એક કડવાને બીજો કડવા પટેલ નડ્યો, રૂપાલાએ નીતિન પટેલનું પત્તું કાપી દીધું

Nitin Patel : 30 વર્ષનો બહોળો રાજકીય અનુભવ ધરાવતા નીતિન પટેલની કારકિર્દી પૂર્ણવિરામ મુકાય તો નવાઈ નહીં.. ભાજપમાંથી સતત મળી રહેલા જાકારાથી હવે દિગ્ગજ પાટીદાર નેતાનું રાજકીય કરિયર પતી જશે તેમ લાગે છે 
 

એક કડવાને બીજો કડવા પટેલ નડ્યો, રૂપાલાએ નીતિન પટેલનું પત્તું કાપી દીધું

Loksabha Elections : લોકસભાનાના 15 ઉમેદવારો જાહેર થયાના 21 કલાક બાદ નીતિન પટેલે સામેથી સોશિયલ મીડિયા થકી ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. ગુજરાતના કડવા પાટીદાર ભાજપને કેમ હવે કડવા લાગવા લાગ્યા છે એ સૌથી મોટો સવાલ છે. પાટીદાર નેતા અને એક સમયે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીએ લોકસભા માટે કરેલી દાવેદારી પરત ખેંચી લીધી છે. આ જ દાવ વિધાનસભાની ચૂંટણીમાં પણ થયો હતો. નીતિન પટેલે દાવેદારી કર્યા બાદ પ્રેશર આવતાં સામેથી દાવેદારી પરત ખેંચી લઈ ચૂપકીદી સાધી લીધી છે.

ગુજરાત ભાજપમાં જ સાઈડલાઈન
હવે સૌથી મોટો સવાલ એ છે કે નીતિન પટેલ કેમ અળખામણા થયા છે. જેઓને વિધાનસભા લડતા રોકાયા બાદ રાજ્યસભામાં સાંસદ બનાવશે તેવી પણ વાત હતી. નીતિન પટેલ હિન્દી શીખી રહ્યાં હોવાનું જણાવી સી આર પાટીલે સંકેત આપ્યો હતો કે તેઓ દિલ્હી જશે અથવા કોઈ અન્ય રાજ્યના રાજ્યપાલનું પદ મળશે પણ નીતિન પટેલ હવે ગુજરાત ભાજપમાં જ સાઈડલાઈન થઈ રહ્યાં છે. ભાજપે રાજસ્થાનની ચૂંટણીમાં સહપ્રભારી તરીકે જવાબદારી આપી હતી. નીતિન પટેલે એ સફળતાપૂર્વક નિભાવી હોવાનું એમને ઈનામ નથી મળ્યું. 

નીતિન પટેલના રાજકારણ પર પૂર્ણવિરામ
ગુજરાતમાં મોટાગજાના નેતા ગણાતા નીતિન પટેલ પાટીદારોના સ્ટ્રૉન્ગહોલ્ડ ગણાતા ઉત્તર ગુજરાતમાં પટેલ સમાજના મહત્ત્વના નેતા છે. નીતિન પટેલનો (Nitin Patel) જન્મ 22 જૂન, 1956ના રોજ મહેસાણાના વિસનગરમાં થયો હતો. આજે રાજકારણના મોટુમાથું ગણાતા 65 વર્ષીય નીતિન પટેલ હાલ પાર્ટીમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે. ક્યાંક ક્યાંક નિવેદનો આપતા જોવા મળે છે. પરંતું 30 વર્ષનો બહોળો રાજકીય અનુભવ ધરાવતા નીતિન પટેલની કારકિર્દી પૂર્ણવિરામ મુકાય તો નવાઈ નહીં. 

આબરૂ સાચવવા દાવ ખેલ્યો
ગુજરાતમાં એક પણ નેતાએ ભલે ટિકિટ ના મળી હોય પણ આ રીતે જાહેરમાં દાવેદારી પરત ખેંચી નથી તો નીતિન પટેલે શા માટે સ્પષ્ટતા કરવી પડી ? તેને લઈને ભાજપમાં જાતભાતના તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. કેટલાક નેતાઓનું કહેવું છે કે દિલ્હીથી આગોતરી જાણ કરવામાં આવતા નીતિન પટેલે આબરૂ સાચવવા માટે દાવો પાછો ખેંચ્યાનું જાહેર કર્યું છે. જેથી બીજા કોઇનું નામ જાહેર થાય ત્યારે નામ કપાયું, ટિકિટ મળી નહીં તેવી વાતો થાય નહીં. ભાજપમાં સ્ટ્રેટેજી મેકર્સ તરીકે ટોચના નેતાએ કહ્યું કે શનિવારે જેવું પુરુષોત્તમ રૂપાલાને રાજકોટમાંથી ચૂંટણી લડાવવાનું જાહેર થયું કે તરત મહેસાણાથી નીતિન પટેલને ટિકિટ નહીં મળે તેમ સ્પષ્ટ થઈ ગયું હતું. કારણ કે આ બંને કડવા પટેલ છે અને કેન્દ્રમાં મંત્રીપદ તો બેમાંથી એકને જ મળે. 

સૌરાષ્ટ્રને ગોળ, ઉત્તર ગુજરાતને ખોળ
નીતિન પટેલને સાંસદ બને તો તેમને ફક્ત સાંસદ તરીકે બેસાડી રખાય નહીં એટલે તેમને દિલ્હીથી દાવેદારી પાછી ખેંચી લેવા કહેવાયાની ચર્ચા છે. જોકે, નીતિન પટેલની ઉંમર વધી રહી છે આ સંજોગોમાં ભાજપ એમને સાઈડલાઈન કરી દે તો પણ નવાઈ નહીં. પુરષોત્તમ રૂપાલા મોદી સરકારમાં હાલમાં ચાલુ મંત્રી છે, જેઓ દિલ્હી હાઈકમાન્ડની નજીકના છે. જેઓ ભાજપના એક સમયે સંકટ મોચક પણ સાબિત થયા છે. સૌરાષ્ટ્રમાં પુરષોત્તમ રૂપાલાનો દબદબો છે. ભાજપે સૌરાષ્ટ્રના કડવા પાટીદારને સાચવવા માટે ઉત્તર ગુજરાતના કડવા પાટીદાર નેતાને કાપી દીધા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news