સરકારની સૂડી વચ્ચે સોપારી જેવી હાલત: વિવાદના પડઘા દેશમાં પડવાનો ડર, સનાતન સાધુઓનો હાથ ઉપર રહેશે

Sanatan Dharma: ભાજપે કેન્દ્રમાં ડીએમકેને આડેહાથ લેવા માટે ઉઠાવેલો સનાતનનો મામલો ગુજરાતના કારણે પલટાય નહીં એ માટે આ વિવાદનો ઉકેલ લાવવા ગુજરાત સરકારને આદેશ કરાયો છે. 

સરકારની સૂડી વચ્ચે સોપારી જેવી હાલત: વિવાદના પડઘા દેશમાં પડવાનો ડર, સનાતન સાધુઓનો હાથ ઉપર રહેશે

salangpur hanuman controversy: ગુજરાતમાં સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદમાં ગુજરાત સરકારની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે. રાજ્યમાં સનાતન સંપ્રદાય અને સ્વામીનારાયણ સંતો વચ્ચે વિવાદ વધી રહ્યો છે ત્યારે આ મામલે સરકારની એન્ટ્રી થઈ છે. સરકાર કોઈ પણ સંજોગોમાં આ વિવાદનો ઉકેલ લાવવા માગે છે. આજે સીએમ સાથે સનાતન સાધુઓ અને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે મળેલી હાઈલેવલની બેઠકમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ સમાધાનની ખાતરી આપી છે. 

કેમ ગુજરાત સરકારને લાગ્યો ડર?

  • સ્વામિનારાણ સંપ્રદાયનો પક્ષ લે તો સનાતન વિરોધી સાબિત થવાનો ડર
  • સ્વામિનારાયણ સંપ્રદાય સામે એક્શન લેતો લોકસભાની ચૂંટણીમાં નુક્સાનનો ડર
  • ડીએમકેની ધૂળ કાઢવા સનાતનનો પક્ષ લેનાર ભાજપને ગુજરાતમાં ખુલ્લા પડી જવાનો ડર
  • વિરોધ પક્ષો સ્વામિનારાયણ સંપ્રદાયનો મામલો ઉઠાવે તો તેના પડધા દેશમાં પડવાની સાથે ભાજપને ગેમ પલટાઈ જાય તેનો લાગ્યો ડર
  • દિલ્હીથી આદેશ કે સનાતન ધર્મ સામે વાણીવિલાસ બંધ કરાવો અને સમાધાન કરાવો

સૂત્રો જણાવી રહ્યાં છે કે સરકારે સ્પષ્ટ ચીમકી આપી છે કે, સનાતન વિરોધી નિવેદનો બંધ કરી દો... હાલમાં સાળંગપુર મામલે સેટેલાઈટ સ્થિત શિવાનંદ આશ્રમમાં એક બેઠક ચાલી રહી છે. જે બાદ આ મામલે સમાધાનનો ફોર્મ્યુલા બહાર આવશે. વાસ્તવિકતા એ છે કે દેશમાં કેન્દ્ર સરકાર સનાતન ધર્મનો પક્ષ લઈને વિપક્ષી ગઠબંધનના સાથી DMKની ધૂળ કાઢી રહ્યું છે બીજી તરફ ગુજરાતમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો સનાતન ધર્મ સામે વાણી વિલાસ કરી રહ્યાં છે. હવે સરકાર કોઈ પણ સંજોગોમાં સ્વામીનારાયણ સંપ્રદાયનો પક્ષ લઈને સનાતનનો વિરોધ કરી શકે એમ નથી. 

એવું કહેવાય છે કે દિલ્હીની સ્પષ્ટ સૂચના છે કે સનાતન સાધુઓ અને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચેના વિવાદનો ઉકેલ લાવો. ગુજરાતમાં સ્વામીનારાયણ સંપ્રદાય એ ભાજપની નજીક છે. આ સ્થિતિમાં સનાતન ધર્મ સામેનો ગુજરાતના વિવાદના પડઘા દેશમાં પડે એ પહેલાં ગુજરાત સરકાર એક્ટિવ થઈ છે. એવી ચર્ચા છે કે આ બેઠકમાં આ મામલે ઉકેલ લાવવાનો આદેશ કરાયો છે. ભાજપે કેન્દ્રમાં ડીએમકેને આડેહાથ લેવા માટે ઉઠાવેલો સનાતનનો મામલો ગુજરાતના કારણે પલટાય નહીં એ માટે આ વિવાદનો ઉકેલ લાવવા ગુજરાત સરકારને આદેશ કરાયો છે. 

ડીએમકેના નેતા ઉદય નીધિના સનાતન સામેના બફાટને કારણે હાલમાં દેશભરમાં આક્રોશનો માહોલ છે. ઉદયનીધિએ બફાટ કર્યો છે કે, આપણે ડેંગ્યુ, મચ્છર, મેલેરિયા અને કોરોનાનો વિરોધ નથી કરી શકતા, તેમને નાબૂદ જ કરવા પડે છે. આવી જ રીતે આપણે સનાતનનો વિરોધ કરવાની જગ્યાએ તેને નાબૂદ કરવો જોઈએ. સનાતન શબ્દ સંસ્કૃતમાંથી આવેલો છે. તે સામાજિક ન્યાય અને સમાનતાનો વિરોધી છે. ઉદયનિધીએ સનાતનની નાબૂદીની વાત કરતાં જ રાજકારણમાં ખળભળાટ મચી ગયો. 

ઉદયનિધી DMKના નેતા છે અને DMK વિપક્ષના ગઠબંધન INDIAમાં સામેલ છે, ત્યારે ભાજપ સહિતના NDAના સાથીપક્ષોએ આ નિવેદનને સનાતન ધર્મ વિરોધી ગણાવ્યું છે. એ મામલે અમિત શાહ સહિતના નેતાઓ હાલમાં વિપક્ષ પર પસ્તાળ પાડી રહ્યાં છે. ભાજપને ડર છે કે ગુજરાતમાં સનાતની સાધુઓ અને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચેનો મામલો વધારે વકરે તો વિપક્ષને આ મુદ્દો મળી શકે છે. ગુજરાતમાં સનાતન ધર્મ સામે વાણીવિલાસનો મામલો તુલ પકડે તો ભાજપ પર છાંટા ઉડે એ પહેલાં સરકાર સક્રિય બની છે. કારણ કે સ્વામીનારાયણ સંપ્રદાય એ ભાજપની નજીક ગણાય છે.  

સ્વામીનારાયણ સંપ્રદાય હંમેશાં સત્તાની નજીક રહ્યો હોવાનું પણ કહેવાય છે. કારણ કે BAPS સાથે હજારોની સંખ્યામાં પાટીદાર સમાજ જોડાયેલો છે. સ્વામીનારાયણ સંપ્રદાયમાં એવું તે શું છે કે સાધુઓ સામે કોઈ આંગળી ચિંધી શકતું નથી કે સંપ્રદાયને કોઈ પડકારી શકતું નથી? કારણ કે સમગ્ર સંપ્રદાય આજે વિશ્વમાં 7500થી વધુ મંદિરો ધરાવે છે અને સમાજસેવાની અનેક પ્રવૃત્તિઓ કરે છે. જેની તાકાતને પડકારવી એ સરકાર માટે પણ યોગ્ય નથી. સાળંગપુર વિવાદમાં ઘીના ઠામમાં ઘી ઢળશે અને મામલો ઉકેલાઈ જશે. આજે સરકારની એન્ટ્રીને પગલે આ વિવાદ જલદી ઉકેલાય તેવી પૂરી સંભાવના છે. 

હાલમાં આ સંપ્રદાય સાથે કરોડો અનુયાયીઓ જોડાયેલા છે. ગાંધીનગર–દિલ્હીનાં અક્ષરધામ મંદિરો કે લંડન, હ્યૂસ્ટન, એટલાન્ટાનાં મંદિરોની મુલાકાતે જનારાઓને એનો પરિચય થયા વિના રહેતો નથી. ગુજરાતનું રાજકારણ સ્વામીનારાયણ સંપ્રદાયની તાકાત અને મહિમાને ક્યારેય પડકારી શક્યું નથી. સ્વામીનારાયણ સંપ્રદાયના વડા પ્રમુખ સ્વામી અક્ષર નિવાસી થયા ત્યારે ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને શ્રદ્ધાંજલિ આપવા દિલ્હીથી ગુજરાત આવ્યા હતા. માત્ર વડા પ્રધાનની વાત નથી. ગુજરાતમાં સત્તા પર આવેલા તમામ રાજકીય પક્ષો સ્વામીનારાયણ સંપ્રદાય સાથે રહ્યા છે. હાલમાં જે સાળંગપુરના મંદિર સાથે વિવાદ જોડાયેલો છે એ કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિનું લોકાર્પણ પણ દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થયું હતું. ગુજરાતના રાજકારણમાં સ્વામીનારાયણ સંપ્રદાય સીધો નહીં પણ આડકતરી રીતે જોડાયેલો છે. 

સનાતન ધર્મ એટલે શું? 
શાસ્ત્રોમાં કહેવાયું છેકે, સનાતન ધર્મ એટલે ત્રિવિધ, ત્રિમાર્ગ ગામી અને ત્રિકર્મરતના સિધ્ધાંત પર ઉભેલો ધર્મ તે જ સનાતન ધર્મ છે. અંતરાત્મા, માનસિક જગત અને સ્થૂળ જગત આ ત્રણે સ્થાનોમાં પરમાત્મા પ્રકૃતિ સૃષ્ટ એટલે કે પ્રકૃતિથી ઉત્પન્ન મહાશક્તિ દ્વારા ચાલવાવાળો વિશ્વરૂપ સનાતન ધર્મ પોતાનો આત્મપ્રકાશ પાથરી રહ્યો છે. આ ત્રણે  સ્થાનોમાં એની સાથે અંતરનું જોડાણ હોવાની ચેષ્ટા જ સનાતન ધર્મનું ત્રિવિધ તત્વ છે એટલે જ સનાતન ધર્મ ત્રિવિધ છે.

અ ત્રિવિધ રત્નો એટલે કે જ્ઞાાન, ભક્તિ અને કર્મ આ ત્રણે રત્નો સ્વસ્થતાપૂર્વક જીવનમાં અહંકાર અને રાગદ્વેષ છોડીને આચરણ કરવાથી જ મનુષ્યમાં  મનુષત્વ પ્રાપ્ત થાય છે અને સત્યતા પ્રસ્થાપિત થાય છે. આ ત્રણે રત્નો દ્વારા જ આત્મશુદ્ધિ કરીને પરમાત્માની સાથે એકત્વ થવાનું છે એટલે કે પરમાત્મા સાથે મળી જવાનું છે. આમ દ્વૈતમાંથી મુક્ત થઈ અદ્વૈતતા પ્રાપ્ત  કરવાની છે. એ જ સનાતન ધર્મની આખરી મંજિલ છે, ત્યાં પહોંચ્યા વિના સનાતન ધર્મનું આચરણ નથી. તે આપોઆપ સાબિત થાય છે આ રીતે સનાતન ધર્મની ત્રીમાર્ગી ગતિ છે એટલે જ કહેવાય છે સનાતન ધર્મ ત્રિમાર્ગગામી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news