વડોદરામાં મગરોનો શહેરમાં ફરવાનો સમય થઈ ગયો... પાણી ભરાતા જ બહાર આવ્યા આ મહેમાનો

Vadodara Crocodiles :  વરસાદ પડતાની સાથે જ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના ચાલુ થયા છે. ત્યારે પાણી ભરાતાની સાથે જ મગરો રોડ ઉપર ફરવા આવી ગયા છે. હાલ વડોદરામાં અનેક સ્થળે મગરો દેખાઈ રહ્યા છે, જેમને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં છે

વડોદરામાં મગરોનો શહેરમાં ફરવાનો સમય થઈ ગયો... પાણી ભરાતા જ બહાર આવ્યા આ મહેમાનો

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા અને મગર એકબીજાના પર્યાય છે. કહેવાય છે કે, દુનિયામાં સૌથી વધુ મગર વડોદરાની વિશ્વામિત્રી નદીમાં છે. આથી જ જ્યારે ચોમાસામાં પાણી ભરાઈ જાય તો પાણીમાંથી મગર બહાર નીકળે છે. આ દિવસોમાં મગરો બહાર નીકળવાના અનેક બનાવો બનતા હોય છે. જેના બાદ તેમને રેસ્ક્યૂ કરાતા હોય છે. વડોદરામાં પાણી ભરાય એટલે ગલીઓમાં મગર તરતા જોવા મળે છે. આવા દ્રશ્યો દુનિયામાં ક્યાંય જોવા મળતા નથી. તેથી જ વડોદરા મગરોની નગરી પણ કહેવાય છે. ત્યારે ફરી એકવાર વડોદરામાં વડોદરામાં વરસાદના પાણી ભરાતાં મગર નીકળવાનો સિલસિલો ચાલુ થયો છે. 

વડોદરા શહેરમાં દિવસ દરમિયાન હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ પડતાની સાથે જ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના ચાલુ થયા છે. ત્યારે હવે વડોદરાના મગરોનો શહેરમાં ફરવાનો સમય થઈ ગયો છે. પાણી ભરાતાની સાથે જ મગરો રોડ ઉપર ફરવા આવી ગયા છે. હાલ વડોદરામાં અનેક સ્થળે મગરો દેખાઈ રહ્યા છે, જેમને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં છે. 

વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તાના પૂજા પાર્ક ગાર્ડન પાસે ગઈકાલે મગર આવ્યો હતો. મગર આવતા લોકોએ વનવિભાગની ટીમને જાણ કરી હતી હતી. વન વિભાગની ટીમે સાડા ચાર ફૂટ મગરનું રેસ્કયુ કર્યું હતું. મગર આવતા લોકોના ટોળા જામ્યા હતા. મગર આવતા લોકો ભયભીત થયા હતા

તો વાઘોડિયા રોડ પર આવેલ વરસાદી ગટરમાંથી મગર મળી આવ્યો હતો. શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ પૂજા પાર્ક સોસાયટી પાસે વરસાદી ગટરમાં મગર આવી ચઢ્યો હતો. આશરે સાડા ચાર ફૂટ લાંબો મગર વરસાદી ગટરમાંથી મળી આવ્યો હતો. પાણીના નિકાલ માટે ગટરનું ઢાકનું ખોલતા જ મગર જોવા મળ્યો હતો. સ્થાનિકો દ્વારા ફોરેસ્ટ વિભાગમાં જાણ કરતા ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. 

તો પાદરાની ઢાઢર નદી વિસ્તારના ગામોમાં એકા એક મગરો બહાર આવ્યા છે. પાણીનો પ્રવાહ વધુ હોવાથી મગરો બહાર નીકળી રહ્યા છે. પાદરાના ઠીકરીયામઠ ગામમાંથી રહેણાંક વિસ્તારમાંથી 11 ફૂટ લાંબો વિશાળ મહાકાય મગર ઝડપાયો છે. મહાકાય મગર ઘુસી આવતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. જેના બાદ પાદરા ફોરેસ્ટ વિભાગ અને જીવરક્ષક સંસ્થાની ટીમો દ્વારા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભારે જહમત બાદ 11 ફૂટ લાંબા મગરને ઝડપીને પાંજરામાં પુરવામાં આવ્યો હતો. મગરને પાદરા ફોરેસ્ટ વિભાગ ખાતે લાવવામાં આવતા લોકોના મોટા પ્રમાણમાં ટોળા જામ્યા હતા. ફોરેસ્ટ વિભાગના સૌથી મોટા પાંજરામાં મગરને મૂકવામાં આવ્યો છતાં તે એટલો મોટો હતો કે, તેનો પૂંછડીનો ભાગ બહારની બાજુ રાખવો પડ્યો. પાદરામાંથી પસાર થતી ઢાઢર નદીના પ્રવાહમાં પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે મગરો નદી કિનારે આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવતા હોવાનું પણ જાણવા મળ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news