપયોગ ત્યાંની કંપનીઓ પોતાનું એફલ્યુએન્ટ છોડવામાં કરે છે તેવાં ઘણાં રીપોર્ટ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં થયા હોવા છતાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કેમ કોઇ નક્કર પગલાં લેવામાં આવતા નથી? સાબરમતી નદીમાં દરરોજનું ૧૨૫ એમએલડી એટલે કે ૧૨ કરોડ ૫૦ લાખ લીટર અન-ટ્રીટેડ પાણી ઠલવાતા પ્રદુષિત થાય છે.

કોંગ્રેસ પ્રવક્તાએ સરકારને ટાર્ગેટ કરતાં કહ્યું કે કે જળ વાયુ પરિવર્તન અને ક્લાઇમેન્ટ ચેન્જની વાતો કરતી ભાજપા સરકારે પર્યાવરણના ભોગે વિકાસના નામે પ્રદુષણ ફેલવાતા ઉદ્યોગો માટે રેડ કાર્પેટ પાથરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news