જળ, જમીન અને જોરૂ...આ કહેવત સાચી ઠરી! ચીખલીમાં ભાઈની કરોડોની જમીન વૃદ્ધ ભાઈએ વેચી મારી, પછી...

નવસારીમાં કરોડો રૂપિયાની જમીનો ખોટા દસ્તાવેજો બનાવી વેચી મારવી અથવા પચાવી પાડવાની અનેક ફરીયાદો પોલીસ ચોપડે નોંધાઈ છે. તેમ છતાં જમીન માલિકો દલાલોની વાતોમાં ભેરવાઈ પોતાની કૌટુંબિક લડાઈ અથવા અન્ય કારણોસર પોતાની પૈતૃક અથવા સંયુક્ત માલિકીની જમીન છેતરપિંડીનો ભોગ બની ગુમાવી બેસે છે.

જળ, જમીન અને જોરૂ...આ કહેવત સાચી ઠરી! ચીખલીમાં ભાઈની કરોડોની જમીન વૃદ્ધ ભાઈએ વેચી મારી, પછી...

ધવલ પરીખ/નવસારી: ચીખલી તાલુકાના રુમલા ગામે વૃદ્ધાવસ્થાએ પહોંચેલા ભાઈએ પૈતૃક જમીનમાં ચાલતા ભાઈ સાથેના ઝઘડાનો ફાયદો ઉઠાવી સુરત અને ચીખલીના દલાલોની મિલીભગતમાં ખોટા દસ્તાવેજો બનાવી કરોડો રૂપિયાની અંદાજે 11 વીઘા જમીન વેચી મારી ભાઈ સાથે જ વિશ્વાસઘાત કર્યો હતો. જે પ્રકરણમાં ખેરગામ પોલીસે ત્રણ વર્ષે વિશ્વાસઘાતી ભાઈ, ભત્રીજો અને ચીખલીના દલાલની ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય આરોપી સુરતના બે દલાલો આગોતરા જામીન પર છૂટ્યા હતા. પોલીસે જમીન ખરીદનારને વોન્ટેડ જાહેર કરી તપાસને વેગ આપ્યો છે.

નવસારીમાં કરોડો રૂપિયાની જમીનો ખોટા દસ્તાવેજો બનાવી વેચી મારવી અથવા પચાવી પાડવાની અનેક ફરીયાદો પોલીસ ચોપડે નોંધાઈ છે. તેમ છતાં જમીન માલિકો દલાલોની વાતોમાં ભેરવાઈ પોતાની કૌટુંબિક લડાઈ અથવા અન્ય કારણોસર પોતાની પૈતૃક અથવા સંયુક્ત માલિકીની જમીન છેતરપિંડીનો ભોગ બની ગુમાવી બેસે છે. આવું જ કંઈ નવસારીના ચીખલી તાલુકાના રૂમલા ગામે 76 વર્ષીય વૃદ્ધ રમણ ગોપાળ લિંબાચીયા સાથે થયુ છે. રમણ લિંબાચીયાની કરોડો રૂપિયાની પૈતૃક જમીનમાં ભાગે આવતા હિસ્સામાં તેમના 66 વર્ષીય ભાઈ જયંતિ લિંબાચીયાનું પણ નામ હોવાથી બંને વચ્ચે જમીન બાબતે વિવાદ ચાલતો હતો. 

વર્ષ 2018 માં રમણ લિંબાચીયાએ પોતાની રૂમલા ખાતે આવેલ બ્લોક નં. 175 વાળી જમીન કે જેના 7/12 ના દસ્તાવેજમાં જયંતિ લિંબાચીયાનું પણ નામ હતું એને વેચવા તૈયાર થયા હતા. જેમાં ચીખલીના સાદકપોરના 56 વર્ષીય દલાલ ગોપાળ મોરાર વર્માનો સંપર્ક થતા તેમણે જમીન બતાવી હતી. ગોપાળ વર્માએ રમણ લિંબાચીયાની 1.28.58 ક્ષેત્રફળ વાળી જમીન સુરતના સાલબતપુરા ખાતે મહાત્મા વાડીમાં રહેતા શેખર શિવદાસ મહાત્મા અને અલથાણ ખાતે આશીર્વાદ એન્કલેવમાં રહેતા વિજય ઉત્તમ પાટીલને બતાવી હતી. 

