Gujarat Election 2022 Voting: મતદાન ઘટ્યું છતાં કેમ પડ્યા વધારે મત? ભાજપને થશે લાભ! જાણો આંકડાની માયાજાળ
Gujarat Election 2022 Voting: વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી રેકોર્ડ 61% મતદાન નોંધાયું હતું. તાપીમાં સૌથી વધુ 72.32 મતદાન નોંધાયું હતું સવારથી જ અનેક મતદાન મથકો પર મતદારોની કતારો લાગી ગઈ હતી.
Trending Photos
Gujarat Election 2022 Voting: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પ્રથમ તબક્કાના 19 જિલ્લાની 89 બેઠકોનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. કેટલીક બેઠકો પર મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો કેટલીક બેઠકો પર ધીમી ગતિએ મતદાન થયું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 61% મતદાન નોંધાયું હતું. એક તરફ હાલ ચારેબાજુ ઓછા મતદાનને લઈને ચર્ચાઓનો દોર શરૂ થયો છે. પણ હકીકતે પહેલાં કરતા મતદાન વધ્યું છે. ઝી24કલાક તમને સમજાવશે મતદાનનું સાચું ગણિત...સરળ શબ્દોમાં કહીએ તો આ વખતે મતદાન ઘટ્યું હોવા છતાંય મતપેટીમાં વધારે મત પડ્યાં છે!
વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 68 ટકા મતદાન થયું હતું. પરંતુ તેની સરખામણીએ વર્ષ 2022માં માત્ર 61 ટકા જ મતદાન નોંધાયું છે. આમ, અહીં મતદાનની ટકાવારી ગત ચૂંટણી કરતા 7 ટકા ઘટી છે. આ સિક્કાનું માત્ર એક જ પાસું છે. જોકે સિક્કાનું બીજું પાસે જાણવા માટે આપણે આ ગણિત સમજીએ. એક તરફ ઓછા મતદાનથી ઉમેદવારો પણ ભારે મૂંઝવણમાં મૂકાયા છે. હાલ ચારેબાજુ ઓછા મતદાનથી કઈ પાર્ટીને નુકસાન અને કઈ પાર્ટીને ફાયદો થશે તેના ગણિત વિશે ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ હાલ એક સીધું ગણિત અમે તમને બતાવવા જઈ રહ્યા છે.
જાણો મતદાનનું સાચું ગણિત?
જો આપણે 2017 અને 2022ની વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની વાત કરીએ તો 2017માં 68 ટકા મતદાન થયું હતું. તે વખતે કુલ મતદારો 2 કરોડ 12 લાખ હતા. જેમાં 1 કરોડ 44 લાખ લોકોએ 2017માં મતદાન કર્યું હતું. પરંતુ વર્ષ 2022ની વાત કરીએ તો આ વખતે નવા વોટર્સ વધ્યા છે. આ વખતે મતદારોની સંખ્યા 2 કરોડ 39 લાખ હતી. જેમાંથી 1 કરોડ 46 લાખ લોકોએ મતદાન કર્યું છે. એ પ્રમાણે મતદારોની સંખ્યા જોવા જઈએ તો 61 ટકા મતદાન થયું છે. પણ જો 2017ની ચૂંટણી કુલ મતદાનનો આંકડો જોવા જઈએ તો આ વખતની ચૂંટણીમાં 2 લાખ મત વધારે પડ્યા છે. વર્ષ 2017ની સરખામણીએ આ વખતે 27 લાખ મતદારો વધ્યાં છે. એટલેકે, 27 લાખ નવા મતદારોનો આ યાદીમાં સમાવેશ થયો છે.
વર્ષ 2017ની ચૂંટણીના લેખાજોખા-
વર્ષ 2017માં પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સાંજે મતદાનની ટકાવારી વધીને 68 ટકા થઈ ગઈ હતી. તે વખતે પણ ગુજરાતની ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 977 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 2.12 કરોડ લોકો મતદાન કરવા પાત્ર હતા.
ગુજરાતની ચૂંટણીના ઈતિહાસ પર નજર કરીએ તો સામાન્ય રીતે વધારે મતદાન હંમેશાં ભાજપની તરફેણમાં રહ્યું છે. અને એ જ કારણ છે પ્રધાનમંત્રી મોદી પોતે પણ વધુ મતદાન માટે સતત અપીલ કરતા રહ્યા છે. ઘણી સભાઓ અને રેલીઓમાં પણ પીએમ મોદીએ લોકોને કહ્યું છે કે મત તમે ગમે તે પાર્ટીને આપો. પરંતુ મતાધિકારનો ઉપયોગ જરૂર કરો. આ ગણિત પર બંધ બેસીએ તો આ વખતનો આંકડો ભાજપને નફો કરાવી શકે છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી રેકોર્ડ 61% મતદાન નોંધાયું હતું. તાપીમાં સૌથી વધુ 72.32 મતદાન નોંધાયું હતું. પ્રથમ તબક્કાના મતદાન માટે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. પ્રથમ કલાકમાં લગભગ પાંચ ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે સવારે 11 વાગ્યા સુધી 18.95 ટકા મતદાન નોંધાયું હતું. સવારથી જ અનેક મતદાન મથકો પર મતદારોની કતારો લાગી ગઈ હતી.
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્ર પ્રદેશના 19 જિલ્લાઓમાં 788 ઉમેદવારો મેદાનમાં છે. આ ઉમેદવારોમાં 70 મહિલા અને 339 અપક્ષ છે. 89 બેઠકોમાંથી 14 અનુસૂચિત જનજાતિ અને સાત દલિતો માટે અનામત છે. બીજા તબક્કામાં 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે મત ગણતરીની પ્રક્રિયા 8મી ડિસેમ્બરે હાથ ધરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે