લાડલી પૌત્રીને ઉંચકીને અમિત શાહે વિક્ટરી સાઈન બતાવી
Trending Photos
- 577 ભાજપ, 566 કોંગ્રેસ, 91 NCP, 470 AAP અને 353 અન્ય પક્ષો તથા 228 અપક્ષો મેદાનમાં છે
- આજે કુલ 1 કરોડ 14 લાખ 66 હજાર 973 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં આજે મતદાનનો મહાદિવસ છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સવારે 7 ના ટકોરે મતદાન (gujarat election) ની શરૂઆત થઈ ગઈ છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. મહાનગરપાલિકાની કુલ 575 બેઠકો માટે 2276 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 577 ભાજપ, 566 કોંગ્રેસ, 91 NCP, 470 AAP અને 353 અન્ય પક્ષો તથા 228 અપક્ષો મેદાનમાં છે. 6 મહાનગરોમાં મતદાન માટે 11 હજાર 121 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ચૂંટણી પંચ મુજબ, 2255 સંવેદનશીલ મતદાન મથકો, જ્યારે 1188 અતિસંવેદનશીલ મતદાન મથકો છે. ગુજરાતમાં આજે કુલ 1 કરોડ 14 લાખ 66 હજાર 973 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 51 ચૂંટણી અધિકારીઓ સત્તાવાર મદદનીશ ચૂંટણી અધિકારી તૈનાત કરાયા છે. તો 63 હજાર 209 પોલિંગ સ્ટાફ, 32 હજાર 263 પોલીસ જવાનો ચૂંટણી કામગીરીમાં રોકાયા છે.
ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું
ગૃહમંત્રી અમિત શાહ આજે મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન માટે અમદાવાદ આવ્યા છે. તેમણે નારણપુરામાં પોતાના વોર્ડમાં મતદાન કર્યું હતું. સમગ્ર પરિવાર સાથે તેઓ મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન બૂથથી બહાર આવ્યા બાદ તેમણે વિક્ટરી સાઈન બતાવી હતી. મતદાન વેળાએ અમિત શાહ પોતાની લાડલી પૌત્રી સાથે દેખાયા હતા. મતદાન બાદ સમગ્ર શાહ પરિવારે વિક્ટરીની સાઈન બતાવી હતી. મતદાન બાદ તેમણે કહ્યું કે, આજે ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીથી શરૂ થઈને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓના શ્રીગણેશ થયા છે. ગુજરાતમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ગુજરાતના ખૂણે ખૂણે વિકાસયાત્રા શરૂ કરી હતી. જંગલ, પહાડી, સાગર, શહેર-ગામમાં સર્વસમાવેશી સર્વસ્પશીય વિકાસની શરૂઆત કરી. આ યાત્રા સમગ્ર ભારત માટે અનુકરણીય યાત્રા બની છે. ભારતમાંથી અનેક રાજ્યો એ દિશામાં સંપૂર્ણ વિકાસ માટે આગળ વધી રહ્યાં છે. મને આશા છે કે, ભારે સંખ્યામાં ગુજરાતના મતદાતા મતદાન કરશે અને અંતે વિજય વિકાસનો જ છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાજપે દેશભરમાં વિજયનો પરચમ લહેરાવ્યો છે. ત્યારે જ્યાંથી વિજયની શરૂઆત થઈ છે, તે ગુજરાતમાં ભાજપ ફરીથી વિજય મેળવશે.
તો પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. તો કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી વિજય રૂપાણી બપોરે 4 વાગ્યે રાજકોટમાં મતદાન કરવા નીકળશે. કોરોનાગ્રસ્ત હોવાથી તેઓ મતદાનના અંતિમ સમયમાં પીપીઈ કીટ પહેરીને મતદાન કરશે અને ત્યાંથી અમદાવાદ પરત ફરીને યુએન હોસ્પિટલમાં ફરી દાખલ થશે.
મતદાન મથકથી સીધી ખબર Live....
-
આમ આદમી પાર્ટીના ઝીલબેન લોઢિયાએ ઝી 24 કલાકની ખાસ વાતચીતમાં કહ્યું કે, આમ આદમી પાર્ટીમાંથી ગુજરાત અને રાજકોટમાં સૌપ્રથમ વખત લોકોનો વિકલ્પ બનીને ઉભી છે. સારામાં સારી સીટો ઉપર કોર્પોરેશનમાં અમે સત્તા ધરાવીશું. એક પક્ષ નિષ્ફળ અને બીજો પક્ષ નિષ્ક્રિય બન્યો છે. પ્રજા જ્યારે વિકલ્પ માટે વિચાર કરી રહી હતી ત્યારે આમ આદમી પાર્ટીએ લોકોનો વિશ્વાસ અને દિલ જીત્યા. દિલ્હીમાં 6 વર્ષની અંદર જેવા કામો થાય છે, એવા જ કામો અમે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતીને કરીશું. લોકોને સાથે રાખીને નગરરાજ બિલ લાવીને આ વખતે આમ આદમી પાર્ટી સત્તા પર આવશે.
11.29 કલાકે ભાવનગરમાં વોર્ડ નં 1 અને વોર્ડ નં 3 માં ઈવીએમ બંધ પડ્યા હતા. બંઘ પડેલા ઈવીએમને ચાલુ કરવા તાત્કાલિક તંત્રને જાણ કરાઈ હતી. જેને પગલે મતદાન અટકી પડ્યું હતું. તો રાજકોટની કે.જી. ધોળકીયા સ્કૂલના મતદાનમથક પર રૂમ નં. 4માં EVMમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ હરસોડાનું બટન બગડ્યું હતું. ચૂંટણી અધિકારીને ફરિયાદ કરતા થોડી વાર માટે મતદાન અટકાવાયું હતું.
11.12 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે પરિવાર સાથે મતદાન કર્યું છે. તો વડોદરામાં મૂળ નેપાળી એવા સોનક રાજાએ પોતાના લગ્નના દિવસે જ મતદાન કર્યું. વરરાજા સોનકે છત્રપતિ શિવાજી મહારાજ સ્કૂલમાં મતદાન કર્યું. તેમનો પરિવાર અમદાવાદ જાન લઈને નીકળે તે પહેલાં વડોદરામાં મતદાન કર્યું હતું. તેઓ વરરાજાના વેશમાં પિતા સાથે મતદાન બૂથ પહોંચ્યા હતા. લગ્ન પહેલા મતદાન કરી લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.
- 11.05 કલાકે ભાવનગરના ચિત્રા ફુલસર વોર્ડના મતદાન મથક 21 માં બોગસ વોટિંગનો આક્ષેપ ઉઠ્યો હતો. ચિત્રા ફુલસર નારી વોર્ડમાં મસ્તરામ બાપ શાળામાં બોગસ વોટિંગ થયું હોવાની ફરિયાદ થઈ. મહિલાના નામે કોઈ અન્ય મહિલા મતદાન કરીને ગઈ હોવાનું સામે આવ્યું છે. આ અંગે અપક્ષ ઉમેદવાર મનહર રાઠોડે લેખિતમાં અધિકારીને ફરિયાદ કરી હતી.
-
સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા મતદાનના 2 કલાક પૂરા થઈ ગયા છે. આ બે કલાકમાં અંદાજે 1.53 ટકા જેટલું મતદાન થયું છે. રવિવારનો દિવસ હોવાથી થોડું ઓછું મતદાન થુયં છે. લોકો ધીરે ધીરે બહાર નીકળી રહ્યાં છે. રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઈટ પર આ આંકડા મૂકાયા છે. જેમાં પ્રથમ બે કલાકમાં 6 કોર્પોરેશનમાં 1.53 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ મતદાન 4.1 ટકા રાજકોટમાં નોંધાયું છે. સૌથી ઓછું મતદાન અમદાવાદ શહેર 0.16 ટકા નોંધાયું છે. અમદાવાદમાં સૌથી વધુ મતદાન વાસણા વોર્ડમાં 3 ટકા થયું છે. તો સૌથી ઓછું મતદાન અમદાવાદના ગોતા વોર્ડમાં 0.00% થયું છે. ચૂંટણી આયોગના આંકડા પ્રમાણે પ્રથમ 2 કલાકની મતદાનની ટકાવારી મુજબ, રાજકોટ 4.1, ભાવનગર 3.52, જામનગર 3.24, બરોડા 2.99, સુરત 0.92, અમદાવાદ 0.16
9.14 કલાકે સીએમ રૂપાણી બપોરે 3 કલાકે રાજકોટ જવા રવાના થશે. તેઓ સાંજે 5 વાગ્યે રાજકોટના વોર્ડ નંબર-10ના બુથ નંબર-2માં મુખ્યમંત્રી રૂપાણી મતદાન કરશે. પ્રદેશ ભાજપે અખબાર યાદી આપી સત્તાવાર જાહેરાત કરી છે. તો તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી પણ તેમની સાથે મતદાન કરશે.
- 8.35 કલાકે અમદાવાદ શહેર પ્રમુખ શશીકાંતભાઈ પટેલ, કોંગ્રેસના ગાયત્રી બાએ મતદાન કર્યું. વડોદરામાં બીએપીએસ અટલાદરા સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કર્યું. 30 થી વધુ સંતોએ મતદાન કર્યું. જેમાં જ્ઞાન વત્સલ સ્વામી અને કોઠારી સ્વામી ભાગ્ય સેતુ સ્વામીએ પણ મતદાન કર્યું. તો સાથે જ સંતોએ મતદાન કરી લોકોને મત આપવા અનુરોધ કર્યો.
- 8.26 કલાકે રાજકોટના પડધરી ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ રૈયા રોડ પર આવેલ અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ ખાતે મતદાન કર્યું. તેઓ સમગ્ર પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, મતદાનથી સત્તા પરિવર્તન થાય છે, મતદાનથી લોકશાહી બચે છે. લોકશાહી અને દેશને બચાવવા મેં મતદાન કર્યું છે. ખેડૂત 5 વર્ષે પાક બદલે છે, હવે જનતાને પાક બદલવાનો મોકોલો છે. રાજસ્થાનની પેટર્ન અપનાવી લોકો મતદાન કરે એવી અપીલ કરું છું.
