ગુજરાતની 8,030 ગ્રામ પંચાયતોમાં આંગળીની ટેરવે થશે કામ, મોદીએ એવું કર્યું કે હવે પાકિસ્તાન પણ ફફડશે

PM Modi Gujarat Visit: મહેસાણાના તરભ ખાતે શ્રી વાળીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અવસરે ₹13,000 કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત.જેમાં ભારતનેટ ફેઝ-2 હેઠળ રૂ. ૨૦૪૨ કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું, જેનાથી રાજ્યની ૮,૦૩૦ ગ્રામ પંચાયતોને લાભ મળશે.

ગુજરાતની 8,030 ગ્રામ પંચાયતોમાં આંગળીની ટેરવે થશે કામ, મોદીએ એવું કર્યું કે હવે પાકિસ્તાન પણ ફફડશે

ઝી બ્યુરો/મહેસાણા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે અને આજે તેઓએ મહેસાણાના તરભ ખાતે શ્રી વાળીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અવસરે ₹13,000 કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું છે કે ભારતની વિકાસયાત્રાનો વર્તમાન કાલખંડ આજે મહત્ત્વપૂર્ણ બની રહ્યો છે. આજે દેશભરમાં દેવકાર્ય સાથે દેશકાર્ય તેજ ગતિથી આગળ વધી રહ્યાં છે. 

વિકાસ ઉત્સવથી યુવાનોને રોજગારી
તેમણે જણાવ્યું હતું કે આજે શ્રી વાળીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠાનો ધર્મોત્સવ વિકાસનો આગવો ઉત્સવ બની રહ્યો છે. આજના વિકાસ ઉત્સવથી યુવાનોને રોજગારીના નવા અવસરો પ્રાપ્ત થશે એટલું જ નહીં, લોકોનું જીવન સરળ બનશે.  મોદીએ આ અવસરે જણાવ્યું હતું કે મંદિર માત્ર પૂજાપાઠના સ્થાન નહીં, પરંતુ હજારો વર્ષ પુરાણી સાંસ્કૃતિક પરંપરા અને આધ્યાત્મિક ચેતનાના પ્રતીક છે. 

વડનગરમાં 2800 વર્ષ જૂના માનવ વસ્તીના પ્રમાણો મળ્યા
પીએમ મોદીએ જણાવ્યું હતું કે આપણી ઐતિહાસિક વિરાસતો માત્ર ઇતિહાસને સમજવાના પ્રતીક માત્ર નથી, પરંતુ ભાવિ પેઢીને ઇતિહાસ સમજવા, દેશની સંસ્કૃતિ સમજવાના પ્રેરણાસ્રોત સમાન છે. તેમણે ઉમેર્યું હતું કે વડનગરમાં 2800 વર્ષ જૂના માનવ વસ્તીના પ્રમાણો મળ્યા છે.  ધોળાવીરામાં પ્રાચીન ભારતના દિવ્ય દર્શન થાય છે. આ વિરાસતો ભારતનું ગૌરવ છે અને આપણને આપણા સમૃદ્ધ વારસા પર ગર્વ છે,  વિકસિત ભારતના નિર્માણનો અમારો આજનો પ્રયાસ ભાવિ પેઢી માટે રાષ્ટ્રની વિકાસ યાત્રાને સમજવા માટે વિરાસત રૂપ બની રહેશે. આધુનિક રસ્તા, રેલવે લાઇન, આધુનિક આંતર માળખાકીય સુવિધા વિકસિત ભારતનો ધોરીમાર્ગ બનશે.

બલદેવગીરી બાપુનું સપનું સાકાર
દેશભરમાંથી ઉપસ્થિત રબારી સમાજના લોકોનું ગુજરાતની ધરા ઉપર સ્વાગત કરતા તેમણે ઉમેર્યું હતું કે, આજે વિકાસ સાથે જોડાયેલા રૂ.13,000 કરોડના વિવિધ વિકાસકામોનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે. આ પ્રોજેક્ટમાં રેલવે, ટ્રાન્સપોર્ટ, રોડ, પાણી, રાષ્ટ્રીય સુરક્ષા, શહેરી વિકાસ, ટુરિઝમ જેવા અનેક મહત્ત્વનાં વિકાસ કામો જોડાયેલાં છે. હું આ પવિત્ર ધરતી ઉપર એક દિવ્ય ઊર્જાનો અનુભવ કરી રહ્યો છું તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, આ ઊર્જા આધ્યાત્મિક ચેતનાથી આપણને જોડે છે. જેના સંબંધ ભગવાન કૃષ્ણ અને ભગવાન મહાદેવજી સાથે પણ છે. તેમણે જણાવ્યું હતું કે આજે બલદેવગીરી બાપુનું સપનું સાકાર થઈ રહ્યુ છે.

