વડોદરામાં સાયકલ ટ્રેકના નામે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ, PMO સુધી પહોંચી ફરિયાદ!

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો હિતેન્દ્ર પટેલ કહી રહ્યા છે કે લોકો સવારે 6 થી 9માં સાયકલ ટ્રેક પર સાયકલ ચલાવે છે, લોકો સ્વસ્થ રહે તે ઉદેશ્યથી સાયકલ ટ્રેક બનાવ્યો છે, સાયકલ ટ્રેક પર વાહનોના દબાણ બાબતે ટ્રાફિક પોલીસને પત્ર લખી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે..

વડોદરામાં સાયકલ ટ્રેકના નામે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ, PMO સુધી પહોંચી ફરિયાદ!

રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરામાં સાયકલ ટ્રેકના નામે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ પીએમઓ અને સીએમઓ કાર્યલય સુધી કરવા છતાં પાલિકા હવે બીજો સાયકલ ટ્રેક બનાવવાનું આયોજન કરી રહી છે જેને લઈ વિવાદ થયો છે... 

વડોદરા કોર્પોરેશને આજવા રોડ વિસ્તારમાં વૃંદાવન ચોકડીથી સરદાર એસ્ટેટ ચાર રસ્તા સુધી 4 કિલોમીટર લાંબો સાયકલ ટ્રેક 1.22 કરોડના ખર્ચે બનાવ્યો છે, જેનું ઉદઘાટન પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો હિતેન્દ્ર પટેલે કર્યું હતું...સાયકલ ટ્રેકના નામે થોડાક ભાગમાં રોડ પહોળો કરી તેના પર લાલ પટ્ટા પાડી દીધા છે...જે લાલ પટ્ટા પણ હવે કેટલાક સ્થળેથી ભૂસાઈ રહ્યા છે...પાલિકાએ સાયકલ ટ્રેકના નામે મજાક કરી હોય તેવું લાગી રહ્યું છે...સાયકલ ટ્રેક માટે કોઈ પોલિસી બનાવ્યા વગર જ આડેધડ ટ્રેક બનાવી દેવાયો છે, જેના કારણે સાયકલ ચલાવનારા લોકો સ્વસ્થ રહેવાના બદલે અકસ્માતનો ભોગ બને તેવી સ્થિતિ ઉદભવી છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો હિતેન્દ્ર પટેલના વિસ્તારમાં સાયકલ ટ્રેકના નામે ભ્રષ્ટાચાર થયો હોય તેવું ફલિત થઈ રહ્યું છે, છતાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ચૂપ રહેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આજવા રોડ વિસ્તારમાં બનેલ સાયકલ ટ્રેકનો વિવાદ હજી સમી નથી રહ્યો તેવામાં પાલિકા સમા કેનાલ રોડ પર CSR ફંડ થકી 3.5 કરોડના ખર્ચે વધુ એક સાયકલ ટ્રેક બનાવવાનું આયોજન કરી રહી છે...

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો હિતેન્દ્ર પટેલ કહી રહ્યા છે કે લોકો સવારે 6 થી 9માં સાયકલ ટ્રેક પર સાયકલ ચલાવે છે, લોકો સ્વસ્થ રહે તે ઉદેશ્યથી સાયકલ ટ્રેક બનાવ્યો છે, સાયકલ ટ્રેક પર વાહનોના દબાણ બાબતે ટ્રાફિક પોલીસને પત્ર લખી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે..

સાયકલ ટ્રેકમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સ્થાનિક નાગરિકો અને પાલિકાના વિપક્ષ નેતા કરી રહ્યા છે...વાઘોડિયા રોડ વિસ્તારના સ્થાનિક નાગરિક કલ્પેશ પટેલે તો સાયકલ ટ્રેક મામલે છેક પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી કાર્યલયમાં ફરિયાદ પણ કરી છે, સાથે જ પાલિકામાં RTI પણ કરી છે, પણ પાલિકાના અધિકારી RTIનો જવાબ પણ નથી આપી રહ્યા, જેને લઈ ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા વધુ પ્રબળ બની રહી છે...પાલિકાના વિપક્ષ નેતા અમીબેન રાવતે સાયકલ ટ્રેકમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ થાય તેવી માંગ કરી છે, સાથે જ પુણેમાં સાયકલ ટ્રેક માટે જે પોલિસી છે તે પ્રમાણે નવો સાયકલ ટ્રેક બનાવવો જોઈએ તેવી વાત કરી છે... 

મહત્વની વાત છે કે સાયકલ ટ્રેકમાં માત્ર કાગળ પર રૂપિયા ખર્ચાયા હોય તેવું લાગી રહ્યું છે...સાયકલ ટ્રેક બનાવીને અધિકારી, નેતા અને કોન્ટ્રાકટર પોતાના ખિસ્સા ભરી રહ્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે...તેમજ પાલિકાના એક હોદ્દેદારને સાયકલ ટ્રેક બનાવવામાં વધુ રસ પડ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, ત્યારે જો સાયકલ ટ્રેકમાં રાજ્ય સરકાર તટસ્થ તપાસ કરાવે તો મોટા માથાઓ બેનકાબ થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news