- 8.11 કલાકે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને તેમના પત્નીએ મતદાન કર્યું. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ગુજરાતના રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) એ મતદાન કર્યું. વોર્ડ નંબર 5 માં આવેલ શિશુ વિહાર પર મતદાન કર્યું. અમદાવાદ કૌશિક પટેલ પરિવાર સાથે મતદાન માટે પહોંચ્યા.
- 7.44 કલાકે વડોદરા ભાજપ પ્રમુખ ડો વિજય શાહ મત આપવા પહોંચ્યા. કેળવણી સ્કુલના મતદાન કેન્દ્રમાં મત આપ્યા બાદ તેમણે ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, વડોદરામાં ભાજપ તમામ 76 બેઠકો જીતશે. કોંગ્રેસનો મેયર બનશે તે વાહિયાત વાત છે. વડોદરામાં આ વખતે 65 ટકા જેટલું મતદાન થશે. મહત્વની વાત છે કે વડોદરામાં કોર્પોરેશન ચૂંટણીમાં આજદિન સુધી 50 ટકાથી વધુ મતદાન નથી થયું. તો સાંસદ રંજનબેન ભટ્ટ પણ વહેલી સવારમાં મતદાન કરવા પહોંચ્યા. તેમણે વોર્ડ નંબર 2 માં મહેસાણા નગર સરસ્વતી સ્કૂલમાં મતદાન કર્યું. તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી.
- 7.30 કલાકે જૂની પેઢીમાં મતદાનનો ઉત્સાહ ગજબ હોય છે. તેનુ ઉદાહરણ અમદાવાદમાં જોવા મળ્યું. લોકશાહીના પર્વની ઉજવણી માટે સૌથી પહેલા વૃદ્ધ મતદારો બહાર નીકળ્યા છે. ચાલી નથી શક્તા, તકલીફ છે, સહારો લીધો છે છતાં અમદાવાદમાં વૃદ્ધ દંપતી મતદાન કરવા પહોંચ્યું હતું. 83 વર્ષના અંબાલાલ જાધવ અને 83 વર્ષીય તેમના ધર્મપત્ની નિર્મલાબેન જાધવ આજે લાકડીના ટેકે મતદાન કરવા પહોંચ્યા હતા
- 7.15 કલાકે છાણી ગામની ગંગાબાઈ સ્કૂલ ખાતે વોર્ડ નંબર 1માં ઈવીએમ મશીન ખોટકાયું. સવાર સવારમાં બૂથ પર પહોંચેલા અનેક મતદારો અટવાયા. હાલ મશીન રિપેરીંગ કામગીરી હાથ ધરાઈ.
- 7.12 કલાકે ગુજરાત કોગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ મતદાન કર્યું. તો કેબિનેટ મંત્રી સૌરભ પટેલે મતદાન કરીને મતદારોને બહાર નીકળી મતદાન કરવા અપીલ કરી. તેમણે કહ્યું કે, 5 વર્ષ ખાલી સલાહ આપવા કરતા બહાર નીકળી મત આપો. રાજકોટમાં નીતિન ભારદ્વાજે મતદાન કર્યું. કોટેચા ગર્લ સ્કૂલ ખાતે નીતિન ભારદ્વાજે પત્ની સાથે આવીને મતદાન મતદાન કર્યું.
ગાંધીનગરથી કન્ટ્રોલ
મતદાનનો દિવસ હોઈ રાજ્ય ચૂંટણી આયોગ સવારે છ વાગ્યાથી કચેરી ધમધમી ઊઠી હતી. ચૂંટણી આયોગમાં સૌથી વધુ કર્મચારીઓને ગરમાગરમ બટાકા પૌવા અને ચા સવારના નાસ્તામાં આપવામાં આવ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર સ્થિત કચેરીમાં અને મતદાન બુથ સુધી તેના કર્મચારીઓનું ખાસ ધ્યાન રાખવાનું આયોજન કરાયું છે. રાજ્ય ચૂંટણી આયોગના 62236 પોલીંગ સ્ટાફને પણ તેમના બુથ ઉપર સવારનો ચા-નાસ્તો મળે અને બપોરનું ભોજન મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. તો ગાંધીનગર સ્થિત રાજ્ય ચૂંટણી આયોગની કચેરીમાં ખાસ કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો છે. આ કન્ટ્રોલ રૂમમાં છ મહાનગરપાલિકાના મુખ્ય ચૂંટણી અધિકારીથી માંડીને RO and ARO સાથે સીધો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. હાલ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પ્રારંભિક મતદાન શાંતિપૂર્ણ હોવાનો દાવો કરાયો છે.
ગુજરાતના દિગ્ગજો મતદાન કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના દિગ્ગજ નેતાઓ કરશે મતદાન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પોતાના હોમટાઉન રાજકોટમાં મતદાન કરવા જશે. તો પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સુરતમાં મતદાન કરશે. જીતુ વાઘાણી ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8 'વડવા - અ'માં મતદાન કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે