લોકો શુભેચ્છા આપવા Vijay Rupani ના ઘરે પહોંચી રહ્યાં છે પણ લંડનમાં બર્થ ડે મનાવી રહ્યાં છે ગુજરાતના જૂના CM!

Happy Birthday Vijay Rupani: બાળપણથી જ વિજયભાઇ આરએસએસના આદર્શોને વરેલા રહ્યાં છે. જૈન પરિવાર અને પરંપરામાં તેમનો ઉછેર થયો છે. એક સરળ અને જીવદયા પ્રેમી વ્યક્તિ અચાનક કઈ રીતે બન્યા ગુજરાતના મુખ્યમંત્રી એ કહાની પણ રોચક છે. બર્મામાં જન્મેલા વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી બની બધાને ચોંકાવી દીધાં હતાં.

લોકો શુભેચ્છા આપવા Vijay Rupani ના ઘરે પહોંચી રહ્યાં છે પણ લંડનમાં બર્થ ડે મનાવી રહ્યાં છે ગુજરાતના જૂના CM!

ઝી બ્યૂરો, અમદાવાદઃ વર્ષ 2016નો હતો. ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ફેસબુક પરથી રાજીનામું આપી દીધું. જેના પછી ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે તેની ચર્ચા જોરશોરથી થવા લાગી. છેલ્લા સમય સુધી પાટીદાર અને સૌથી સિનિયર નેતા એવા નીતિન પટેલ રેસમાં હતા. મિઠાઈઓ વહેંચાઈ ગઈ હતી. ઉજવણી માટેની તૈયારીઓ થઈ ગઈ હતી. પરંતુ ભાજપે બધાને ચોંકાવતા વિજય રૂપાણીનું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યુ. અને ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે 7 ઓગસ્ટ 2016ના રોજ વિજય રૂપાણીએ શપથ લીધા. આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો 67મો જન્મદિવસ છે. ત્યારે તેમના જીવનની સફર વિશે પણ જાણીએ...

શુભેચ્છકો તેમને શુભેચ્છાઓ આપવા માટે તેમના ગાંધીનગર તેમજ રાજકોટના નિવાસ્થાને પહોંચી રહ્યાં છે. પણ સાહેબ ત્યાં નથી. કેટલાંક શુભેચ્છકો ટેલિફોનથી પણ શુભેચ્છાઓ પાઠવવા પ્રયાસ કરી રહ્યાં છે પણ સાહેબનો સંપર્ક થઈ રહ્યો નથી. ત્યારે બધાના મનમાં સવાલ એ થાય છેકે, જન્મદિવસના અવસરે વિજયભાઈ રૂપાણી ક્યાં છે. તો અમે પણ તેમને શુભેચ્છાઓ પાઠવવા પ્રયાસ કર્યો ત્યારે તેમના ઠેકેદારો અને તેમના ખુબ અંગત ગણાતા લોકો પાસેથી જાણવા મળ્યુંકે, વિજય રૂપાણી હાલ તેમના પરિવાર સાથે લંડનમાં છે. તેઓ લંડનમાં પોતાના પરિવાર સાથે બર્થ ડે ની ઉજવણી કરી રહ્યાં છે. અમે પણ તેમને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

રંગુનમાં જન્મ: 
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956ના દિવસે રંગૂનમાં થયો હતો. 1960માં તેમનો પરિવાર બર્મામાં રાજકીય અસ્થિરતાના કારણે તેઓ રાજકોટ આવી ગયા હતા.

ગુજરાતમાં શિક્ષણ:
વિજય રૂપાણીએ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાંથી બીએની ડિગ્રી મેળવી. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી LLBનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થીકાળમાં તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને RSSના એક્ટિવ સભ્ય હતા. કોલેજકાળમાં તે સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી પણ બન્યા હતા.

કટોકટી દરમિયાન જેલમાં ગયા:
ભારતમાં 1975થી 1977 દરમિયાન ઈમરજન્સી નાંખવામાં આવી. તે દરમિયાન વિજય રૂપાણીની અટકાયત કરવામાં આવી હતી. અને લગભગ 11 મહિના સુધી તે જેલમાં રહ્યા હતા. જ્યારે બીજીવાર 1976માં મિસા એક્ટ હેઠળ તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા.

1987માં કોર્પોરેટર બન્યા: 
1987માં કોર્પોરેટર તરીકે તેમની રાજકીય કારકિર્દી ખૂબ જ ઝડપથી આગળ વધવા લાગી. રાજકોટ શહેરને શ્રેષ્ઠ શહેરમાં રૂપાંતર કરવા માટે તેમણે તેમની રાજકીય કુનેહનો ઉપયોગ કર્યો. રાજકોટ શહેરમાં ભાજપના મહામંત્રી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે પણ તેમના કાર્યકાળ દરમિયાન તેમણે તેમની આગવી સૂઝબૂઝનો ઉપયોગ કર્યો હતો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની આગેવાની કરનારા તેઓ સૌથી યુવાન વ્યક્તિ હતા.

વિજય રૂપાણીની કોર્પોરેટરથી મુખ્યમંત્રી સુધીની સફર:
1. 1987માં રાજકોટમાં કોર્પોરેટર બન્યા અને ડ્રેનેજ કમિટીના ચેરમેન બન્યા
2. 1988થી 1996 સુધી રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા
3. સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જના પ્રેસિડેન્ટ બન્યા
4. 1996થી 1997 દરમિયાન રાજકોટના મેયર બન્યા
5. 1998થી 2002 સુધી સરકારની મેનિફેસ્ટો ઈમ્પ્લીમેન્ટેશન કમિટીના ચેરમેન રહ્યા
6. 2006માં ગુજરાતના ટુરિઝમ કોર્પોરેશનના ચેરમેન બન્યા
7. 2006થી 2012 દરમિયાન રાજ્યસભાના સાંસદ બન્યા
8. 2013માં ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન બન્યા
9. 2015માં ધારાસભ્ય બન્યા અને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું
10. 2016માં ગુજરાત ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા
11. 7 ઓગસ્ટ 2016ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વરણી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news