સુખી સંપન્ન ગુજરાત કહેવાનું બંધ કરો હવે! 7 કરોડની વસ્તીમાં 1.2 કરોડ લોકો તો ગરીબ છે
poverty in gujarat : ગરીબી પડકારજનક બની, સુખી-સમૃધ્ધ ગુજરાતમાં ૧.૦૨ કરોડ લોકો ગરીબ, ગુજરાતમાં ગામડાઓમાં ૭૫,૩૫ લાખ ગરીબો, ગામડાનો માણસ રોજ રૂા. ૨૬ ખર્ચી શકતો નથી, ગરીબી નાબૂદી કાર્યક્રમ અમલમાં છતાંય ગુજરાતમાં ગરીબો વધ્યા
Trending Photos
Gujarat Government : વાઈબ્રન્ટ ગુજરાત, મોડેલ ગુજરાત વિકસિત ગુજરાત એ ફક્ત વાતો છે. તમે આ રિપોર્ટ વાંચશો તો ખબર પડશે કે ગુજરાત એ વિકસિત નહીં ગરીબીમાં જીવતું ગુજરાત છે. જ્યાં ચકાચાંદ ચાંદની પાછળ ગરીબીને છુપાવાઈ રહી છે. સરકાર ભલે વાહવાહી કરે અને વિકાસની વાતો કરે પણ કેન્દ્ર સરકારના આંકડા વિકાસની પોલ ખોલી રહ્યાં છે. ગરીબો અને અમીરો વચ્ચેની ખાઈમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર વાઈબ્રન્ટ અને વિકાસશીલ ગુજરાતનો ધૂમ પ્રચાર કરે છે પણ વાસ્તવિકતા એ છે કે, ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધીને 1.02 કરોડ સુધી પહોંચી ચૂકી છે.
30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન
અતિસમૃદ્ધ ગણાતા ગુજરાતમાં ગામડાનો માણસ રોજ 26 રૂપિયા પણ વાપરી શકતો નથી. શહેરી વિસ્તારનો વ્યક્તિ રોજના 32 રૂપિયા ખર્ચવા પણ સક્ષમ નથી અને લોકો ગુજરાતને વિકસિત રાજય ગણાવે છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકાર પણ ગરીબી દૂર કરવામાં નિષ્ફળ રહી હોવાનું આ આંકડાઓ પૂરવાર કરી રહ્યાં છે. રાજ્યનું 3 લાખ કરોડનું બજેટ હોવા છતાં ગરીબોની સંખ્યામાં સતત વધારો થયો છે. સરકારી રાહત દરે અનાજનો લાભ મેળવતા લોકોની સંખ્યા પણ 3 કરોડની આસપાસ છે. આ સાબિત કરે છે કે સરકાર ભલે વિકાસના દાવા કરે પણ ચિત્ર કંઈક અલગ જ છે.
દેશમાં ગરીબીની સ્થિતિ નક્કી કરવા માટે 2011-12માં એક સર્વે કરવામાં આવ્યો હતો. જે બાદ હજુ સુધી આ અંગે કોઈ આકારણી જારી કરવામાં આવી નથી. આ સર્વેમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા 27 કરોડ આંકવામાં આવી હતી. સરકારનું કહેવું છે કે દેશમાં 21.9 ટકા વસ્તી હજુ પણ ગરીબી રેખા નીચે જીવે છે. આપણે ગુજરાતમાં વિકાસની વાતો કરીએ છીએ પણ 1 કરોડ વસ્તીને હજુ બે ટંક ખાવાના ફાંફા છે આ અમે નહીં પણ કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડાઓ કહી રહયાં છે.
હવે 16.74 કરોડ લોકો અત્યંત ગરીબ
ભારતમાં 2005 અને 2006 વચ્ચે લગભગ 64.5 કરોડ લોકો ગરીબ હતા. જોકે આ આંકડો ઘટીને 2015 અને 2016 વચ્ચે લગભગ 37 કરોડે પહોંચી ગયો છે, જ્યારે 2019 અને 2021 વચ્ચે 23 કરોડ પર આવી ગયો છે. યુએનના આ રિપોર્ટ મુજબ ભારત સહિત 25 દેશોએ 15 વર્ષમાં ગરીબી રેખા ઘટાડવામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આ બાબત વિવિધ દેશોની ઝડપી પ્રગતિ દર્શાવે છે. આ યાદીમાં ભારત ઉપરાંત કંબોડિયા, ચીન, કોંગો, હોન્ડુરાસ, ઈન્ડોનેશિયા, મોરોક્કો, સર્બિયા અને વિયેતનામ પણ સામેલ છે. મહામારીને કારણે વર્ષ 2020માં લગભગ 5.6 કરોડ ભારતીયો અત્યંત ગરીબ બની ગયા હતા, પરંતુ વર્ષ 2021માં અત્યંત ગરીબોની સંખ્યા ઘટી છે. આ સંખ્યામાં 3.8 કરોડનો ઘટાડો થયો છે અને હવે 16.74 કરોડ લોકો અત્યંત ગરીબ છે.
ગામડાઓ અને શહેરોમાં હાલત ખરાબ
સંસદમાં રજૂ કરાયેલા એક રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં આજે 16.62 ટકા લોકો ગરીબીમાં જીવી રહ્યાં છે. શહેર કરતાં ગામડાના લોકોની સ્થિતિ વધુ ખરાબ છે. સતત મોંઘવારી વધતી જાય છે. બે ટંકનું ભોજન મેળવવું એ ગરીબો માટે દોહ્યલું બની રહ્યું છે ત્યારે સરકારે રજૂ કરેલા આંકડાઓનો અભ્યાસ કરશો તો ખબર પડશે કે આ પૈસામાં કંઈ રીતે બે ટંકનું ખાવાનું પણ મળી રહે. ગામડામાં 21.54 ટકા એટલે કે, 75.35 લાખ ગરીબો છે. જ્યારે શહેરોમાં ગરીબ લોકોનું પ્રમાણ 10.14 ટકા રહ્યું છે.
ચકાચક રોડ-રસ્તા પાછળ સ્થિતિ અલગ
આ જ સ્થિતિ શહેરોની પણ છે. ચકાચક રોડ અને ઉંચી ઈમારતો અને રોડ પર દોડતી લાખોની ગાડીઓ જોઈને એમ ન સમજતા કે શહેરોમાં લોકો સદ્ધર રહે છે. શહેરમાં ગરીબોની સંખ્યા વધીને 26.88 લાખ સુધી પહોંચી છે. કુલ મળીને સુખી સંપન્ના ગણાતાં ગુજરાતમાં 1.02 કરોડો લોકો ગરીબ છે. સવાલ એ છે કે, લાખો કરોડોના આંધણ પછીય ગુજરાતમાં ગરીબી કેમ દૂર થઈ શકી નથી. ગરીબો સુધી સરકારના લાભો કેમ પહોંચી રહ્યા નથી. વાસ્તવિકતા એ છે કે છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં 1359 ગરીબ પરિવારો વધ્યાં હોવાનું સરકાર ખુદ કબૂલી ચૂકી છે. સાબરકાંઠા, પંચમહાલ, બનાસકાંઠા, આણંદ, જૂનાગઢ અને દાહોદમાં ગરીબ પરિવારોની સંખ્યા વધુ છે. આમ આ આંકડાઓ દેખાડી રહ્યાં છે કે ગુજરાતમાં સ્થિતિ આજે પણ દારૂણ છે. લોકો સરકારી અનાજનો ભરોસે જીવી રહ્યાં છે. સરકાર ભલે વાહવાહી કરે પણ સ્થિતિ કંઈક અલગ છે.
ગરીબી રેખાનું સ્તર કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
સરકારના જણાવ્યા અનુસાર, દેશની 21.9 ટકા વસ્તી હજુ પણ ગરીબી રેખા નીચે જીવે છે. સરકારનું માનવું છે કે જો ગામડામાં રહેતો વ્યક્તિ 26 રૂપિયા અને શહેરમાં રહેતો વ્યક્તિ દરરોજ 32 રૂપિયા ખર્ચવામાં અસમર્થ હોય તો તે વ્યક્તિને ગરીબી રેખા નીચે ગણવામાં આવશે.
ગરીબી રેખા નીચે જીવતો પરિવાર પોતાના બાળકોને પ્રાથમિક સુવિધાઓ પણ આપી શકતો નથી. ન તો તે પરિવાર તેમના બાળકોને યોગ્ય શિક્ષણ આપી શકવા સક્ષમ છે કે ન તો આરોગ્ય અને પૂરતું ભોજન આપી શકે છે. કોરોનાના સમયગાળા દરમિયાન લોકડાઉન ગરીબીમાં જીવતા લોકો માટે ભારે સંકટનો સમય હતો. જ્યારે ઉંચા વ્યાજે લોન લઈને પોતાનો પરિવાર ચલાવવાનો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે