ચૂંટણી આવે એટલે સોલંકી બ્રધર્સને હંમેશાં વાંકું કેમ પડે છે? શું કોળી મુખ્યમંત્રીની દાવેદારી શક્ય છે ખરી?

Updated By: Jun 25, 2021, 12:07 PM IST
ચૂંટણી આવે એટલે સોલંકી બ્રધર્સને હંમેશાં વાંકું કેમ પડે છે? શું કોળી મુખ્યમંત્રીની દાવેદારી શક્ય છે ખરી?
 • ગુજરાતમાં સૌથી મોટી વોટબેન્ક એવા કોળી સમાજમાંથી ફક્ત એક વાર નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે
 • સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતના ૮ જિલ્લાની ૩૫-૩૭ વિધાનસભા બેઠકો પર કોળી સમાજ નિર્ણાયક સાબિત થાય છે
 • સી.ડી.પટેલના ટૂંકા કાર્યકાળને બાદ કરતાં એકપણ કોળી નેતા નાયબ મુખ્યમંત્રી પણ બન્યા નથી

ઝી મીડિયા/બ્યૂરો :પાટીદાર મુખ્યમંત્રી અંગેના ખોડલધામ પ્રણેતા નરેશ પટેલના વિધાને ગુજરાતની રાજનીતિમાં વમળો સર્જી દીધા છે. હવે કોળી સમાજના દિગ્ગજ નેતા પરશોતમ સોલંકીએ પણ હવે તીખા તેવર અપનાવ્યા છે. વાવાઝોડા પછીની રાહત કામગીરીમાં માછીમારોને અપાયેલી સહાય અપૂરતી હોવાના મુદ્દે રાજીનામું આપવાની તૈયારી પણ દર્શાવી દીધી છે. મંત્રી હોવા છતાં મોટાભાગે નાદુરસ્તીના કારણોસર નિષ્ક્રિય રહેતાં પરશોતમ સોલંકી ચૂંટણી આવે એટલે સક્રિય થઈ જાય એવું આ પહેલાં પણ બનતું રહ્યું છે. 

કોળી વોટબેન્કના હાથમાં સત્તાની ચાવી

ગુજરાતની રાજનીતિમાં પાટીદાર વોટબેન્ક સૌથી પ્રભાવશાળી મનાય છે. પરંતુ હકિકત એ છે કે જનસંખ્યાની દૃષ્ટિએ કોળી સમાજ ૨૩ ટકા જેટલું પ્રભુત્વ ધરાવે છે અને ગુજરાત વિધાનસભાની કુલ ૧૮૨ પૈકી ૩૫-૩૭ બેઠકો પર કોળી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની ૨૨થી ૨૫ બેઠકો અને દક્ષિણ ગુજરાતની ૧૦-૧૨ બેઠકો ગણી શકાય છે. સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતના કોળીઓ વચ્ચે રાજકીય મહત્વાકાંક્ષા, અપેક્ષાઓ અંગે એકમતી નથી હોતી. આમ છતાં કોળી સમાજની
અવગણના કરવાનું એક પણ પક્ષને પોસાય એમ નથી. 

કાંઠા વિસ્તારના ૮ જિલ્લાઓમાં પ્રભુત્વ

દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતાં અને મુખ્યત્વે સાગરખેડુ મનાતા કોળીઓ મહેનતકશ પ્રજા છે. લાંબા સમય સુધી મુખ્યધારાથી વંચિત રહ્યા હોવાથી સમાજમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે. આઝાદી પછી કોંગ્રેસની અડીખમ વોટબેન્ક ગણાતી હતી, પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી તેમાં તગડું ગાબડું પાડવામાં ભાજપે સફળતા મેળવી છે. સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતના ૮ જિલ્લાઓમાં કોળી મતદારો નિર્ણાયક પરિબળ છે. 

કોળી મતદારો:

 • ભાવનગર - 18%
 • સુરેન્દ્રનગર - 15%
 • જૂનાગઢ - 11%
 • અમરેલી - 12%
 • પોરબંદર - 11%
 • નવસારી - 10% 
 • વલસાડ - 08% 
 • ભરૂચ - 07%

સોલંકી બ્રધર્સ માટે નિર્ણાયક જંગ

દરેક વખતે ચૂંટણી આવે એટલે સોલંકી બ્રધર્સ તરીકે જાણીતા પરશોતમ સોલંકી અને તેમના ભાઈ હીરાલાલ સોલંકીને સરકાર અને સંગઠન સામે વાંધા પડવાના શરૂ થઈ જાય. ૨૦૧૭ની ચૂંટણી પહેલાં પણ બંને ભાઈઓએ બાંયો ચડાવી હતી અને કોળી સંમેલનોના નામે સરકારનું નાક દબાવ્યું હતું. જેને લીધે સરકારે હીરાલાલને સંસદિય સચિવની લોલિપોપ આપીને સમજાવી લીધા હતા. જોકે ચૂંટણીમાં હીરાલાલ હારી ગયા હતા, પરંતુ સિહોર બેઠક પરથી પરશોતમ સોલંકી જીતી જતાં રાબેતા મુજબ તેમનો મંત્રીમંડળમાં સમાવેશ કરવો પડ્યો હતો. આ વખતે સોલંકી ભાઈઓ માટે ‘અભી નહિ તો કભી નહિ’ જેવી સ્થિતિ છે. 

સોલંકી સામે બાવળિયા

ચૂંટણી ટાણે નાક દબાવવા ટેવાયેલા સોલંકી બ્રધર્સ સામે ભાજપે કોંગ્રેસમાંથી કુંવરજી બાવળિયાને લાવીને નવા સમીકરણો ઊભા કરવાનો પ્રયાસ કર્યો છે. ભાવનગર, જુનાગઢ, અમરેલી જિલ્લામાં પરશોતમ સોલંકીનો દબદબો છે, જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ પંથકમાં બાવળિયાનો પ્રભાવ છે. અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે પણ બાવળિયા પ્રભાવશાળી મનાય છે. 

મુખ્યમંત્રીપદની દાવેદારી કેટલી શક્ય? 

કોળી સમાજ ગુજરાતમાં સૌથી વધુ જનસંખ્યા ધરાવતો હોવા છતાં આજ સુધી કદી ગુજરાતને કોળી મુખ્યમંત્રી નથી મળ્યા. દ. ગુજરાતના દિગ્ગજ નેતા છગનભાઈ દેવાભાઈ પટેલ (સી.ડી.પટેલ) છબીલ મહેતાની સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા. એ ટૂંકાગાળાના એકમાત્ર અપવાદને બાદ કરતાં કોંગ્રેસ કે ભાજપે હજુ સુધી કોળી સમાજને મુખ્યમંત્રીપદ આપવાનું ટાળ્યું છે. નેતાઓમાં એકસંપ હોય અને સૌરાષ્ટ્ર-દ.ગુજરાતનો કોળી સમાજ એકમત ધરાવતો થાય તો કોળી મુખ્યમંત્રીનું સ્વપ્ન સાકાર થવાનું મુશ્કેલ નથી, પરંતુ સૌથી મોટો સવાલ એકસંપ અને એકમત થવાનો જ છે.