જીરું પકવનારા ખેડૂતોની ઝોળીમાં આવી મોટી ખુશી, માલામાલ થઈને માર્કેટયાર્ડથી ઘરે ગયા
Farmers gets high price for cumin seed : મસાલાનાં હબ તરીકે જાણીતા ઊંઝા માર્કેટ યાર્ડમાં ચાલુ વર્ષે જીરામાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ગત વર્ષે જીરાનો ભાવ 4000 રૂપિયા આસપાસ હતો, જે આ વર્ષે જીરાનો 20 કિલોનો ભાવ 8000 કરતાં વધુ પહોંચ્યો છે
Trending Photos
Mehsana News તેજસ દવે/મહેસાણા : મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ આસમાને પહોંચ્યા છે. અત્યાર સુધીના ઇતિહાસમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરા નો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. હાલમાં જીરાના ભાવમાં પ્રતિ 20 કિલો જીરાનો ભાવ 8000 કરતાં વધુ પહોચ્યાં છે. ઉંઝા APMC માં છેલ્લા 1 મહિનામાં જીરાના ભાવમાં ભારે તેજી જોવા મળી રહી છે. 1 મહિનામાં જીરાનાં ભાવમાં 20 કિલોએ 2000 ની તેજી જોવા મળી રહી છે. ગત વર્ષે ઉત્પાદન વધુ હતું પરંતુ ભાવ ઓછા હતા. ત્યારે ચાલુ વર્ષે માવઠા ના કારણે ઉત્પાદન ઓછું છે પણ ભાવ વધતા ગત વર્ષ કરતા પણ ખેડૂતોને ભાવ સારા મળતાં ખેડૂતો નફો રળી રહ્યા છે. તો બીજી તરફ, સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જીરુની આવક થવા પામી હતી અંદાજે 3500 થી 4000 ગુણી જીરૂની આવક થવા પામી હતી. હરાજીમાં ખેડૂતોને નીચા ભાવ 7700 થી હાઈએસ્ટ ભાવ 9076 સુધીના બોલાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી.
ઊંઝા માર્કેટમાં યાર્ડમાં ખેડૂતો ખુશ
ઊંઝા માર્કેટ યાર્ડમાં ખાસ કરીને ગુજરાત સહિત રાજસ્થાન, મધ્ય પ્રદેશનાં ખેડૂતો પોતાનો માલ લઈને અહી આવે છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં રોકડા નાણા અને સારા ભાવ મળતા ખેડૂતો દૂર દૂરથી પોતાનો માલ વેચવા માટે અહી આવે છે. ખેડૂતોને હાલ જીરાનાં ઐતિહાસિક ભાવ મળતા ખુશ છે. અત્યાર સુધી ખેડૂતોએ જોયા નાં હોય તેવા ભાવ ખેડૂતોને હાલમાં મળી રહ્યા છે.
મસાલાનાં હબ તરીકે જાણીતા ઊંઝા માર્કેટ યાર્ડમાં ચાલુ વર્ષે જીરામાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ગત વર્ષે જીરાનો ભાવ 4000 રૂપિયા આસપાસ હતો, જે આ વર્ષે જીરાનો 20 કિલોનો ભાવ 8000 કરતાં વધુ પહોંચ્યો છે. આ વર્ષે સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જીરાના પાકમાં ભારે નુકશાન પહોચ્યું છે તો બીજી બાજુ આ વર્ષે ખેડૂતો દ્વારા વાવણી પણ ઓછી કરવામાં આવી હતી અને તેની સામે ઉતારો પણ ઓછો ઉતર્યો હતો અને હાલમાં વેપારીઓ પાસે પણ સ્ટોક ન હોવાને કારણે સતત જીરાના પાકમાં તેજી જોવા મળી રહી છે.
ઊંઝા માર્કેટયાર્ડમાં હાલ જીરાની 40,000 થી 1 લાખ બોરી સુધીની આવક નોંધાઈ રહી છે, તો બીજી બાજુ હાલમાં વરીયાળી ઇસબગુલ સહિત અન્ય પાકોની પણ ભારે આવક નોંધાઇ રહી છે. ઇસબગુલમાં પણ હાલમાં ભારે તેજી જોવા મળી રહી છે ઇસબગુલમાં હાલમાં ભાવ 4,000 થી વધુ બોલાઈ રહ્યો છે.
ગોંડલ માર્કેટ યાર્ડમાં આટલો ભાવ બોલાયો
ગોંડલ માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણમાં આવક થવા પામી હતી.ત્યારે આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જીરૂની સારી એવી આવક થવા પામી હતી. સૌરાષ્ટ્રમાં જીરું નું ઉત્પાદન ઓછું હોય જેને લઈને હરાજીમાં ખેડૂતોને સારા અને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે. આજરોજ જીરુની હરાજીમાં ખેડૂતોને 20 કિલોના ભાવ રૂપિયા 9076 સુધીના ઉંચા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પોતાના માલનો પુરતો ભાવ મળતો હોય જેને લઈને ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી કરતા હોય છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ, ગિર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી સહિતના જીલ્લાઓ માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા આવતા હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે