'પીએમ PAK જઈને જો શરીફને મળી શકે, તો હું મમતા બેનરજીને કેમ ન મળી શકું?'-રાઉત
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે મુલાકાત પર ઉઠી રહેલા સવાલો પર શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે વળતો પ્રહાર કર્યો છે.
- શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કરી હતી મમતા બેનરજી સાથે મુલાકાત
- એનડીએનો ભાગ એવી શિવસેના મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં સરકારમાં સહયોગી છે
- આ મુલાકાત પર સવાલ ઉઠ્યા તો રાઉતે પીએમ મોદીની નવાઝ શરીફ સાથેની મુલાકાતનો મુદ્દો ઉઠાવ્યો
Trending Photos
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે મુલાકાત પર ઉઠી રહેલા સવાલો પર શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે વળતો પ્રહાર કર્યો છે. સંજય રાઉતે આજે ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં કહ્યું કે, 'પીએમ નરેન્દ્ર મોદી જ્યારે પાકિસ્તાન જઈને નવાઝ શરીફને મળી શકે છે, તો અમે મમતા બેનરજીને કેમ ન મળી શકીએ? તેઓ ભારતીય છે અને એક રાજ્યના મુખ્યમંત્રી છે.' તેમણે વધુમાં કહ્યું કે એક સમયે મમતા બેનરજી પણ એનડીએનો ભાગ રહી ચૂક્યા છે. આજે જ્યારે તેઓ એનડીએમાં નથી તો શું તેઓ અછૂત થઈ ગયાં?
ભાજપ-કોંગ્રેસ સિવાયના પક્ષોનો મોરચો તૈયાર કરવામાં લાગ્યા છે મમતા બેનરજી
અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ મમતા બેનરજી હાલ દિલ્હીમાં છે. તેઓ આજકાલ વિપક્ષી દળોના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યાં છે. કહેવાય છે કે તેઓ ભાજપ-કોંગ્રેસ સિવાયના પક્ષોના ગઠબંધનને તૈયાર કરવાની તૈયારીઓ કરી રહ્યાં છે. મમતા બેનરજીએ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સાથે મુકાબલા માટે ક્ષેત્રીય પક્ષોનો એક સંઘીય મોરચો બનાવવાની સંભાવનાને શોધવાના હેતુથી એનસીપીના પ્રમુખ શરદ પવાર અને ટીડીપી, સપા, આરજેડી, બીજેડી નેશનલ કોન્ફરન્સ સાથે એનડીએના ભાગ એવા શિવસેનાના નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી.
મમતા બેનરજીએ શિવસેના નેતા સંજય રાઉત તથા પાર્ટીના અન્ય સાંસદો સાથે પણ મુલાકાત કરી હતી જેના કારણે અનેક અટકળો થવા લાગી. શિવસેના સત્તાધારી એનડીએની સહયોગી પાર્ટી છે પરંતુ અનેક મુદ્દાઓ પર તે મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારની આલોચના કરતી આવી છે.
જો કે શિવસેના કોઈ મોરચામાં સામેલ થશે એ વાત અંગે શિવસેના સાંસદ સંજય રાઉતે ઈન્કાર કર્યો, પરંતુ કહ્યું કે શિવસેના અને મમતા વચ્ચે ખુબ સારા સંબંધો છે અને કેટલીક વાતો છે જે મમતા બેનરજી ઉદ્ધવ ઠાકરે સુધી પહોંચાડવા માંગે છે. ત્યારબાદમાં કહ્યું કે તેઓ શિવસેનાનું સન્માન કરે છે.
#WATCH If our PM can meet Nawaz Sharif in Pakistan then why can't we meet Mamata ji? She is an Indian and the Chief Minister of a state, she has been an important NDA member in the past: Sanjay Raut,Shiv Sena pic.twitter.com/dNxonQdBQW
— ANI (@ANI) March 28, 2018
એનસીપીએ કહ્યું, સંઘીય મોરચો બનાવવા માંગે છે મમતા
ત્રણ દિવસ માટે દિલ્હી આવેલા મમતા બેનરજીએ એનસીપી પ્રમુખ અને અન્ય પાર્ટી નેતાઓ સાથે સંસદમાં તેમના કાર્યાલયમાં લગભગ એક કલાક સુધી બેઠક કરી. એનસીપીના એક વરિષ્ઠ નેતાએ નામ નહીં જણાવવાની શરતે કહ્યું કે બેનરજીએ કોંગ્રેસ વગરનો મોરચો બનાવવાની વકીલાત કરી. શરદ પવારે અગાઉ વિપક્ષી દળો સાથે રાત્રી ભોજન બાદ બેઠક નક્કી થઈ હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો.
પવારને જ્યારે પૂછવામાં આવ્યું કે શું પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સાથે રાત્રી ભોજપન દરમિયાન બેઠક છે તો તેમણે જવાબ આપ્યો હતો કે કોઈ રાત્રી ભોજન કે બેઠકનું આયોજન નથી. એનસીપીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે મમતાએ ભાજપને પરાજિત કરવા માટે કોંગ્રેસને સામેલ કર્યા વગર એક સંઘીય મોરચો બનાવવાના પક્ષમાં અભિપ્રાય આપ્યો. તેમણે કહ્યું કે મમતાએ કહ્યું છે કે વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે એક બિન કોંગ્રેસી સંઘીય મોરચો બનાવવો જોઈએ. તેમને લાગે છે કે જો કોંગ્રેસ વિપક્ષી મોરચાનો ભાગ બનશે તો બીજેડી, ટીડીપી જેવા અનેક પક્ષો ગઠબંધનમાં સામેલ થશે નિહીં. પરંતુ તેમણે એનસીપી નેતાને અન્ય વિપક્ષી દળોના વિચાર જાણવા માટે તેમની સાથે વાત કરવાની પણ ભલામણ કરી.
ત્યારબાદ એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે બેઠક અંગે પત્રકારોને જણાવ્યું કે બંને નેતાઓ એ વાત પર સહમત થયા કે ભાજપને પહોંચી વળવા માટે વિપક્ષી દળો વચ્ચે વધુ એક્તા હોવી જોઈએ. તેમણે કહ્યું કે આવનારા મહિનાઓમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે સ્થિતિ બનશે. આ અંગે અનેક પ્રકારના વિચાર છે કે કઈ રીતે પહેલ થવી જોઈએ.
પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે હાલ નેતાઓએ એ વાત પર વિચાર કર્યો છે કે વિપક્ષી એક્તાની સંભાવના વધુ હોવી જોઈએ. કારણ કે યુપીમાં અમે જોયું છે કે બસપા અને સપાએ મળીને કામ કર્યું. મહત્વપૂર્ણ એ છે કે વિપક્ષી દળો વચ્ચે રાજકીય મતભેદો દૂર થવા જોઈએ.
તેલંગણાના CMને પણ મળ્યા હતાં મમતા બેનરજી
એકબાજુ જ્યાં તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો એનડીએ વિરુદ્ધ પ્રાંતીય પક્ષોને એકજૂથ કરવાના પ્રયત્નો કરે છે ત્યાં તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે કહ્યું કે તેમના દ્વારા પ્રસ્તાવિત વિકલ્પ 'પીપલ્સ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા' હશે. કેન્દ્રની એનડીએ સરકાર પર પ્રહારો કરતા મમતાએ કહ્યું કે નોટબંધી અને બેંક કૌભાંડો જેવા મુદ્દાઓએ ગ્રાસરૂટ લેવલ પર લોકોને પ્રભાવિત કર્યા છે અને હવે સમય આવી ગયો છે કે ભાજપ બોરિયા બિસ્તરા બાંધે.
મમતાએ ટીડીપી, ટીઆરએસ, સપા, આરજેડી, બીજેડી, એનસી અને ઝામુમો જેવા વિપક્ષી દળોના નેતાઓ સાથે મુલાકાત કરી. આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી કરી રહેલ ટીડીપી હાલમાં જ એનડીએમાંથી છૂટી પડી છે.
મુલાકાત બાદ મમતાએ કરી અનેક મહત્વની વાતો
વિપક્ષી એક્તાના મુદ્દે મમતાએ ઉત્તર પ્રદેશમાં સપા અને માયાવતીની બસપાના ગઠબંધનનું ઉદાહરણ આપતા તેમના વખાણ કર્યાં. તેમણે કહ્યું કે ગઠબંધનની મદદ કર વા માટે તમામ વિપક્ષી દળોએ એક સાથે આવવું જોઈએ. તેમણે કહ્યું કે જો અખિલેશ અને માયાવતી લખનઉમાં બેઠક બોલાવે તો અમે બધા જઈશું. જો પાર્ટી ત્યાં મજબુત હોય તો આપણે તેમની મદદ કરવી જોઈએ. બેઠક બાદ મમતાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે ઓછામાં ઓછું તે બંદૂક હાથમાં લઈને રાજકારણ તો નથી રમતા. ભાજપથી મોટો સાંપ્રદાયિક પક્ષ એક પણ નથી.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી બુધવારે ભાજપના બળવાખોર નેતાઓ શત્રુધ્ન સિન્હા, યશવંત સિંન્હા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શૌરી સાથે મુલાકાત કરવાના છે. મમતા જો કે કોંગ્રેસ વગર સંઘીય મોરચો બનાવવાના પક્ષમાં કહેવાય છે પરંતુ તેમણે એ પણ કહ્યું છે કે તેઓ રાહુલ ગાંધીના સંપર્કમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે