રાજ્યમાં ઝીકા વાયરસના શંકાસ્પદ કેસ દેખાતાં આરોગ્ય તંત્ર એલર્ટ, સરવેની કામગીરી હાથ ધરાઈ
ભાવનગરમાંથી પોઝિટીવ કેસ સામે આવતાં આરોગ્ય વિભાગે લોકોને મચ્છરજન્ય બિમારી સામે સાવચેતીનાં પગલાં લેવા જણાવ્યું
Trending Photos
અમદાવાદઃ ભાવગરમાં ઝીકા વાયરસનો પોઝિટીવ કેસ મળી આવતાં રાજ્ય આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે. આ ઉપરાંત 22 ઓક્ટોબરે અમદાવાદમાં પણ એક શંકાસ્પદ કેસ આવ્યો હતો, જેની સારવાર કરીને 26 ઓક્ટોબરે રજા આપી દેવાઈ છે. ઝીકા વાયરસ માટે કોઈ દવા કે રસી ન હોવાને કારણે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતીનાં પગલાં લેવાં અને કોઈ પણ પ્રકારનાં લક્ષણ જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા સલાહ અપાઈ છે.
આરોગ્ય કમિશનર જયંતી રવીએ આ અંગે જણાવ્યું કે, અમદાવાદમાં શંકાસ્પદ અને ભાવનગરમાંથી એક મહિલા દર્દી ઝીકા વાયરસના પોઝિટીવ મળી આવતાં રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા આગમચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. એક કિલોમીટર થી ત્રણ કિલોમીટર સુધીના વિસ્તારોમાં સાવચેતી રાખવામાં આવી રહી છે. જે વિસ્તારમાંથી પોઝિટીવ કેસ મળ્યો છે ત્યાંથી 257 જેટલાં નમૂના લેવાયા છે.
તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, જે દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો તેને વિશેષ સારવાર આપીને રજા આપી દેવાઈ છે. દિલ્હીથી એક ટીમ ગયા સપ્તાહે આવી હતી અને ત્રણ દિવસ સુધી રાજ્યનાં જુદા-જુદા વિસ્તારોમાં ફરી હતી. તેમણે કરેલા સર્વેલન્સના રિપોર્ટ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને આપવામાં આવ્યા છે.
આરોગ્ય કમિશનરે રાજ્યની કામગીરીની વિગતો આપતા જણાવ્યું કે, 257માંથી 135 કેસનો રિપોર્ટ આવ્યા છે અને બીજા રિપોર્ટ આવવાના બાકી છે. સેમ્પલ લીધા બાદ પુણેની લેબમાં મોકલવામાં આવે છે અને તેનો રિપોર્ટ ચાર દિવસે આવે છે.
ઝીકા વાયરસની સારવાર
તેમણે જણાવ્યું કે, ઝીકા વાયરસ માટે કોઈ દવા કે વેકસીન નથી, પરંતુ પેરાસિટામોલ આપીને સારવાર કરાય છે. દર્દીએ વધુમાં વધુ પાણી પીતા રહેવું જોઈએ. એસ્પિરીન, બ્રુફેન અને નેપ્રલસીન જેવી દવા લેવાનું ટાળવું જોઈએ. આ બિમારી એડિસ પ્રજાતીના મચ્છરના કરડવાથી થાય છે. આ મચ્છર દ્વારા ડેગ્યુ, ચિકનગુનિયા અને યલો ફીવર પણ ફેલાય છે.
રાજયમાં 9 ઓટકોબરથી તમામ જિલ્લામાં અભિયાન શરૂ કરાયું છે. ભાવનગર જિલ્લાના જે તાલુકામાંથી પોઝિટીવ મહિલા આવી છે ત્યાં પણ સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ હતી.
અમદાવાદના કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, અમદાવાદના અમરાઈવાડીમાંથી ઝીકા વાયરસનો એક શંકાસ્પદ કેસ મળ્યો છે. તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાનું આજે જાણવા મળ્યું છે. અમદાવાદના 14 વોર્ડમાં 390 ટીમ દ્વારા 7 લાખ 33 હજાર વસ્તીમાં સરવેની કામગીરી કરકવામાં આવી છે.
આ કામગિરી દરમિયાન 5183 ગર્ભવતી મહિલાઓની પણ તપાસ કરાઈ છે. તેમાંથી 135 મહિલાને તાવ હતો. તાવ ધરાવતી તમામ મહિલાનાં લોહીનાં સેમ્પલ લેવાયા હતા અને તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
શહેરમાં કુલ 50 હજાર મકાનોમાં ફોગીગ કરવામાં આવ્યું છે. 14 વોર્ડમાં સરવે કરનારી 390 સભ્યોની ટીમમાં 52 સુપરવાઇઝર, 14 મેડિકલ અધિકારી, 3 ઝોનલ અધિકારી અને 1 રાજયકક્ષાના અધિકારીઓએ કામ કર્યું હતું.
ઝીકા વાયરસના લક્ષણો
સામાન્ય બિમારી છે. 5 વ્યક્તિને ચેપ લાગ્યો હોય તો એક વ્યક્તિમાં આ રોગનાં ચિન્હો જોવા મળે છે.
તાવ, સાંધામાં દુખાવો, આંખ લાલ થવી, સ્નાયુનો દુખાવો, માથું દુખવું વગેરે.
આ રોગનાં લક્ષણો એક સપ્તાહ સુધી રહે છે. દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતી નથી.
આ બિમારીથી દર્દીનું મોત થતું નથી એટલે કોઈએ ગભરાવું નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે