કોઈ બીમારી નહોતી છતા ઓપરેશન કરી નાંખ્યું! ખ્યાતિ હોસ્પિટલ અંગે નીતિન પટેલનું મોટું નિવેદન
Khyati Hospital : ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત થતા અમદાવાદનું આરોગ્ય વિભાગ એક્શનમાં... AMCની ટીમે હોસ્પિટલ પહોંચી હાથ ધરી તપાસ.. તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, હોસ્પિટલ સામે થશે દાખલારૂપ કાર્યવાહી..
Trending Photos
Ahmedabad News : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોતથી હંગામો થયો છે. એન્જિયોગ્રાફી અને સ્ટેન્ટ મુક્યા બાદ 2 દર્દીના મોત થયાનો આક્ષેપ થયો છે, તો અન્ય 5 દર્દીઓ પણ સારવાર હેઠળ છે. આ ઘટના બનતા જ હોસ્પિટલના સત્તાધીશો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. બીજી તરફ, ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મોત મામલે તપાસના આદેશ આપ્યા છે. PMJAYના સ્ટેટ એન્ટિ-ફ્રોડ યુનિટ દ્વારા દ્વારા તપાસનો આદેશ અપાયા છે કે, શું સમગ્ર કૌભાંડ PMJAY ના નાણાં મેળવવા માટે કરાયું હતું. ત્યારે આ વચ્ચે પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે દર્દીઓના સગાઓની મુલાકાતે પહેચ્યા હતા. તેમણે મૃતકોના પરિવારજનો સાથે વાત કરી હતી. સાથે જ આ ઘટના અંગે દુખ વ્યક્ત કરતા કહ્યું કે, જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહિ આવે.
યોજનાનો દુરુપયોગ થયો - નીતિન પટેલ
ઘટનાની જાણ થતા જ પૂર્વ Dy.CM નીતિન પટેલ ખ્યાતી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે દર્દીઓ તથા સ્વજનો સાથે મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી. નીતિન પટેલે કહ્યું કે, આ કેસમાં સ્પષ્ટ દેખાય છે કે, આ કેસમાં જુદી રીતે ધંધાદારી રીતે લોકોને લાવી દીધા હતા. દર્દીને જરૂર છે કે નહિ તે પણ પ્રસ્થાપિત થતુ નથી. એક ગામમાંથી એક કરતા વધુ લોકોને એન્જ્યોગ્રાફી માટે લાવવા અને એન્જિયોપ્લાસ્ટીક કરી દેવી તેમજ બધાનું ઓપરેશન કરી દેવું, આ બધું અતિરેક, બિનજરૂરી અને બનાવટી લાગે છે. સરકાર અને આરોગ્ય વિભાગે તેની સામે જરૂરી હોય તેવી કડક કાર્યવાહી કરવી જોઈએ. મધ્યમવર્ગીય અને ગરીબ દર્દીઓ માટે આ ખૂબ જ ઉપયોગી સેવા છે. તેનો દુરુપયોગ થયો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. બોરીસાણા ગામ મારા કડી તાલુકાનું ગામ છે. મારા નજીકના લોકો છે. મારા મિત્રો, સંબંધીઓ, કાર્યકર્તાઓ ત્યાં કામ કરે છે. મને ત્યાંથી અનેક લોકોના ફોન આવ્યા, તેથી હું અહી આવ્યો છું. બધાને મળ્યા બાદ હું વધુ વિગતો મેળવીશ.
બોરીસણા ગામમાં રોષ
આ ઘટના બાદ મહેસાણાના બોરીસણા ગામમાં ભારે રોષ જોવા મળ્યો છે. કારણ કે, ખ્યાતિ હોસ્પિટલે આ ગામમાં જ કેમ્પ યોજ્યો હતો. જેના બાદ દર્દીઓને અહી બોલાવવામાં આવ્યા હતા. બે વ્યક્તિઓના મોતને લઇ ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. હોસ્પિટલ સંચાલક સામે કાર્યવાહી કરવા ગ્રામજનો દ્વારા માંગ કરાઈ છે. સરકારી યોજનાઓના લાભ માટે કેમ્પ યોજયાનો આરોપ ગ્રામજનોએ મૂક્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, આયુષ્માન કાર્ડ માંથી દોઢ લાખ કપાયા છે.
પરમિશન વગર યોજ્યો હતો કેમ્પ
ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ ઘટસ્ફોટ થયો છે. ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. મહેસાણામાં પરવાનગી વગર કેમ્પ યોજ્યો હતો. આરોગ્ય કચેરીની પરમિશન લીધા વગર કેમ્પ યોજ્યો હતો તેવું કડીના તાલુકા હેલ્થ ઓફિસર ધર્મેન પટેલે જણાવ્યું. તેમણે કહ્યું કે, તાલુકા હેલ્થ ઓફિસની કચેરીએ પરમિશન લેવાની હોય છે. કોઈપણ પરમિશન લેવામાં આવી નહોતી. ઘટના બાદ તાલુકા હેલ્થ ઓફિસ કડીની ટીમ બોરીસણા ગામે પહોંચી હતી.
બે વર્ષ પહેલા પણ આ જ હોસ્પિટલમાં દર્દીના મોત થયા હતા
અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલની વધુ એક ભૂલ છતી થઈ છે. અગાઉ પણ ખ્યાતિ હોસ્પિટલે માસુમોના ભોગ લીધા છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આ કોભાંડ બીજીવાર સર્જાયું છે. વર્ષ 2022 માં પણ આજ કોભાંડ આચરવામાં આવ્યું હતું. સાણંદના તેલાવ ગામમાં કેમ્પ યોજી લોકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. ત્રણ દર્દીઓને હોસ્પિટલમાં લાવી સ્ટેન્ટ મુક્તા દર્દીનું મોત થયું હતું. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ કરી હતી. ત્યારે ફરી એક વખત ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આવુ જ કૌભાંડ આચરાયું છે.
હોસ્પિટલના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા
ખ્યાતિ હોસ્પિટલમાં મોતનું કૌભાંડ સામે આવતા જ ખ્યાતિ ગ્રુપના ચેરમેન કાર્તિક પટેલ ભૂર્ગભમાં ઉતરી ગયા છે. બે નિર્દોષના મોત છતાં કાર્તિક પટેલ ક્યાંય જોવા મળ્યા નથી. બે-બે દર્દીના મોત છતાં કાર્તિક પટેલના પેટનું પાણી હાલ્યું નથી. ખ્યાતિ ગ્રુપના ચેરમેન કાર્તિક.જે.પટેલ ક્યારે આવશે બહાર? ખ્યાતિ ગ્રુપની હોસ્પિટલનું તમામ સંચાલન ચિરાગ રાજપૂત કરે છે. હોસ્પિટલમાં ચિરાગ રાજપૂતની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. ચિરાગ રાજપૂત ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર છે.
ખ્યાતિ હોસ્પિટલનની ઘટના પર PMJAY ડાયરેક્ટર યુ.બી.ગાંધીએ નિવેદન આપતા જણાવ્યું કે, પીએમજેવાયના રૂપિયા લેવા માટે આ પ્રકારની ઘટના બની હોવાનું સરકારને પણ ધ્યાનમાં આવ્યું છે. આ અંગે તપાસ ચાલી રહી છે અત્યારે હોસ્પિટલના તમામ રૂપિયા હોલ્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. તપાસ દરમિયાન આ હકીકતો સામે આવશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. આ પ્રકારની ઘટનાઓમાં આવી હોસ્પિટલો સામે પગલા ભરવામાં આવે છે. અમારી કોઈપણ જાતની મંજૂરી સાથે હોસ્પિટલે સારવાર કેમ્પ કર્યો ન હતો. PMJAY માં દર્દીઓ આવતા હોવાથી તેઓને વિનામૂલ્યે લઈ લાવા લઈ જવાની સગવડ હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. આમાં PMJAY ની કોઈ મંજૂરી ન હતી. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ બોરીસણા ગામ ખાતે આયોજન કરાયો હતો. દર્દીઓને હોસ્પિટલ લઈ જઈ એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. એક્સ્પર્ટ ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવશે કે ખરેખર ઓપરેશનની જરૂર હતી કે નહિ. હોસ્પિટલના દર્દીઓના પેમેન્ટ હોલ્ડ પર મુકી દઈશું. ડોક્ટર અને હોસ્પિટલ સસ્પેન્શનના પગલા લેવાયા છે. PMJAY ના નામે જોગવાઈ નથી. કેમ્પની કાર્યવાહી ન કરવા સૂચના આપીશું.
કોંગ્રેસનો આક્ષેપ
ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન બાદ દર્દીઓના મોતનો મામલે કોંગ્રેસની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડો મનીષ દોશીના સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, આયુષ્માન કાર્ડ લાભાર્થીઓની તપાસના નામે મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. પરિવારની જાણ બહાર બારોબાર ઓપરેશન કરી દેવાનું નેટવર્ક ચાલી રહ્યું છે. સરકારી હોસ્પિટલોનું માળખું તોડી ખાનગીકરણ કરી નાખંવામાં આવ્યું. જિલ્લાથી લઇ રાજ્યની હોસ્પિટલો ખાનગી લોકોને અપાઈ રહી છે. આરોગ્ય વિભાગની જવાબદેહી અને જવાબદારી નક્કી થવી જોઈએ. ભૂતકાળની એકેય ઘટનામાં કોઈજ પગલાં કે સબક લેવાયા નથી. અમરેલી, વિરમગામ, રાજકોટની ઘટનામાં લોકો હજી ન્યાય ઝંખી રહ્યા છે. આરોગ્ય વિભાગને દવા અને સાધનો ખરીદીના ટેન્ડરો સિવાય એકેય કામમાં રસ નથી. આવા કેટલાક તકવાદી તબીબોના કારણે આવી ઘટનાઓ સર્જાય છે. Pmjay યોજના મામલે કેગનો અહેવાલ ચોંકવનારો છે. કેગના અહેવાલ પછી પણ આ ગોલમાલ રોકવા કોઈ જ કામગીરી કરી નથી. તમામ ગુનાહિત બેદરકારી દાખવનારા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે