અમદાવાદમાં ફરી કડક નિયમો સાથે શરૂ થશે ઇ-મેમો, ક્યારથી? જાણવા કરો ક્લિક

જાન્યુઆરી મહિનામાં ગુજરાત સરકારે ઇ-મેમો હંગામી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી હતી

અમદાવાદમાં ફરી કડક નિયમો સાથે શરૂ થશે ઇ-મેમો, ક્યારથી? જાણવા કરો ક્લિક

અમદાવાદ : જાન્યુઆરી મહિનામાં ગુજરાત સરકારે ઇ-મેમો હંગામી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી હતી. જોકે હવે આજે  ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, ઇ-મેમો 15 એપ્રિલથી ફરી શરુ થશે. આ સંજોગોમાં ટ્રાફિકના નિયમો તોડનારા લોકોના પણ ફરી તવાઈ આવી શકે છે.  અમદાવાદમાં સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ શરુ ન થાય ત્યાં સુધી ઈ-મેમો બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઘણા સમયથી અમદાવાદના વિવિધ ટ્રાફિક જંક્શનો પર હાઈટેક કેમેરા નાખવાનું કામ શરુ કરવામાં આવ્યું હતું, જે લગભગ પૂરું થઈ ગયું છે. આ કેમેરા નખાઈ જતા હવે થોડા જ દિવસોમાં ફરી ઇ-મેમો ઈશ્યૂ કરવાનું પોલીસ ફરી શરુ કરશે.

બંધ કરાયા હતા ઇ-મેમો
પોલીસ દ્વારા અપાતા આડેધડ ઇ-મેમોથી પરેશાન લોકોને સરકારે જાન્યુઆરી મહિનામાં રાહત આપી હતી. એ સમયે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના ગાંધીનગર, મોરબી તેમજ ભાવનગર જેવા નગરોમાં સીસીટીવી જનરેટેડ ઇ મેમો આપવામાં નહી આવે તેવો સરકારે નિર્ણય લીધો હતો. મળતી માહિતી પ્રમાણે કેટલીક વખત નિયમોનો ભંગ નહીં કરનારને પણ ઇ મેમો મળતા હોવાની ફરિયાદો મુખ્યમંત્રીને મળી હતી. લોકોને પડતી હાલાકી બાદ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ નિર્ણય લીધો હતો. સરકારે જણાવ્યું હતું કે, જ્યાં સુધી આ મહાનગરોમાં સ્માર્ટસિટી પ્રોજેક્ટ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી નહીં ઇ-મેમો ન આપવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. એ સમયે ચાર મહિનામાં આ મહાનગરોમાં સ્માર્ટસિટી પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો ટાર્ગેટ હતો અને હવે ફરીથી ઇ-મેમો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 

લોકોને બનાવાશે સતર્ક
ત્યાર સુધી માત્ર અમદાવાદમાં જ 20 લાખ જેટલા લોકોને ઇ-મેમો મોકલાયા છે, જેમાંથી માત્ર સાત લાખ લોકોએ જ દંડ ભર્યો છે. અમદાવાદમાં અત્યાર સુધી જેટલા ઈ-મેમો મોકલાયા છે તેનો કુલ દંડ 42.24 કરોડ રુપિયા થાય છે. જોકે, અત્યાર સુધી માત્ર 9.67 કરોડ રુપિયાના દંડની જ વસૂલાત થઈ શકી છે. મતલબ કે, હજુય 32.57 કરોડ રુપિયાનો દંડ વસૂલાવાનો બાકી છે. અત્યાર સુધી મોટાભાગના લોકોને હેલ્મેટ ન પહેરવા બદલ, કારમાં સીટ બેલ્ટ ન બાંધવા બદલ તેમજ સિગ્નલ પર ઝીબ્રા ક્રોસિંગ પર વાહન ઉભું રાખવા બદલ ઈ-મેમો મળતા હતા. જોકે, ટ્રાફિક જંક્શનો પર ઈન્સ્ટોલ કરાયેલા કેમેરા કોઈ સિગ્નલ જમ્પ કરે તો તેને પકડી શકતા નહોતા. પરંતુ હવે જે હાઈટેક કેમેરા નખાયા છે, તેમાં સિગ્નલ જમ્પ કરનારા પણ બચી નહીં શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news