ભાવનગરને યંગેસ્ટ IPS તો મળ્યા પણ લોકોને ન્યાય ક્યારે મળશે? વિદેશી યુવતી પોલીસ તંત્રથી પરેશાન થઇ ફરિયાદ માટે ગાંધીનગર પહોંચી
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર : શહેરમાં આવેલા તંબોલી કાસ્ટિંગમાં છેલ્લા છ વર્ષથી સિનિયર ઍક્સપોર્ટ મેનેજર તરીકે નોકરી કરતી અને મૂળ વેનેઝુયેલા દેશની વિદેશી યુવતીએ તંબોલી કાસ્ટિંગના ડાયરેકટર અને અગ્રણી ઉધોગપતિ વૈભવ તંબોલી સામે શારીરિક છેડછાડ કર્યાની અરજી ગાંધીનગર CID ક્રાઈમમાં આપતા ખળભળાટ મચ્યો છે.ભાવનગરની તંબોલી કાસ્ટિંગ કંપનીમાં છેલ્લા 6 વર્ષથી સિનિયર માર્કેટિંગ ઍક્સપોર્ટ એન્જીનીયર તરીકે નોકરી કરતી વિદેશી યુવતીએ પોતાના જ કંપનીના ડાયરેકટર વિરુદ્ધ શારીરિક અડપલાં અને યૌન શોષણની ગત તારીખ 31-12-2020 ના રોજ ગાંધીનગર CID ક્રાઈમમાં ઓનલાઈન અરજી કરી છે. યુવતી તેમજ તેમના વકીલ દ્વારા ખાનગી હોટેલમાં પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેણીએ ભાવનગર પોલીસને પણ રજુઆત કરી હોવા છતાં કોઈ પગલાં ના લેવાતા તેઓએ ગાંધીનગર CID માં અરજી કરવાની ફરજ પડી છે.
આ યુવતી છેલ્લા 6 વર્ષથી તંબોલી કાસ્ટિંગમાં જોબ કરે છે. 2014 માં આ યુવતી 6 મહિનાની ઇન્ટર્નશીપ માટે પોતાના વેનેઝુયેલા દેશમાંથી ભાવનગર ખાતે આવેલી અને તેઓને તમામ પ્રકારની સુવિધાઓ પણ કંપની તરફથી પુરી પાડવામાં આવતી હતી. જો કે થોડા સમય પહેલા 27-08-2020 ના રોજ કંપનીના ડાયરેકટર વૈભવ તંબોલીએ આ વિદેશી યુવતીને પોતાની ચેમ્બરમાં બોલાવી યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક અડપલાં કરવાની કોશિશ કરી હતી. જેનાથી યુવતી ડરીને ચેમ્બરમાંથી રડતી રડતી બહાર નીકળી પોતાના ઘરે જતી રહી હતી, તેમજ યુવતીએ આ બનાવની જાણ પોતાની માતાને મેઈલ દ્વારા પણ કરી હતી.
પોતે માનસિક તણાવમાં આવી જતા થોડા સમય માટે તેણે માનસિક ડોકટરની દવાઓ પણ ચાલુ કરી હતી. યુવતીના વકીલનો આક્ષેપ છે કે, યુવતીએ વારંવાર ભાવનગર પોલીસને રજુઆત કરવા છતાં પોલીસે કોઈ જ જાતની અરજી સ્વીકારી નહોતી. છેલ્લે યુવતીએ ના છૂટકે ગાંધીનગર સીઆઇડી ક્રાઈમમાં ઓનલાઈન અરજી કરી હતી. યુવતીને હેરાન પરેશાન કરવામાં આવતી હોવાનો પણ વકીલે ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત ડાયરેકટર દ્વારા ગત તારીખ 01-01-2021 ના રોજ ભાવનગર ની SOG કચેરી ખાતે યુવતીના આધારકાર્ડ માં છેડછાડ થઈ હોવાની અરજી કરવામાં આવી હતી. યુવતીને માનસિક હેરાન કરવામાં આવતી હોવાની પણ વાત કરી હતી.
જ્યારે આ અંગે ભાવનગર ASP સફિન હસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમને હજુ સુધી કોઈ સતાવાર રીતે યુવતીની અરજી મળી જ નથી અને યુવતી ગુજરાતી લખતા વાંચતા નથી જાણતી. તો આ અરજી તેણે જ કરી છે કે કેમ તે અંગે પણ અમે તપાસ કરી રહ્યા છીએ. બીજી તરફ જ્યારે યુવતીને ગત તારીખ 01-01-2021 ના રોજને નિવેદન માટે બોલાવવામાં આવી ત્યારે તેની સાથે આવું કૃત્ય થયું હોવાનો કોઈ ઉલ્લેખ કર્યો જ નથી અમે તપાસ કરીએ છીએ. જે હશે તેની સામે ફરિયાદ નોંધવા અમે તજવીજ હાથ ધરશું.જોકે સમગ્ર બાબત અને વિદેશી યુવતી દ્વારા કરાયેલા આક્ષેપ અંગે તંબોલી કાસ્ટિંગ કંપનીના ડાયરેક્ટર વૈભવ તંબોલી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. કમ્પનીમાં ચાલતા ડાયરેક્ટર વચ્ચેના વિવાદના કારણે તેઓ પર ખોટા આક્ષેપો કરવામાં આવતા હોવાનું પણ તેમને જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે