ભાજપના નેતાએ સાંસદ રામભાઈ નહીં 5 નેતાને બાટલીમાં ઉતાર્યા, હવે બદનામીના ડરે મોઢા પર તાળું મારી બેઠા

Rambhai Mokariya : રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ ભાજપના એક સિનિયર નેતા પર લગાવ્યો કરોડો રૂપિયા ચાઉં કરવાનો આરોપ... પરંતુ માત્ર રામ મોકરિયા નહિ, અન્ય નેતાઓ પણ આ રીતે છેતરાયા છે

ભાજપના નેતાએ સાંસદ રામભાઈ નહીં 5 નેતાને બાટલીમાં ઉતાર્યા, હવે બદનામીના ડરે મોઢા પર તાળું મારી બેઠા

Rajkot News : રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ એક નેતાએ રૂપિયા દબાવ્યા હોવાના કરેલા આક્ષેપો બાદ હવે ચર્ચા એવી શરૂ થઈ છે કે રામભાઈ જ નહીં ભાજપના આ કદાવર નેતાએ 5 નેતાઓના 100 કરોડ રૂપિયા દબાવ્યા છે. જોકે, આ મામલે કોઈ બોલા તૈયાર નથી. ભાજપના તમામ નેતાઓ આ મામલે અંદરો અંદરનો મામલો હોવાનું કહી વાતને ટાળી રહ્યાં છે જોકે, ભાજપના તમામ નેતાઓ આ બાબતને જાણે છે પણ બદનામીના ડરે મોઢા પર તાળું મારીને બેઠા છે. ઉચ્ચકક્ષાએથી પણ આ મામલે ચૂપકીદી સાધવાના આદેશો હોવાથી સૌરાષ્ટ્ર ભાજપનો એક પણ નેતા આ મામલે બોલવા તૈયાર નથી. બધા હાથ ખંખેરી રહ્યાં છે. 

રામભાઈ મોકરિયાએ તો સોશિયલ મીડિયામાં ઠાલવેલા ઉભરામાં આ નેતાની ઓળખ છતી કરી દીધી હોવા છતાં નેતાઓ ચૂપ છે. હવે નવી બાબતો બહાર આવતાં સૌરાષ્ટ્રના રાજકારણમાં આ મામલો ચર્ચાને એરણે ચડ્યો છે. હવે એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે, જે નેતાની ફરિયાદ રામ મોકરિયાએ કરી એ નેતાએ તો બીજા પાંચ લોકોને 100 કરોડ રૂપિયા જેટલો ચૂનો લગાવ્યો છે. કહેવાઈ રહ્યું છે કે એ નેતા જમીનના મામલામાં ફસાયા છે અને એટલે તેમણે કેટલાક નજીકના લોકો પાસેથી રૂપિયા લીધા હતા, જે પાછા નથી આપ્યા. હવે આ નેતાઓ ઉઘરાણી કરવાના મૂડમાં છે. ભાજપના નેતાઓ વચ્ચે અંદરો અંદરની લેવડ દેવડનો મામલો હોવાથી ભાજપ ચૂપ છે પણ 100 કરોડ ઉછીના લેવા પડે એ જમીન કઈ એ ચર્ચા  શરૂ થઈ છે. 

ભાજપના એવા નેતાઓ પણ કયા છે જેઓ 100 કરોડ રૂપિયા ઉછીના આપી શકે તો એમની મિલકતો કેટલી એ રાજકોટમાં હવે ચર્ચાવા લાગ્યું છે. નેતાઓ હોય તો કરોડપતિ હોય પણ 100 કરોડ ઉછીના આપે એવા નેતાઓ કયા એ પણ અતિ અગત્યનું છે. ગુજરાતમાં ભાજપના નેતાઓનું આ પ્રકરણ હાલમાં ચર્ચામાં છે પણ આ મામલાને દબાવવાની કોશિષ કરી રહ્યાં છે. ભાજપના કદાવર નેતાના રૂપિયા પણ ફસાયા હોવાથી તેઓ રિટર્ન આપી શકે તેવી સ્થિતિમાં નથી પણ હાલમાં ભાજપના નેતાનું નામ, જમીન અને ઉછીના રૂપિયા આપનારના નામ સૌરાષ્ટ્રમાં ચર્ચાવા લાગ્યા છે. જોકે, આ મામલો હાલમાં ચર્ચામાં છે પણ આ મામલે ભાજપના નેતાઓ જ મોટા ખુલાસા કરી શકે છે.  

થોડા દિવસ  પહેલાં ગુજરાત ભાજપના એક નેતાના આક્ષેપથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ આક્ષેપ મૂક્યો હતો કે, ભાજપના એક સિનિયર નેતા મને રૂપિયા પરત નથી આપી રહ્યા. રામ મોકરિયાએ સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. તેઓએ લખ્યું હતું કે, અનેક વખત રૂપિયા પરત લેવા માટે મેં માંગણી કરી છે. અનેક વખત મધ્યસ્થીઓને કહ્યું, પરંતુ રૂપિયા પરત આપી નથી આપ્યા. મેં રૂપિયા આપ્યા છે તેના તમામ પુરાવા પણ છે. ભાજપના પીઢ નેતા છે અને હાલમાં નિવૃત થયા છે. 

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ સોશિયલ મીડિયા પર કરેલી એક કોમેન્ટથી ભાજપના મોવડીઓના પેટમાં તેલ રેડાયું છે. રામ મોકરિયાએ ત્યાં સુધી કહ્યું હતું કે તેમની નીતિ ખૂબ જ ખરાબ છે. મેં રૂપિયા આપ્યા તેના મારી પાસે પુરાવા છે. જરૂર જણાશે તો હું આવનારા દિવસોમાં વધુ પુરાવા સાથે ખુલાસા કરીશ. વર્ષ 2008 થી 2011 સુધીમાં વ્યવહારીક બાબતો અને હાથઉછીના પેટે અલગ-અલગ મોટી રકમ આપી છે, જે પરત આપવામાં નેતા આનાકાની કરી રહ્યા છે. અનેક વખત રૂપિયા પરત લેવા માટેની માગણી કરી, અનેક વખત મધ્યસ્થીઓને કહ્યું પરંતુ, રૂપિયા પરત આપતા નથી.

આ સિનિયર ભાજપી નેતા કોણ છે તે વિશે તેઓએ કહ્યું કે, તેઓ અબજોપતિ નેતા છે. તેમની નીતિ અને નિયત બહુ જ ખરાબ છે. તેઓ 1980થી રાજકારણમાં છે. તેઓ ગુજરાતમાંથી નિવૃત્ત થઈ ગયા છે. હાલમાં રાજ્ય બહાર છે.  રામ મોકરિયાના એક ભાજપી નેતા સામેના પ્રહારોથી જ પાર્ટીમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે. આડકતરી રીતે તેઓએ પોતાના રૂપિયા પાછા મેળવવા માટે પક્ષ પાસેથી મદદ માંગી છે. જોકે, હવે નવા આક્ષેપોને પગલે સૌરાષ્ટ્રમાં પણ આ મામલો ચર્ચાને એરણે ચડ્યો છે. જોકે, આ તમામ બાબતો મામલે કોઈ પૂરાવા નથી પણ સૌરાષ્ટ્રમાં ચર્ચાઓ થઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news