સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
રાજ્ય સરકારના એક નિર્ણય બાદ દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદરના ખારવા સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની ચમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે 26 ડિસેમ્બરે ખારવા સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
Trending Photos
અજય શીલુ, પોરબંદરઃ જેતપુરના સાડી ઉદ્યોગ કેમિકલયુક્ત પાણીને પોરબંદરના દરિયામાં ઠાલવવાની યોજનાને લઇને સરકાર દ્વારા થઇ રહેલી કામગીરીને લઇને ખારવા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આગામી 26 ડિસેમ્બરના રોજ પોરબંદર સહિત રાજ્ય ભરના દરિયા કાંઠાના ગામો બંધ પાળી વિરોધ નોંધાવશે. સમસ્ત ગુજરાત ખારવા સમાજના પ્રમુખની ઉપસ્થિતિમાં પોરબંદર ખાતે યોજાયેલા બે દિવસીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોઇપણ સંજોગોમાં આ પાણી દરિયામાં ઠાલવવાની યોજના સાકાર નહીં થવા દઈએ તેને લઈને ખારવા સમાજે મક્કમ નિર્ધાર કર્યો છે.
ખારવા સમાજ સહિત સામાજીક સંસ્થાઓના વિરોધ વચ્ચે પણ રાજ્ય સરકાર દ્વારા સરકાર ડીપ સી મારફત જેતપુરના કેમીકયુક્ત પાણીને પોરબંદરના દરિયામાં ઠાલવવાની યોજનાને લઇને જમીન સંપાદન સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રોજેક્ટ જો અમલી થશે તો પોરબંદર સહિત આસપાસના દરિયાઇ જીવસૃષ્ટિને ખાસ કરીને માછીમારોને મોટો ફટકો પડશે. સમસ્ત ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પવન શિયાળની અધ્યક્ષતામાં પોરબંદર ખાતે બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી સમયમાં આ મામલે કેવા પગલાં લેવા તેને લઈને ચર્ચા વિચારણા બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, આગામી 26 ડિસેમ્બરના રોજ પોરબંદર સહિત રાજ્ય ભરના દરિયા કાંઠાના ગામો બંધ પાળી કલેકટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવશે. સાથે જ આગામી સમયમાં સરકાર નહીં માને તો કોર્ટના દ્વાર પણ ખખડાવવા માટે સહમતી થઈ હતી.
સમસ્ત ગુજરાત ખારવા સમાજના પ્રમુખ ઉપપ્રમુખ સહિતની આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના ખારવા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક બાદ સમસ્ત ખારવા સમાજના ઉપ પ્રમુખ જીતુ કુહાડાએ જણાવ્યું હતું કે, આ પ્રશ્ન ન માત્ર પોરબંદરનો પરંતુ સમગ્ર ગુજરાતનો છે કારણ કે આ પાણી આ દરિયામાં ઠાલવવામાં આવશે તો તેનાથી સમગ્ર ગુજરાતનો દરિયો પ્રદુષિત થશે. દરિયા સાથે લાખો માછીમારોનો રોજગાર દરિયા સાથે જોડાયેલ છે. જો કેમીકલ યુક્ત પાણી દરિયામાં છોડવામાં આવશે તો દરિયામાં માછલીઓ જ ખતમ થઇ જશે તો અમે લોકો ક્યાં જશુ તેવા સવાલો તેઓએ કર્યા હતા. ખારવા સમાજ હંમેશા હિન્દુવાદી વિચારધારા સાથે જોડાયેલ રહ્યો છે. ખારવા સમાજે ખોબલે ખોબલે ભાજપને મત આપ્યા છે. પરંતુ આમ છતાં સરકાર કેમ આ રીતે કામગીરી કરી રહી છે તે સમજાતું નથી. ખારવા સમાજ માછીમારો યોજના રદ કરવા માટે જે પણ કરવું પડશે તે કરીશું રસ્તા રોકો કરવું પડે કે જેલમાં જવું પડે પરંતુ કોઈ પણ સંજોગોમાં આ પ્રોજેક્ટને સફળ નહીં દવા દઇએ તેમ તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો.
જેતપુરના કેમીકલ યુક્ત પાણીને લઈને ખારવા સમાજ સહિત પોરબંદરની સેવ પોરબંદર સી સહિત સંસ્થાઓ તથા સમગ્ર પોરબંદર જિલ્લાના તમાંમ લોકોમા એક જ સુરે આ પ્રોજેક્ટને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. હવે ન માત્ર પોરબંદર પરતુ સમસ્ત ગુજરાતના દરિયાકાંઠે ખારવા સમાજે વિરોધનું રણશિંગું ફુંકી દીધું છે ત્યારે આગામી સમયમાં આ મામલે સરકાર શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે