હવે કોંગ્રેસનું 24 કલાકના ઉપવાસનું અલ્ટીમેટમઃ સરકાર અહંકાર છોડી વાટાઘાટો માટે આગળ આવે - પરેશ ધાનાણી

હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને આજે 13મો દિવસ છે. સાંજે કોંગ્રેસના ધારાસભ્યોનું એક પ્રતિનિધિમંડળ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યું હતું અને ઉપવાસ આંદોલન સહિતના અનેક મુદ્દે તેમની સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. આ સાથે જ કોંગ્રેસ દ્વારા સરકારને 24 કલાકના ઉપવાસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે ગઈકાલે સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું કે, સરકાર જો વાટાઘાટો નહીં કરે તો તે 24 કલાક બાદ પાણીનો ત્યાગ કરશે. હવે એ જોવાનું છે કે સરકાર હાર્દિક સાથે ક્યારે વાટાઘાટોની શરૂઆત કરે છે.

હવે કોંગ્રેસનું 24 કલાકના ઉપવાસનું અલ્ટીમેટમઃ સરકાર અહંકાર છોડી વાટાઘાટો માટે આગળ આવે - પરેશ ધાનાણી

ગાંધીનગરઃ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને આજે 13મો દિવસ છે. સાંજે કોંગ્રેસના ધારાસભ્યોનું એક પ્રતિનિધિમંડળ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યું હતું અને ઉપવાસ આંદોલન સહિતના અનેક મુદ્દે તેમની સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. આ સાથે જ કોંગ્રેસ દ્વારા સરકારને 24 કલાકના ઉપવાસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે ગઈકાલે સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું કે, સરકાર જો વાટાઘાટો નહીં કરે તો તે 24 કલાક બાદ પાણીનો ત્યાગ કરશે. હવે એ જોવાનું છે કે સરકાર હાર્દિક સાથે ક્યારે વાટાઘાટોની શરૂઆત કરે છે. 

મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્રકારોને જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યોનું પ્રતિનિધિમંડળ હાર્દિક પટેલના ઉપવાસ અને તેની લથડતી તબિયતને લઈને મુખ્યમંત્રીને મળ્યું હતું. કોંગ્રેસ દ્વારા ખેડૂતોનાં વિવિધ પ્રશ્નો મુદ્દે મુખ્યમંત્રીને વાકેફ કરાયા હતા. જેમાં, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી, ખેતરે સિંચાઈનું પાણી મળતું નથી અને પુરતી વિજળી ન હોવાને કારણે તેઓ સિંચાઈ કરી શકતા નથી. 

સેટેલાઈટ માપણીને લઈને અનેક વિસંગતતાઓ તથા કાયદાકીય સવાલો ઊભા થયા છે. ખેડૂતની જમીન જમીનમાફીયાઓ લૂંટી જાય ત્યારે ખેડૂતને મોતને વ્હાલું કરવું પડે છે. કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સંપૂર્ણ દેવામાફીની માગ કરાઈ છે. 

પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું કે, માનનીય મુખ્યમંત્રીને ગુજરાતના ખેડૂતોને ન્યાય આપવા માટે માગણી કરાઈ છે. છેલ્લા 13 દિવસથી રાજ્યના અન્નદાતાનો એક પૂત્ર અન્નનો ત્યાગ કરીને ઉપવાસ કરી રહ્યો છે ત્યારે તેની સાથે સીધી વાતચીત કરીને સમસ્યાનું સરળતાથી નિરાકરણ લાવવા વિનંતી કરી છે. સરકાર ખેડૂતના દીકરાને જીવતદાન બક્ષે. 

ભારતીય જનતા પાર્ટીની સંવેદનહીન સરકાર અહંકારનો ત્યાગ કરીને હાર્દિક પટેલ સાથે સીધી વાટાઘાટો કરે, અલ્પેશ સહિતના જે પાટિદાર યુવાનોને ખોટા કેસ દ્વારા જેલમાં પુરવામાં આવેલા છે તેમને છોડવામાં આવે, પાટિદારોને અનામત આપવા અંગે અને ખેડૂતોની દેવા માફીની હાર્દિકની માગણી પર સરકારે વિચાર કરવો જોઈએ. ગુજરાતના ગરીબ યુવાનોને પુરતી સવલતો અને રોજગાર પ્રાપ્ત થાય તેના માટે સરકાર સમક્ષ માગ કરી છે. 
 
કોંગ્રેસનું પણ અલ્ટીમેટમઃ 

જો સરકાર અમારી માગણી પર ધ્યાન નહીં આપે તો કોંગ્રેસ રાજ્યના તમામ જિલ્લા મથકોએ આવતીકાલે 7 સપ્ટેમ્બરે 11 કલાકથી થી 8 સપ્ટેમ્બર 11 કલાક સુધી 24 કલાકનું ઉપવાસ આંદોલન કરશે એવી જાહેરાત પણ પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી હતી.  

સરકારની બાહેંધારીઃ સિદ્ધાર્થ પટેલ 
આજે 13 દિવસ થયા બાદ પણ ગુજરાત સરકારના પેટનું પાણી હલતું નથી. ગુજરાતના હિતમાં, ગુજરાતના લોકશાહી મુલ્યોના જતન માટે એવી પરિસ્થિતિ ગુજરાતમાં ઉભી ન કરો કે વાટાઘાટોની પ્રથા બંધ થઈ જાય. સાથે-સાથે સરકારનો વિરોધ કરનારા વ્યક્તિને રાષ્ટ્રદ્રોહી ઠેરવવામાં આવે એવી પરિસ્થિતિ ઊભી ન થાય તેવી અમે સરકારને વિનંતી કરી છે. સિદ્ધાર્થ પટેલે જણાવ્યું કે, તમામ રજૂઆત મુખ્યમંત્રીએ સાંભળી છે અને સકારાત્મક વલણ દાખવ્યું છે. આ અંગે જે કંઈ શક્ય હોય એવા પગલાં લેવાની મુખ્યમંત્રીએ બાંહેધારી આપી છે.

હવે, જોવાનું એ રહે છે કે, સરકાર વાટાઘાટોની પહેલ કરે છે કે નહીં? જો સરકાર વાટાઘાટો કરવા જશે તો હાર્દિક માની જશે કે પછી તે પોતાની હઠ પકડી રાખીને સરકારને મનાવશે.

હાર્દિક પટેલની ત્રણ મુખ્ય માગણી
1. પાટિદારોને બંધારણિય રીતે અનામત આપવામાં આવે. 
2. ખેડૂતોને સંપૂર્ણ દેવામાફી થાય
3. અલ્પેશ સહિત જે પાટીદાર યુવાનોને જેલમાં પુરેલા છે તેમના કેસ પાછા ખેંચી મુક્ત કરવામાં આવે 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news