સરકાર દેશમાં જીવનને સરળ બનાવવા કામે લાગી
આજે દેશ સૌનો સાથ, સૌના વિકાસના મંત્ર ઉપર ચાલી રહ્યો છે. સરકાર દેશમાં જીવનને સરળ બનાવવા માટે કામે લાગી છે, તેવું કહી જણાવ્યું હતું કે, મોદીની ગેરંટીનું લક્ષ સમાજના છેવાડાના માનવીનું જીવન બદલવાનું છે. એટલે જ એક તરફ દેવાલય બની રહ્યા છે અને બીજી બાજુ કરોડો ગરીબના પાકા ઘર પણ બની રહ્યાં છે. થોડા દિવસ પહેલાં જ ગુજરાતમાં સવા લાખ ગરીબ પરિવારના ઘરનાં ઘરનું  સપનું સાકાર કરવાનો અવસર મળ્યો છે. આજે દેશમાં 80 કરોડ લોકોને રાશન આપવામાં આવી રહ્યુ છે. દેશના 10 કરોડ નવા પરિવારોને નળથી જળ મળવાની પણ શરૂઆત થઈ છે. 

ડીસાના રન-વેનું લોકાર્પણ
આજે ડીસામાં નિર્માણ થયેલા રન-વેથી અહી સુરક્ષાનું બહુ મોટું કેન્દ્ર વિકસિત થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ પ્રોજેક્ટ માટે ભારત સરકારને અનેક પત્રો લખ્યા હતા પરંતુ તત્કાલીન સરકારે આ કામ કર્યું ન હતું. પણ મોદી જે સંકલ્પ લે છે તે પૂરો કરે છે અને તે વાત આજે ડીસાના રન-વેનું લોકાર્પણ કરીને સાર્થક કરી છે. એટલે જ લોકોને મોદીની ગેરંટીમાં વિશ્વાસ આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે  આ સરકાર પર લોકોને પૂરો ભરોસો છે, ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક નાણી ખાતે એરસ્ટ્રીપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેનાથી સરહદી સુરક્ષા વધુ મજબૂત બનશે. અંબાજી ખાતે રીંછડીયા મહાદેવનું મંદિર, રેલવે, હાઇવે કનેક્ટિવિટી અને નેટ-વે કનેક્ટિવિટીથી જોડવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 

નરેન્દ્ર મોદીના હસ્તે મહેસાણાના તરભ ખાતે વિવિધ વિભાગોના રૂ. ૧૩ હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ભારતનેટ ફેઝ-2 હેઠળ રૂ. ૨૦૪૨ કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું, જેનાથી રાજ્યની ૮,૦૩૦ ગ્રામ પંચાયતોને લાભ મળશે. રૂ. ૨૩૦૦ કરોડથી વધુના ખર્ચે રેલવે વિભાગના પાંચ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને રૂ. ૧૨૦૦ કરોડથી વધુના ખર્ચે જળ સંસાધન વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, માર્ગ અને મકાન વિભાગ હેઠળ રૂ. ૧૭૦૦ કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, દેશના ડિફેન્સ માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ રૂ. ૩૯૪ કરોડના ખર્ચે  નિર્માણ થયેલા એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ કરાયું હતુ.

વિવિધ કામોનું ખાતમુહૂર્ત
આ ઉપરાંત કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના રૂ. ૨૧૦૦ કરોડથી વધુના બે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના રૂ. ૧૬૮૫ કરોડના ખર્ચે બે પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત તથા ઊર્જા મંત્રાલયના રૂ. ૬૧૨ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, રૂ. ૫૦૭ કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગના ૯ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, રૂ. ૧૦૮ કરોડના ખર્ચે IMD- પ્રવાસન વિભાગનાં ૩ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને રૂ. ૩૬ કરોડના ખર્ચે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ સમરસ ગ્રામ પંચાયતનું લોકાર્પણના કામોનો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news