ગુજરાતના MSME ઉદ્યોગો માટે E-Commerce એક્સપોર્ટના નવા દ્વાર ખુલશે, રાજ્ય સરકારે Amazon સાથે કર્યા MoU

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગે વિશ્વખ્યાત ઇ-કોમર્સ કંપની એમેઝોન સાથે એમ.ઓ.યુ. કર્યા.

ગુજરાતના MSME ઉદ્યોગો માટે E-Commerce એક્સપોર્ટના નવા દ્વાર ખુલશે, રાજ્ય સરકારે Amazon સાથે કર્યા MoU
  • અમદાવાદ,વડોદરા, સુરત, ભરુચ અને રાજકોટ સહિતના MSME ક્લસ્ટર્સમાં એમેઝોન ટ્રેનિંગ-વર્કશોપ વેબીનારના આયોજનથી MSME ઉદ્યોગોને B2C ઇ-કોમર્સ માટે સહાયરૂપ બનશે
  • ગુજરાતના એમ.એસ.એમ.ઈ ઉદ્યોગો એમેઝોનના ઇ-કોમર્સ પ્લેટફોર્મથી ૨૦૦થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકશે- MSME ઉદ્યોગોને ઘરઆંગણેથી મળશે વિશ્વ વેપાર-કારોબારની તક  
  • રાજ્યના MSME ઉદ્યોગો માટે એમેઝોનના 17 જેટલા ફોરેન ડીજીટલ માર્કેટપ્લેસ, બિઝનેસ ટુ કસ્ટમર્સ B2C ઇ-કોમર્સ એક્સપોર્ટ - ગ્રાહકો સાથે જ સીધા વેચાણની નવી તકો ઉભી કરશે.    

ઝી બ્યૂરો, ગાંધીનગરઃ રાજ્યના એમ.એસ.એમ.ઈ. વિશ્વના 200થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકે તે હેતુથી રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે મેમોરેન્ડમ  ઓફ અન્ડર્સ્ટેન્ડીંગ MOU કરવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના MSME  કમિશનર શ્રી રણજીત કુમાર અને એમેઝોનના ગ્લોબલ સેલિંગ હેડ શ્રી અભિજીત કામરાએ આ એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા હતા.

ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તા અને એમેઝોનના પ્રોજેક્ટ હેડ, પબ્લિક પોલિસિ ઓપરેશન હેડ સહિતના અધિકારીઓ પણ આ અવસરે સહભાગી થયા હતા. આ એમ.ઓ.યુ. અંતર્ગત એમેઝોન ઈન્ડિયા દ્વારા ઇ-કોમર્સ એક્સપોર્ટ માટેની ક્ષમતા વર્ધન કેપેસિટી બિલ્ડિંગ સવલતોનું નિર્માણ થતા રાજ્યના લાખો એમ.એસ.એમ.ઈ ઉદ્યોગોની ‘મેડ ઈન ઇન્ડિયા’- ‘મેડ ઇન ગુજરાત’ પ્રોડક્ટ્સ આંતરરાષ્ટ્રીય બજારો અને ઉપભોક્તા વર્ગ સુધી સરળતાથી પહોંચતી થશે અને વોકલ ફોર લોકલની નેમ સાકાર થશે. 

એમેઝોન ખાસ કરીને ટેક્ષ્ટાઈલ, જેમ એન્ડ જવેલરી, હસ્તકલા કારીગરી ની ચીજ વસ્તુઓ તેમજ હેલ્થ કેર પ્રોડક્ટ અંતર્ગત હર્બલ પ્રોડક્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ માટે ગુજરાત ના એમએસએમઇને  વિશ્વના દેશોના ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. 2020-21ના વર્ષમાં  ગુજરાત દેશની કુલ નિકાસમાં ૨૧ ટકા યોગદાન સાથે એક્સપોર્ટ ક્ષેત્રે દેશનું અગ્રિમ રાજ્ય બન્યું છે. હવે આ એમ.ઓ.યુ. ની ફલશ્રૃતિએ ઉદ્યોગ વિભાગના સહયોગથી એમેઝોન રાજ્યમાં MSME ક્લસ્ટર્સ ધરાવતા  મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, ભરુચ અને રાજકોટ  સહિત ના શહેરોમાં B2C ઇ-કોમર્સ એક્સપોર્ટ અંગે ટ્રેનિંગ સેશન અને વેબીનાર તથા વર્કશોપના આયોજન કરી MSME એકમોને પોતાની પ્રોડક્ટ વિશ્વ બજારમાં  પહોચડવામાં સહાયરૂપ બનશે.

એટલું જ નહી યુ.એસ., કેનેડા, બ્રાઝિલ, ફ્રાંસ, જર્મની, યુ.કે., ઓસ્ટ્રેલિયા,જાપાન,સિંગાપોર, ટર્કી અને યુ.એ.ઇ. જેવા 17 દેશોમાં કાર્યરત એમેઝોનના ડીજીટલ માર્કેટ પ્લેસ ગુજરાતના MSME એકમો માટે બિઝનેસ ટુ કસ્ટમર્સ (B2C) ઇ-કોમર્સ એક્સપોર્ટની એટલે કે નિકાસ દ્વારા ગ્રાહકો સાથે જ સીધા વેચાણની નવી તકો ઉભી કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આ હેતુસર આગામી દિવાળી પૂર્વે રાજ્યના ચાર રીજીયનમાં એમએસએમઇ માટે એમેઝોન તાલીમ કાર્યક્રમો શરૂ કરે તેવું પ્રેરક સૂચન પણ કર્યું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news