જેમાં 1 વીઘાના 22 લાખ રૂપિયા નક્કી કરી, કુલ 1,04,50,000 રૂપિયામાં સોદો નક્કી થયો હતો. પરંતુ રમણભાઈએ જમીનમાં તેમના ભાઈ જયંતિનું નામ હોવાથી સહી નહીં કેરીની વાત કરતા ત્રણેય દલાલોએ તેમની વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસો કર્યા હતા. જેમાં નવેમ્બર 2018 માં બંને ભાઈઓ વચ્ચે સમજૂતી કરાર થયા અને બંનેએ એકબીજાના હિસ્સામાં આવતી જમીનમાંથી તમેના નામો કમી કરવાની સંમતિ દર્શાવી ચીખલીના વકીલ ચેતન દેસાઇ પાસે નોટરી કરાવી હતી. જ્યારે બાદમાં શેખર અને વિજય બંને દલાલોએ રમણભાઈને તેમની જમીનના બદલામાં બાના પેટે આપેલ ચેક બાઉન્સ થતા, ટુકડે ટુકડે 5.10 લાખ રૂપિયા આપ્યા હતા. જેની સાથે તેમણે સાટાખત પણ કરાવી લીધો હતો. બાદમાં બાકીના રૂપિયાની માંગણી કરતા આરોપી દલાલોએ ગલ્લા તલ્લા કરતા કરતા રહ્યા હતા. 

દરમિયાન વર્ષ 2019 માં શેખર મહાત્માએ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકને લિખિત ફરિયાદ કરી જમીન માલિક રમણ લિંબાચીયાને અલગ અલગ સમયે કુલ 64.11 લાખ રૂપિયા આપ્યા હોવાના રમણ લિંબાચીયાની સહિ સાથેના વાઉચરો રજૂ કરી દસ્તાવેજ સાથે કબજાની માંગણી કરી હતી. દરમિયાન છેતરપિંડી થયાનું જાણ થતા રમણ લિંબાચીયાએ તેમના પરિવારજનોની મદદથી ચીખલી કોર્ટમાં દાવો કરતા તેમની અન્ય 94 ગુંથા જમીન પણ તેમના ભાઈ જયંતિ લિંબાચીયા અને ભત્રીજા અપ્લેશ લિંબાચીયાએ સંમતિ પત્રકમાં ચેડા કરી, તેને બદલી દલાલ શેખર, વિજય અને ગોપાળની મદદથી સુરતના મુકેશ પટેલને વેચી દીધી હોવાનું જણાયુ હતુ. 

જ્યારે બ્લોક સર્વે નં. 175 વાળી જમીનમાં પણ જયંતિ લિંબાચીયાએ જ રૂપિયા લઈને વેચી હોવાનું જણાયું હતું. જેથી રમણ લિંબાચીયાએ ખેરગામ પોલીસ મથકે શેખર મહાત્મા, વિજય પાટીલ અને ગોપાળ વર્મા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં શેખર અને વિજય આગોતરા જામીન પર છૂટ્યા હતા. જ્યારે પોલીસ તપાસમાં સમગ્ર પ્રકરણમાં રમણ લિંબાચીયાના નાના ભાઈ જયંતિ અને તેમનો ભત્રીજો અલ્પેશ ખેલાડી હોવાનું નીકળતા પોલીસે જયંતિ લિંબાચીયા, તેમના પુત્ર અલ્પેશ લિંબાચીયા અને દલાલ ગોપાળ વર્માની ધરપકડ કરી, જમીન લેનાર મુકેશ પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે. સાથે જ ત્રણેયના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ખોટા દસ્તાવેજો બનાવી લગભગ અઢી કરોડની 11 વીઘા જમીન પચાવી પાડવાના પ્રકરણમાં મુખ્ય આરોપી દલાલો આજ પ્રમાણેના ગુનાઓ આગળ પણ આચરી ચૂક્યા છે. જેમાં ગોપાળ વર્મા સામે અગાઉ ગણદેવી અને ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને તેની ધરપકડ પણ થઈ હતી. જ્યારે શેખર મહાત્મા સામે પણ બારડોલી અને વાલોડમાં અને વિજય પાટીલ સામે સુરતના લાલગેટ, અલથાણ, ઉધના તેમજ નવસારીના ખેરગામમાં બે ગુના નોંધાયા છે. જોકે આરોપીઓ પકડાયા બાદ પણ વયોવૃદ્ધ રમણ લિંબાચીયાને ક્યારે તેમની જમીન મળશે એ જોવું રહ્યુ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news