પદ્માવત વિવાદ:ગુજરાત સહિત 4 રાજ્યો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી, સોમવારે સુનાવણી

ફિલ્મ સામે થઈ રહેલા વિરોધ પ્રદર્શનને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે બે અરજીઓ દાખલ કરવામાં આવી છે જેની સુનાવણી સોમવારે હાથ ધરાશે.

પદ્માવત વિવાદ:ગુજરાત સહિત 4 રાજ્યો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી, સોમવારે સુનાવણી

નવી દિલ્હી: ભારે વિવાદ અને વિરોધ પ્રદર્શન વચ્ચે 'પદ્માવત' ફિલ્મ આજે રિલીઝ થઈ ગઈ. જો કે વિરોધનો વંટોળ અને વિવાદના વાદળો હજુ છવાયેલા જ છે. મામલો વધુ મોટો થતો જાય છે. ફિલ્મ સામે થઈ રહેલા વિરોધ પ્રદર્શનને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે બે અરજીઓ દાખલ કરવામાં આવી છે જેની સુનાવણી સોમવારે હાથ ધરાશે. અરજીમાં પદ્માવતને લઈને થઈ રહેલી હિંસા પર કોર્ટ આદેશની અવગણનાનો કેસ ચલાવવાની માગણી કરવામાં આવી છે. પહેલી અરજી કોંગ્રેસના નેતા તહસીન પુનાવાલા તરફથી કરવામાં આવી છે. આ અરજીમાં ચાર રાજ્યોમાં પદ્માવતને લઈને થયેલી હિંસાનો ઉલ્લેખ કરાયો છે. 

તહસીન પુનાવાલા તરફથી કરવામાં આવેલી અરજીમાં ચાર રાજ્યોમાં થયેલી હિંસાનો હવાલો આપીને જણાવાયું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં સતત હિંસાની ઘટનાઓ થઈ રહી છે. રાજ્ય સંપૂર્ણ રીતે આ ઘટનાને રોકવામાં નિષ્ફળ રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. અરજીમાં એવી માગણી કરવામાં આવી છે કે આ રાજ્યોના ચીફ સેક્રેટરી, હોમ સેક્રેટરી અને ડીજીપીને કોર્ટમાં તલબ કરવામાં આવે. 

— ANI (@ANI) January 25, 2018

બીજી અરજી વિનીત ઢાંડા તરફથી સુપ્રીમમાં દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવાયું છે કે ફિલ્મની રિલીઝને સુપ્રીમ કોર્ટ દ્વારા લીલી ઝંડી મળી હોવા છતાં હિંસા થઈ રહી છે. વિનીતે રાજપૂત કરણી સેનાના ત્રણ નેતાઓ સૂરજપાલ, કરણસિંહ અને લોકેન્દ્ર સિંહ કલવી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના આદેશની અવગણનાનો મામલો ચલાવવાની માગણી કરી છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું છે કે તેઓ સોમવારે આ મામલે સુનાવણી હાથ ધરશે.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news