કોરોના દર્દીઓને મળશે VIP ટ્રીટમેન્ટ, રાજકોટના બિલ્ડરો અને ઉદ્યોગકારોની અનોખી પહેલ

રાજકોટમાં કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો મેદાને આવ્યા છે. શહેરનાં આકાશવાણી ચોકમાં આવેલી એસ.એન.કે સ્કુલમાં ખાતે 200 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરી છે

Updated By: May 5, 2021, 04:21 PM IST
કોરોના દર્દીઓને મળશે VIP ટ્રીટમેન્ટ, રાજકોટના બિલ્ડરો અને ઉદ્યોગકારોની અનોખી પહેલ
  • 500 બેડમાંથી 200 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ
  • વહીવટી તંત્ર 3 ટન ઓક્સિજન આપે તો 500 બેડ શરૂ થઈ શકે

ગૌરવ દવે/ રાજકોટ: રાજકોટમાં કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો મેદાને આવ્યા છે. શહેરનાં આકાશવાણી ચોકમાં આવેલી એસ.એન.કે સ્કુલમાં ખાતે 200 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરી છે. જોકે વહીવટી તંત્ર દ્વારા જો 3 ટન ઓક્સિજન પૂરું પાડવામાં આવે તો 500 બેડની હોસ્પિટલ શરૂ થઈ શકે છે. રાજકોટના બિલ્ડરો અને ઉદ્યોગપતિની આ પહેલમાં એક પણ રૂપિયો દર્દી પાસે થી લીધા વગર VIP સારવાર આપવામાં આવી રહી છે. 

રાજકોટ બિલ્ડર એસોસિએશન, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, રાજકોટ એન્જીનિયરીંગ એસોસિએશન અને શાપર વેરાવળ ઔદ્યોગિક એસોસિએશન સહિતનાં ઉદ્યોગપતિઓ દ્વારા 500 બેડની આધુનિક સુવિધાથી સજ્જ કોવિડ હોસ્પિટલ શરૂ કરવાનો નિર્ધાર કર્યો છે. જોકે ઓક્સિજન માટે હોસ્પિટલમાં જ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રાજકોટ બિલ્ડર ઓસો.નાં પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલોમાં બેડ ન મળવાની ફરીયાદો ઉઠી હતી ત્યારે જીલ્લા વહિવટી તંત્રની મંજૂરી લઇને ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો દ્વારા એચ.સી.જી હોસ્પિટલનાં સહયોગ થી કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. હાલ 50 બેડ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જ્યારે 200 બેડની સુવિધા સંપૂર્ણ રીતે તૈયાર કરી દેવામાં આવી છે. જ્યારે સમયાંતરે 500 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો:- જામનગરથી ચોથી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન રવાના, રિલાયન્સ દ્વારા 5 ટેન્કર દિલ્હી મોકલાયા

3 ટન ઓક્સિજન આપે તો 500 બેડ શરૂ થઈ શકે
ઉદ્યોગપતિ પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઓક્સિજનની અછતને ધ્યાનમાં રાખીને ઓક્સિજન પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યો છે. જો વહિવટી તંત્ર દ્વારા 3 ટન ઓક્સિજન ફાળવવામાં આવે તો તમામ 500 બેડની સુવિધા શરૂ થઇ શકે તેમ છે. દર્દીઓને દાખલ કરવા માટે કોવિડ સેન્ટર દ્વારા હેલ્પ લાઇન પર 12 ઓપરેટરને બેસાડવામાં આવ્યા છે. જેથી આસાનીથી દર્દીઓ દાખલ થઇ શકે. હાલ હોસ્પિટલ પાસે આઇ.સી.યુની સુવિધા ન હોવાથી ક્રિટીકલ દર્દીઓને દાખલ કરવામાં આવતા ન હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો:- રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં 62 દર્દીઓના મોત, ડેથ ઓડિટ બાદ કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો કરાશે જાહેર

કઈ રીતે દાખલ કરી શકાશે દર્દીને
કોવિડ કેર સેન્ટર ની શરૂઆત 50 બેડ થી કરવામાં આવશે. દાખલ થનાર દર્દીને સેન્ટર ખાતે સીધા લાવી નહિ શકાય તે માટે દર્દી અથવા તો તેમના પરિવારજનોએ સેન્ટરના નંબર 6358845684 પર કોલ કરવાનો રહેશે. એડમિશન માટેની ફોન લાઈન રોજ સવારે સવારે 8 વાગ્યે શરૂ થશે. સેન્ટર માં ફોન પર હાજર વ્યક્તિ જેટલા બેડ ની કેપિસિટી જે તે દિવસની હશે તેટલા જ કોલ એટેન્ડ કરશે. જો આપ ફોન કરો ત્યારે રેકોર્ડિંગ સાંભળવા મળે તો દર્દી અથવા તેમના પરિજનોએ માનવું કે બેડ ફૂલ થઇ ચુક્યા છે. જે માટે તેઓ ફરી બીજા દિવસે સવારે 8 વાગ્યે એડમિશન ફોન લાઈન શરૂ થાય ત્યારે પ્રયત્ન કરવાનો રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube