આજથી જંગલના રાજાનું વેકેશન સમાપ્ત, સહેલાણીઓ માટે ગીર અભયારણ્ય ખુલ્લું મુકાયું

આ દિવાળીના વેકેશનમાં સિંહદર્શન કરવા માગતા લોકો માટે ખુશીના સમાચાર, વેકેશનને અનુલક્ષીને સરકારે પરમીટની સંખ્યામાં પણ કર્યો વધારો 

આજથી જંગલના રાજાનું વેકેશન સમાપ્ત, સહેલાણીઓ માટે ગીર અભયારણ્ય ખુલ્લું મુકાયું

જૂનાગઢઃ ગીર અભયારણ્ય આજથી સહેલાણીઓ માટે ખુલ્લું મુકી દેવાયું છે. ગીરના રાજા એવા સિંહનું વેકેશન પુરું થતાં આજથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખુલી જશે. ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓનો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પુરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. 

હવે, દિવાળીનું વકેશન નજીક આવી રહ્યું છે ત્યારે પ્રવાસીઓ માટે ફરવાનું આકર્ષક સ્થળ ખુલી ગયું છે. વર્ષોત્તર પ્રવાસીઓની સંખ્યામાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને આ વર્ષે સરકાર અને વન વિભાગ દ્વારા કેટલાંક ખાસ આકર્ષણ પણ વધારવામાં આવ્યાં છે. 

રાજ્ય સરકાર દ્વારા પ્રવાસીઓને આપવામાં આવતી પરમીટની સંખ્યામાં વધારો કરાયો છે. અગાઉ રોજની 90ની પરમીટ આપવામાં આવતી હતી. જેમાં હવે 60નો વધારો કરીને રોજની કુલ 150 પરમીટ કરવામાં આવી છે. 

લોકો પરિવાર સાથે ગુજરાતનું ગૌરવ ગણાતા સિંહને જોવા આવતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગીરના જંગલમાં હવે મહિલા ગાઇડની પણ નિમણુંક કરવામાં આવી છે. આ સાથે જ દેવળિયા પાર્કમાં સહેલાણીઓ માટે ખાસ પ્રકારની જિપ્સી ગોઠવવામાં છે.

વન વિભાગ દ્વારા 70 જીપ્સી ગોઠવવામાં આવી છે, જેમાં છ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા એક પરમિટ ચાર્જ રૂ. 800, જીપ્સીનો ચાર્જ રૂ. 1500 અને ગાઇડનો ચાર્જ રૂ. 400 નક્કી કરાયો છે. 

સૌ પ્રથમ વખત દેવળીયા પાર્કમાં 25 જેટલા મહિલા ગાઇડને પણ ટ્રેનિંગ આપી તૈયાર કરવામાં આવ્યાં છે, જે પ્રવાસીઓને ગીર, સિંહ, જંગલની જૈવિક વિવિધતા અને પર્યાવરણના અંગે માર્ગદર્શન આપશે. 

(દેવાળિયા પાર્કમાં આવેલું ઝુ)

જોકે, તાજેતરમાં જ વાઈરસના કારણે 23 સિંહના મોત થયા પછી વનતંત્ર હાલ સિંહોની સુરક્ષા વ્યવસ્થા અને રસીકરણના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાના કારણે જૂનાગઢના ગિરનાર અભયારણ્યમાં 16 ઓક્ટોબરથી જે સફારીની શરૂઆત થવાની હતી તેને હાલ પુરતી મુલ્તવી રાખવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news