હાર્દિક CM તો શું સરપંચ પણ ન બની શકે તેવી ગોઠવણ? જાણો EXCLUSIVE અહેવાલ...

હાર્દિક CM તો શું સરપંચ પણ ન બની શકે તેવી ગોઠવણ? જાણો EXCLUSIVE અહેવાલ...
  • આંદોલન સમયે થયેલા કેસ મુદ્દે સાંસદોનું નવું આંદોલન, જો કે હાર્દિક મુદ્દે ચલક ચલાણું
  • પાટીદારો વિરુદ્ધના કેસ પરત ખેંચવા માટે 6 સાંસદો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યા
  • પાટીદારો વિરુદ્ધ અનામત આંદોલન સમયે થયેલા રાજદ્રોહ ઉપરાંતના તમામ કેસ પરત ખેંચવાની આંશિક તૈયારી

અમદાવાદ : વિધાનસભા ચૂંટણી 2022 પહેલા પાટીદાર મતોને કબ્જે કરવા માટે અત્યારથી જ રાજકીય કવાયત્ત શરૂ થઇ ચુકી છે. પાટીદાર અનામત આંદોલન મુદ્દે તમામ પાટીદાર સાંસદો ગાંધીનગર પહોંચ્યા છે. એક સાથે ભાજપના પાટીદાર સાંસદો મુખ્યમંત્રીને રજુઆત કરવા માટે પહોંચ્યા છે. આ તમામ સાંસદો દિલ્હીથી શિયાળુ સત્રમાથી સીધા જ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. આ સાંસદો પૈકી રમેશ ધડુક, મોહન કુંડારિયા, શારદાબેન પટેલ, એચ.એસ પટેલ, મિતેષ પટેલ અને નારણ કાછડીયાનો સમાવેશ થાય છે. આ મુદ્દે પાટીદારો સામેના 140 થી વધારે કેસો પાછા ખેંચવાની જાહેરાત થાય તેવી શક્યતા છે. નોંધનીય છે કે, આંદોલન સમયે 485 પોલીસ ફરિયાદો નોંધાઇ ચુકેલી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે પાટીદાર સાંસદો શિયાળુ સત્ર પુર્ણ કરીને સીધા જ મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સુત્રોના હવાલાથી સામે આવેલા સમાચાર અનુસાર પાટીદારો વિરુદ્ધનાં કેસો પરત ખેંચવા માટેની સરકારે તૈયારી દર્શાવી હતી. પરંતુ જે પાટીદાર યુવાનો વિરુદ્ધ રાજદ્રોહના કેસ થયા છે તેમાં લાંબી વિચારણા બાદ જ આ કેસ પરત ખેંચવા કે કેમ તે અંગે નિર્ણય લેવાશે. જેથી પાટીદાર યુવાનો સામેના સામાન્ય તોડફોડ અને અન્ય પ્રકારના કેસ પાછા ખેંચાઇ જશે. પરંતુ આ આંદોલન દરમિયાન હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયા સહિતના જે પાટીદાર યુવાનો વિરુદ્ધ રાજદ્રોહના કેસ નોંધાયા હતા તેના અંગે સરકાર હાલ તો વિચારણા કરી રહી છે. જેથી આડકતરી રીતે સરકારે આ કેસોમાંથી હાથ પાછો ખેંચી લીધો છે. આ અંગે વિચારણા બાદ જ તે નિર્ણય લેશે. 

4 દિવસ અગાઉ પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS) ના દિનેશ બાંભણીયા ઉપરાંત બિનરાજકીય લોકોએ મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હતી. જેમાં પાટીદાર અનામત આંદોલનના આગેવાનો હતા. આ બેઠક લાંબા સમયથી બાકી રહેલા પાટીદાર આંદોલન સમયના કેસ પરત ખેંચવા અંગે ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં લેઉઆ પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, કડવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા ઉમિયા માતા સંસ્થાન, ઉંઝાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત PAAS ના નેતા અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા સહિતનાં નેતાઓ હાજર રહ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અનામત આંદોલન સમયે પાટીદારો પર પોલીસ કેસ નોંધવામાં આવ્યા હતા. જેમાં કુલ 485 પોલીસ ફરિયાદો દાખલ થઇ હતી. 228 પોલીસ ફરિયાદો અત્યાર સુધીમાં રદ્દ થઇ ચુકી છે. હજી પણ 140 થી વધારે કેસો પેન્ડિંગ છે. આ ઉપરાંત પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામેલા પાટીદારોને સરકારી નોકરી આપવાનું વચન પણ હજી સરકારે પુર્ણ કર્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news